12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

એક સમયે 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ ધરાવતી BSNL આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા માટે મજબૂર, જાણો કેમ

1990 માં આ એકમાત્ર ટેલીકોમ કંપની ભારતમાં હતી

2018-19માં બીએસએનએલ

આવક રૂપિયા 19,321 કરોડ

નુકશાન રૂપિયા 14,904 કરોડ

અસેટસ રૂપિયા 116,606 કરોડ

કર્મચારી 1.53 લાખ

મોબાઈલ ગ્રાહક રૂપિયા 11.58 કરોડ

બીએસએનએલના 78,569 કર્મચારીઓએ ગયા વર્ષે વીઆરએસ લીધું છે

15 વર્ષ પહેલાં નફો કરવામાં બીજા ક્રમે હતી, આજે ભારે ખોટમાં છે

મુંબઈ. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ની સંપત્તિ વેચવાની પ્રક્રિયામાં ભારે વેગ આવ્યો છે. સરકારે બીએસએનએલની લેન્ડહોલ્ડીંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સંપત્તિ વેચવાની સંભાવનાઓ તપાસવાની જવાબદારી કન્સલ્ટેન્સી ફર્મ સીબીઆરઇ ગ્રુપ, જોન્સ લેંગ લાસેલે (જેએલએલ) અને નાઈટ ફ્રેન્કને સોંપવામાં આવી છે. તે આ મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

બીએસએનએલની યોજના

2007-08 માં કંપની 15 હજાર કરોડ રોકાણની યોજનાઓ બનાવી હતી

2010 માં 60 હજાર કરોડના રોકાણની યોજના બની

જો આ બંને યોજના સફળ થઇ હોત તો બીએસએનએલ આજે નંબર વન ટેલીકોમ કંપની હોત

પણ આઈપીઓ નિષ્ફળ ગયું તો રોકાણ અટક્યું અને તેનાથી કંપની પાછળ પડતી ગઈ

દિલ્હી અને મુંબઇ સિવાય કાશ્મીરથી કન્યાકુમારી સુધી બીએસએનએલ હતું

મુંબઈ અને દિલ્હી સિવાય આખા ભારતને જોડતી બીએસએનએલની આ હાલત કેવી રીતે થઇ અને કેમ થઇ તે પણ એક રસપ્રદ કહાની છે. બીએસએનએલની શરૂઆત ત્યારે થઈ જ્યારે દેશમાં કોઈ તેની હરીફ કંપની ન હતી. તેમ છતાં પણ છેલ્લા 30 વર્ષોમાં આ કંપની તૂટી ગઈ. આ 20 વર્ષોમાં બીજી ઘણી ખાનગી કંપનીઓએ ભારતીય બજારને સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં, જિઓએ 40 કરોડથી વધુ ગ્રાહક બનાવી લીધા.

બીએસએનએલની શરૂઆત

આમ તો બીએસએનએલની શરૂઆત 15 સપ્ટેમ્બર 2000 ના રોજ થઈ હતી. પણ કહાની અલગ છે. 1 ઓક્ટોબર 2000 થી કેન્દ્ર સરકારના તત્કાલીન ટેલિકોમ સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ (ડીટીએસ) અને ટેલિકોમ સંચાલન (ડીટીઓ) ના ટેલિકોમ સેવા અને નેટવર્ક મેનેજમેન્ટ માટે તેની રચના કરવામાં થઇ. ભારતમાં ટેલિકોમ સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરાવવા વાળી સૌથી મોટી અને મુખ્ય જાહેર ક્ષેત્રના એકમોમાંથી તે એક છે.

બ્રિટીશ સરકારના સમયથી છે તેનો ઈતિહાસ

ભારત સંચાર નિગમ લિમિટેડ ભારતની સૌથી જૂની ટેલિકોમ કંપની છે. તેનો ઇતિહાસનો અંદાઝ બ્રિટિશ સરકારના સમયનો લગાવવામાં આવી શકે છે. ભારતમાં ટેલિકમ્યુનિકેશન નેટવર્કનો પાયો બ્રિટિશરોએ 19 મી સદીની આસપાસ નાખ્યો હતો. બ્રિટીશ સમયગાળા દરમિયાન, 1850 માં પહેલી ટેલીગ્રાફ લાઈન કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે સ્થાપના કરવામાં આવી હતી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1851 માં ટેલિગ્રાફની શરૂઆત કરી

બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1851 માં ટેલિગ્રાફનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને 1854 સુધીમાં દેશભરમાં ટેલિગ્રાફ લાઇનો નાખવામાં આવી. 1854 માં ટેલિગ્રાફ સર્વિસ જાહેર જનતા માટે ખુલી મુકવામાં આવી હતી અને પ્રથમ ટેલિગ્રામ મુંબઇથી પુણે મોકલવામાં આવ્યો હતો. 1885 માં બ્રિટિશ શાહી વિધાન પરિષદ દ્વારા ભારતીય ટેલિગ્રાફ એક્ટ પસાર કરવામાં આવ્યો.

1980 ના દાયકામાં પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગના વિભાજન પછી, ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના અસ્તિત્વમાં આવવાને લીધે છેવટે સરકારની માલિકીની ટેલિગ્રાફ અને ટેલિફોન કંપનીની શરુઆત થઈ, જેને કારણે બીએસએનએલ માટે પાયો નાખવામાં આવ્યો.

15 જુલાઈ 2013 ના રોજ ટેલિગ્રાફ સેવાઓ બંધ થઈ ગઈ

તેણે ભારતમાં ટેલિગ્રાફ સેવાઓ ચાલુ રાખી. પરંતુ 15 જુલાઈ 2013 ના રોજ ટેલિગ્રાફ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. બીએસએનએલએ 160 વર્ષ સુધી આ સેવા પૂરી પાડ્યા પછી 15 જુલાઈ, 2013 ના રોજ તેની ટેલિગ્રાફ સેવા બંધ કરી દીધી. તેણે ફેબ્રુઆરી 1855 માં લોકો સુધી ટેલિગ્રામ પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું. આ સેવાને 2010 માં વેબ આધારિત મેસેજિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવામાં આવી હતી અને તેને ભારતભરમાં 182 ટેલિગ્રાફ ઓફિસ દ્વારા રજુ કરવામાં આવી હતી.

બીએસએનએલે 1990 માં લેન્ડલાઇનની સેવા શરૂ કરી હતી

કંપનીએ તેની લેન્ડલાઇન સેવા 1990 ના દાયકાના પ્રારંભમાં શરૂ કરી હતી. તે સમયે તે એકમાત્ર ફિક્સ લાઇન ટેલિફોન આપનારી કંપની દેશમાં હતી. 1999 માં જ્યારે ડીઓટીએ નવી ટેલિકોમ પોલિસી રજૂ કરી ત્યાર પછી એમટીએનએલને લેન્ડલાઇન સેવા આપવાની મંજૂરી મળી.

1990 અને થોડાક અંશે 2000 ના દાયકાને જોઈએ તો બીએસએનએલ માટે સુવર્ણ યુગ હતો. આજે જે રીતે કોઈ વિદેશી બ્રાન્ડનો ફોન લોન્ચ કરતી વખતે રાતો રાત જે રીતે બુક કરાવા લાઈનો લાગે છે. તે સ્થિતિ બીએસએનએલની હતી. તે સમયમાં લેન્ડ લાઇન ફોન માટે 6-6 મહિના સુધી લાઈન લાગતી હતી.

ક્ષમતા અને ગ્રાહક

30 એપ્રિલ 2019 સુધીમાં આ કંપની પાસે 2.96 કરોડની બેઝીક ટેલિફોન ક્ષમતા હતી. ડબલ્યુએલએલની ક્ષમતા 13.9 લાખ હતી. નિશ્ચિત વિનિમય ક્ષમતા 1.46 લાખ હતી. 11.58 કરોડ મોબાઇલ ફોન ગ્રાહક છે. 1.17 કરોડ વાયરલાઈન ફોન ગ્રાહકો તેના છે. વાયરલાઇન અને વાયરલેસ બ્રોડબેન્ડ બંનેમાં 21.56 મિલિયન ગ્રાહકો સામેલ છે.

2006-07 માં ગ્રાહક અને આવકના આધારે સૌથી મોટી કંપની બીએસએનએલ

બીએસએનએલ – 7.5 કરોડ ગ્રાહક – આવક-રૂપિયા 41,200 કરોડ, નફો રૂપિયા 8,240 કરોડ

ભારતીય એયરટેલ – 5 કરોડ ગ્રાહક, આવક 18,349 કરોડ – નફો રૂપિયા 4,257 કરોડ

આરકોમ – 4 કરોડ ગ્રાહક, આવક 14,420 કરોડ – નફો રૂપિયા 3,152 કરોડ

સિયાચેન અને ગ્લેશિયર સુધી છે તેની સેવાઓ

આ દેશ દુર્ગમ સ્થળો જેવા સિયાચીન ગ્લેશિયર, દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર સુધી પોતાની ક્ષમતા ઉભી કરી છે. પોતાની વ્યાપક સેવાઓ જેવી કે વાયરલાઇન, સીડીએમએ મોબાઇલ, જીએસએમ મોબાઇલ, ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ, કેરિયર સેવાઓ, એમપીએલએસ-વીપીએન, વીસેટ, વીઓઆઈપી, આઈએન સેવાઓ, એફટીટીએચ વગેરે દ્વારા તેના ગ્રાહકોને સેવા આપી રહી છે. તેની મુખ્ય સેવાઓ લેન્ડલાઇન, મોબાઇલ, બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ સેવાઓ છે.

2007-08માં 40 હજાર કરોડનો આઈપીઓનો પ્લાન

બીએસએનએલે વર્ષ 2007-૦8માં 40 હજાર કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી હતી. તેની બોર્ડે મંજૂરી આપી દીધી હતી. પરંતુ મામલો સરકાર પાસે અટવાઈ ગયો. સરકાર તરફથી મંજૂરી ન મળી. આ આઈપીઓ એ સમયનો સૌથી મોટો આઈપીઓ હતો.

જો કે, 2010 માં, કોલ ઇન્ડિયાએ 15,475 કરોડ રૂપિયાનો સૌથી મોટો આઈપીઓ ભર્યો હતો. બીએસએનએલે આ રકમ માંથી 15 હજાર કરોડ રૂપિયા મોબાઇલ અને બ્રોડબેન્ડ નેટવર્કના વિસ્તરણ ઉપર ખર્ચ કરવાની યોજના બનાવી હતી. 2010 સુધીમાં તેની યોજના 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની હતી.

બીએસએનએલના આઈપીઓ ઉપર એક નજર

વર્ષ 2008 માં આઈપીઓ હેઠળ 10 ટકા ભાગ વેચવાની યોજના

આઈપીઓની સાઈઝ 40 હજાર કરોડ રૂપિયા, બોર્ડે આપી મંજુરી

કંપનીની વેલ્યુએશન 4 લાખ કરોડ

લીસ્ટેડ ટેલીકોમ ફર્મ

ભારતીય એયરટેલ (1.83 લાખ કરોડ) અને આરકોમ (1.63 લાખ કરોડ) બમણી વેલ્યુએશન

12 વર્ષ પહેલા 4 લાખ કરોડનું વેલ્યુએશન

બીએસએનએલ તેના દ્વારા 10 ટકા હિસ્સો વેચવા માંગતા હતા. તે પ્રમાણે ભારતીય ચલણમાં તેનું વેલ્યુએશન 4 લાખ કરોડ રૂપિયા હતું. લગભગ 12 વર્ષ પછી, જિઓ 5 લાખ કરોડના વેલ્યુએશનવાળી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જો 12 વર્ષ પહેલાં બીએસએનએલની લીસ્ટેડ થઇ ગઈ હોત, તો તે આજે 10 લાખ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુએશનવાળી કંપની હોત.

તે સમયે બીએસએનએલની તે વેલ્યુએશન લિસ્ટેડ ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ (183,283 કરોડ) અને અનિલ અંબાણીની આરકોમ (163,683 કરોડ) ને ભેળવી દો તો પણ તે તેના કરતા વધુ વેલ્યુએશનની કંપની હતી.

2006-07માં સૌથી વધુ ગ્રાહકોવાળી કંપની

2006-07માં બીએસએનએલ પાસે 7.5 કરોડ ગ્રાહકો હતા. ભારતી એયરટેલ પાસે 5 કરોડ ગ્રાહકો હતા. આર કોમ પાસે 4 કરોડ ગ્રાહકો હતા. તે સમયે બીએસએનએલ આવક અને ગ્રાહકો બંનેના આધારે સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. 2006-07માં કંપનીની કુલ આવક 39,715 કરોડ રૂપિયા હતી જ્યારે ચોખ્ખો નફો 7,805 કરોડ રૂપિયા હતો.

2008 નો એ સમયગાળો હતો જ્યારે બજાર તેની ટોચ ઉપર હતું. રિલાયન્સ પાવરે તે સમયે જાન્યુઆરી 2008 માં સૌથી મોટો આઈપીઓ લાવીને 10,400 હજાર કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. બીએસએનએલની યોજના પણ જાન્યુઆરી, 2008 થી શરૂ થઈ હતી.

12 વર્ષ પછી ટેલીકોમ બજાર

જીયો ચાર વર્ષમાં 40 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટી કંપની – વેલ્યુએશન રૂપિયા 5 લાખ કરોડ

એયરટેલ બીજી સૌથી મોટી કંપની – વેલ્યુએશન રૂપિયા 3.06 લાખ કરોડ

વોડાફોન આઈડિયા ત્રીજી સૈથી મોટી કંપની – વેલ્યુએશન રૂપિયા 26,608 કરોડ

આવક અને ગ્રાહકોના આધાર ઉપર બીએસએનએલ ચોથા નંબર ઉપર

આરકોમે ઉઠામણું કર્યું

આઈપીઓની નિષ્ફળતાને કારણે રોકાણ અટક્યું અને કંપની ખોટમાં જતી રહી

7 નવેમ્બર 2008 ના રોજ બીએસએનએલ બોર્ડ દ્વારા આઈપીઓને મંજૂરી આપવામાં આવી હતી. બીએસએનએલના તત્કાલીન અધ્યક્ષ કુલદીપ ગોયલે કહ્યું હતું કે બોર્ડમાં પાસ થઈ ગયું છે. હવે તે સરકાર પાસે છે જોઈએ શું કરે છે. તે સમયે ટેલિકોમ પ્રધાન એ.કે. રાજા હતા. જો કે, આ યોજના નિષ્ફળ થયા પછી, બીએસએનએલની વાર્તા સમાપ્ત થતી જોવા મળી. વર્ષ 2012 માં તેની ખાધ 9,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. જ્યારે તેની આવક વર્ષ 2006-07ની સરખામણીમાં 30 ટકા ઘટીને રૂ. 28 હજાર કરોડ રૂપિયા ઉપર આવી ગઈ.

કર્મચારીઓની સંખ્યા

કંપની પાસે ગયા વર્ષના આધારે કુલ 1.53 લાખ કર્મચારીઓ હતા. આમાંથી 78,569 કર્મચારીઓએ વીઆરએસ લઇ લીધું છે. આ વીઆરએસ યોજના 4 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2019 વચ્ચે હતી.

કંપનીની આવક અને નફો

જો તમે 2010 પહેલાં બીએસએનએલ ઉપર નજર નાખો, તો તે નફો કમાતી જાહેર ક્ષેત્રની કંપની હતી. એક સમયે તેનો લાભ દેશમાં બીજા નંબરે રહેતો હતો. પરંતુ પાછળથી કંપની સતત ખોટ કરતી રહી અને દેવું પણ વધતું ગયું. કંપનીની બેલેન્સશીટ દર્શાવે છે કે વર્ષ 2004-05માં તેનો ચોખ્ખો નફો 10,183 કરોડ રૂપિયા હતો. જે એક વર્ષ અગાઉ રૂ. 5,976.5 કરોડની સરખામણીમાં 70.4 ટકા વધી ગયો હતો.

તે સમયે તેની આગળ ફક્ત ઓએનજીસી હતી, જેનો નફો 14,339 કરોડ રૂપિયા હતો. આ વર્ષમાં તેની કુલ આવક રૂપિયા 36,090 કરોડ રૂપિયા હતી. તેના એક વર્ષ અગાઉ 34,009 ની સરખામણીમાં 6.12 ટકાનો વધારો થઇ ગયો હતો.

2001-02માં તેની પાસે કુલ મોબાઇલ કનેક્શન 1.78 લાખ હતા. 2003-04માં આ સંખ્યા વધીને 52.54 લાખ થઈ ગઈ હતી. 15 સપ્ટેમ્બર 2000 થી 31 માર્ચ 2001 સુધીમાં તેનો ચોખ્ખો નફો 747 કરોડ રૂપિયા હતો. 2005 માં તે વધીને 5976 કરોડ થઈ ગઈ.

ત્રણ વર્ષ પહેલાંની બેલેન્સશીટ

બીએસએનએલની કુલ આવક 2016-17માં 31,533 કરોડ રૂપિયા હતી, જે 2017-18માં 25,071 કરોડ અને 2018-19માં રૂ. 19,321 કરોડ હતી. ખોટની વાત કરીએ તો, 2018 માં 7,992 કરોડ રૂપિયા અને 2019 માં રૂ.14,904 કરોડ હતી. 2010 માં બીએસએનએલની કુલ ખોટ રૂ. 1,822 કરોડ હતી, જ્યારે આવક 32,045 કરોડ રૂપિયા હતી. 2005 માં 36,090 કરોડની આવક ઉપર 10,183 કરોડનો નફો થયો હતો. 2008 માં આવક 39,715 કરોડ રૂપિયા હતી જ્યારે નફો 3,009 કરોડ રૂપિયા હતો.

ખર્ચ દર વર્ષે વધતું ગયું

ખર્ચ અથવા રોકાણ વિશે વાત કરીએ તો દર વર્ષે વધતું ગયું. 2016-17માં તે 247,584 કરોડ રૂપિયા હતું, જ્યારે તે પછીના વર્ષે વધીને રૂ. 251,361 કરોડ અને 2018-19માં 255,776 કરોડ રૂપિયા થઈ ગયું.

એક લાખ 16 હજાર 606 કરોડની સંપત્તિ

31 માર્ચ 2019 સુધી તેની પાસે કુલ સંપત્તિ 116,606 કરોડ રૂપિયા હતી. આમાં તેની જમીન, મકાનો, કેબલ્સ, પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. 31 માર્ચ 2019 સુધી તેની ઇક્વિટી સાથે તેની લાઈબીલીટી 135,482 કરોડ હતી જે 2018 માં રૂ.132,797 કરોડ હતી. ઇક્વિટીની લાઈબીલીટી 60,748 કરોડ રૂપિયા અને 43,125 કરોડ રૂપિયા હતી.

સેલ વન બ્રાન્ડ હેઠળ સેવા પ્રદાન કરે છે

બીએસએનએલ મુખ્યત્વે સેલ વન બ્રાન્ડ હેઠળ સમગ્ર ભારતમાં સેવા આપે છે. તેની પાસે કુલ ગ્રાહકોની સંખ્યા 120 કરોડથી વધુ છે. બીએસએનએલ પાસે દેશમાં ફિક્સડ લાઇનમાં લગભગ 49.34 ટકા માર્કેટ શેર છે. ઇન્ટરનેટની દ્રષ્ટિએ તે દેશની ચોથી સૌથી મોટી આઇએસપી કંપની છે. તેની પાસે દેશમાં 7.5 લાખ કિ.મી. ફાઇબર આધારિત ટેલિકોમ નેટવર્ક છે.

આજે પણ તેની પાસે નવી ટેકનોલોજી અને ઉત્પાદનો છે

જો કે, વિકસતી ટેકનોલોજીના યુગમાં બીએસએનએલ પણ પાછળ નથી રહ્યું. તેમાં ગયા વર્ષે જ ભારતે તેમાં ફાઇબર લોન્ચ કર્યું હતું. આના માધ્યમથી ટીવી, વિડિઓ, માંગ મુજબ ઓડિઓ, માંગ મુજબ બેંડવિથ, માંગ મુજબ રિમોટ એજ્યુકેશન, વિડિઓ કોન્ફરન્સિંગ ગેમ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ વગેરે આપવામાં આવે છે. આટલું જ નહીં, 2018 માં તેણે BSNL Wings Services શરૂ કરી. તેણે 22 ટેલિકોમ સર્કલમાં લોન્ચ કર્યું. તેની વિશેષતા એ છે કે તેમાં સિમ કાર્ડ વિના અને કેબલ વાયરિંગ વિના તમે વાત કરી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.