4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

આત્મનિર્ભર ભારત : આ પ્રોડક્ટ્નું ભારત દર મહિને 50 લાખનું કરશે નિકાશ

કોરોના સંકટના લીધે પરિસ્થિતિઓએ એવો વળાંક લીધો છે કે ભારતને તેની શક્તિનો અનુભવ થઈ ગયો છે. હકીકતમાં જે વસ્તુઓ માટે ભારત હંમેશાં ચીન સહિતના અન્ય દેશો ઉપર નિર્ભર હતું. આજે તે જ ક્ષેત્રમાં ભારતે તેનો સિક્કો જમાવી દીધો છે. હવે ભારત વિશ્વભરમાં સપ્લાય માટે તૈયાર છે અને સરકારે પણ મંજુરી આપી દીધી છે.

હકીકતમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો તે પહેલા ભારત પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટની સપ્લાય માટે વિદેશો ઉપર આધારિત હતો. કારણ કે ભારતમાં માર્ચ પહેલા ક્લાસ-3 કક્ષાની પીપીઈ કિટ બનાવવામાં આવતી નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની પ્રતિજ્ઞાને સૌથી પહેલા આ ઉદ્યોગે સાકાર કરી બતાવી છે.

પીએમ મોદીના કહેવાથી દેશની ઘણી બધી કંપનીઓએ પી.પી.ઇ કીટ બનાવવાનું શરૂ કર્યું. બે મહિનાથી ઓછા સમયમાં ભારતે પી.પી.ઇ. કીટ બનાવવામાં બીજો ક્રમ મેળવી લીધો. અને હવે ભારત WHO સ્ટાન્ડર્ડની પીપીઈ કીટનો નિકાસ કરશે.

પી.પી.ઇ. કીટની બાબતમાં ઉદ્યોગ જગતે ભારતીયોની હિમત વધારી દીધી છે. ખરેખર, અત્યાર સુધી સરકારે પી.પી.ઇ કીટ્સના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવેલો હતો, પરંતુ વધારે ઉત્પાદનને ધ્યાનમાં રાખતા સરકારે દર મહિને 50 લાખ પી.પી.ઇ કીટ્સના નિકાસને મંજૂરી આપી દીધી છે. એટલે કે દર મહિને 50 લાખ પી.પી.ઇ કીટ ભારતમાંથી બીજા દેશોમાં મોકલવામાં આવશે.

રેલવે અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ નિકાસને પ્રોત્સાહન આપતા, કોરોના સામે રક્ષણ માટેની પીપીઈ કિટના 50 લાખ યુનિટના નિકાસ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

4 મહિનામાં સપનું સાકાર.

કોરોના વાયરસે ભારતને પી.પી.ઇ. કીટ્સની બાબતમાં આત્મનિર્ભર બનાવ્યું છે. ફેબ્રુઆરી -2020 પહેલાં ભારતમાં સ્ટાન્ડર્ડ PPE કીટ્સનું નિર્માણ થતું ન હતું. તે દરમિયાન જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વમાં વધવા લાગ્યો, ત્યારે ભારત પણ તેનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયું હતું અને ફેબ્રુઆરીમાં વિદેશથી 52,000 કીટ મંગાવવામાં આવી હતી. પરંતુ જે ગતિથી કોરોના કેસ સામે આવ્યા, ત્યારે આ વિદેશી PPE કિટ્સ ઓછી પડી.

તમને જણાવી દઈએ કે અમેરિકા, ચીન અને યુરોપિયન દેશોમાં મોટા પાયે PPE કીટ તૈયાર કરવામાં આવે છે અને ભારત ત્યાંથી જ આયાત કરતું હતું. પરંતુ હવે ભારતમાં જ આંતરરાષ્ટ્રીય ધોરણની PPE કીટ બનાવવામાં આવી રહી છે અને હવે મોટા પાયે નિકાસ પણ કરવામાં આવશે.

ભારતમાં હાલમાં WHOના ધોરણ મુજબ 106 મેન્યુફેક્ચર્સ PPE કિટ બનાવવાના કામમાં લાગી ગયા છે. અને આ બધું ફેબ્રુઆરી પછી થયું છે. માર્ચના અંતિમ સપ્તાહમાં ભારતને WHO તરફથી PPE કિટ બનાવવા માટે મંજુરી મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી પી.પી.ઇ કીટના નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો, પરંતુ હવે તેને નિકાસની પ્રતિબંધિત યાદી માંથી દૂર કરી દેવામાં આવી છે. પીપીઇ કિટ્સ કોવિડ -19 ચેપગ્રસ્ત લોકોની સારવારમાં રોકાયેલા તબીબી કર્મચારીઓને પહેરાવવામાં આવે છે, જેથી ચેપને ફેલાતો રોકી શકાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.