70 પૈસા લીટર પેટ્રોલ વેચતો દેશ જ્યાં પાણી વેચાય છે 28 રૂપિયા પ્રતિ લીટર, અમેરિકાની નજર છે અહીંના તેલ ભંડાર પર

દક્ષિણી અમેરિકી દેશ વેનેજુએલામાં આ દિવસોમાં લોકોની હાલત હદથી વધારે ખરાબ થતી જઈ રહી છે. અહીં ગરીબીની માર પડી રહી છે. અહીંની સ્થિતિ એવી છે કે 3.2 કરોડની વસ્તી વીજળી અને પાણીથી લઈને ખાવાના સંકટ સામે લડી રહી છે. દેશના દરેકે દરેક 23 રાજ્યોમાં વીજળી છે જ નહિ. આ દેશમાં પાણી 28 રૂપિયે લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, અને ફેબ્રુઆરીમાં દૂધનો ભાવ 5 હજાર રૂપિયા લીટર હતો.

અહીં બટાકા 17 હજાર રૂપિયે કિલો અને પેટ્રોલ ફક્ત 70 પૈસા પ્રતિ લીટરના વેચાઈ રહ્યું હતું. આ દેશ હવે બીજા દેશોની દયા પર ચાલી રહ્યો છે. નવ લેટિન અમેરિકન દેશ વેનેજુએલાના લોકોના પલાયનને રોકવા માટે ફંડ ભેગું કરવાની તૈયારીમાં છે.

બે રાષ્ટ્રપતિઓએ કર્યો દેશને બેહાલ :

વેનેજુએલામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કરવા વાળા વિપક્ષના નેતા જુઆન ગુઈદો વચ્ચે 11 મહિનાથી રાજનૈતિક ટક્કર ચાલી રહી છે. એ કારણે દેશના હાલ બેહાલ થઇ ગયા છે. છેલ્લા 34 દિવસોમાં 5 વાર બ્લેક આઉટ થઇ ચુક્યો છે. વીજળી નહિ હોવાથી પાણીના પંપ કામ નથી કરતા. એટલે 5 લીટર પાણી માટે લોકોએ 140 રૂપિયા ખર્ચ કરવા પડે છે.

દેશમાં વીજળી ન હોવાથી હોસ્પિટલોમાં ઓપરેશન પણ નથી થઇ રહ્યા. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર વેનેજુએલામાં 80 દિવસમાં ભૂખમરો અને ઇલાજના અભાવના કારણે 45 લોકોનું મૃત્યુ થઇ ગયું છે.

દેશની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે :

ખાવા પીવાની વસ્તુઓની એટલી કમી છે લોકો લૂંટ ફાટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 1200 બિઝનેસ સેન્ટર લૂંટી લેવામાં આવ્યા છે. અને લોકોની સરેરાશ આવક માત્ર 14 રૂપિયા છે. અહીં કાર્ડ પેમેન્ટના મશીનો કામ નથી કરી રહ્યા. ખાવા પીવાની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ થઇ ગઈ છે. અર્થવ્યવસ્થાને રોજ 1400 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

વેનેજુએલાને લઈને બે પક્ષમાં વહેંચાયા દેશ :

અમેરિકા, બ્રાઝીલ, કેનેડા અને કોલંબિયા સહીત લગભગ 50 દેશોને ગુઈદોનું સમર્થન છે. અને અમેરિકાએ ચેતવણી આપી છે કે, જો ગુઈદોની ધરપકડ કરવામાં આવશે તો એનું પરિણામ ગંભીર રહેશે. કારણ કે અમેરિકાની નજર વેનેજુએલાના તેલના ભંડાર પર છે. વર્તમાન અને આ પેહલાની સરકારોએ અમેરિકાએ સમર્થન નહી આપ્યું, એટલે અમેરિકાએ વેનેજુએલા પર ઘણા આર્થિક પ્રતિબંધ લગાવી દીધા. તેમજ રશિયા, ચીન અને મેક્સિકો સહીત લગભગ 10 દેશ માદુરોની સાથે છે. રશિયાએ વેનેજુએલાને 1.5 લાખ કરોડ રૂપિયા અને સૈન્ય મદદ પણ આપી છે.

આ દેશના નિર્દોષ લોકો બે મોટા નેતાઓની લડાઈના ભોગ બની રહ્યા છે. તમે માત્ર કલ્પના કરશો કે આ લોકો કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, તો એ કલ્પના માત્રથી જ તમારૂ મગજ હલી જશે. અને અમેરિકા જેવા મોટા દેશ તેલના ભંડાર પર કબ્જો મેળવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, એનો પણ તમે અંદાજો લગાવી શકો છો.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.