લોકડાઉન : ડુંગળી અને તરબૂચનો વ્યાપારી બનીને મુંબઈથી પ્રયાગરાજ પહોંચ્યો વ્યક્તિ, 3 લાખ રૂપિયા કર્યા ખર્ચ.

લોકડાઉનમાં એક વ્યક્તિ ડુંગળી અને તરબૂચનો વ્યાપારી બની મુંબઈથી પ્રયાગરાજ પહોંચ્યો, લાખો રૂપિયા ખર્ચી નાખ્યા

લોકડાઉનમાં લોકો તેમના ઘર સુધી પહોંચવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આવા જ એક રસપ્રદ કિસ્સામાં એક વ્યક્તિ તરબૂચ અને ડુંગળીનો વેપારી બનીને મુંબઇથી ટ્રકમાં પ્રયાગરાજ પહોંચ્યો. આ વેપારમાં તેણે 3 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો.

શહેરના ધુમનગંજ પોલીસ સ્ટેશન હેઠળના કોટવા મુબારકપુરમાં રહેતા પ્રેમ મૂર્તિ પાંડેએ જણાવ્યું હતું કે ‘મેં મુંબઈમાં જેમ તેમ કરીને 21 દિવસ પસાર કર્યા, પરંતુ લોકડાઉન ખુલવાની કોઈ શક્યતા ન જોવા મળી, ત્યારે મેં મારા પોતાના ઘેર જવાનો રસ્તો શોધ્યો. હકીકતમાં, અંધેરી પૂર્વના આઝાદ નગરમાં, જ્યાં મારું ઘર છે, ત્યાં ખૂબ ગીચ વસ્તી છે અને ત્યાં કોરોના ફેલાવાનું જોખમ પણ વધારે છે.

17 એપ્રિલથી શરૂ કર્યો પ્રવાસ

મુંબઈ એરપોર્ટ ઉપર કામ કરતા પાંડેએ કહ્યું, ‘મેં જોયું કે સરકારે એક રસ્તો ખુલ્લો રાખ્યો છે અને તે છે વેપારનો રસ્તો. ફળ, શાકભાજી, દૂધનો વેપાર કરી આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ છીએ. મેં તે રસ્તો પસંદ કર્યો અને અહીંયા સુધી આવી ગયો. પોતાની મુસાફરી વિશે પાંડેએ કહ્યું, ‘હું 17 એપ્રિલના રોજ મુંબઇથી નીકળ્યો અને પિંપલગાંવ પહોંચ્યો. ત્યાં મેં 10,000 રૂપિયામાં 1,300 કિલો તરબૂચ ખરીદ્યા અને તેને એક નાની ગાડી ઉપર ચડાવીને મુંબઇ રવાના કર્યા. મુંબઈમાં એક ફ્રૂટ વાળા સાથે તરબૂચનો સોદો મેં પહેલાથી જ કરી રાખ્યો હતો.

ટ્રકથી પ્રયાગરાજ માટે નીકળ્યો

તેમણે કહ્યું, ‘હું પિંપલગાંવમાં 40 કિમી પગપાળા ચાલીને ત્યાં ડુંગળીના બજારનો અભ્યાસ કર્યો અને એક જગ્યાએ સારી ગુણવત્તાવાળી ડુંગળી જોયા પછી મેં 2,32,473 રૂપિયામાં 25,520 કિગ્રા (રૂ. 9.10 દીઠ કિલો) ડુંગળી ખરીદી અને 77,500 રૂપિયાના ભાડે એક ટ્રક બુક કરાવી, તેમાં આ ડુંગળી ભરી અને 20 એપ્રિલે પ્રયાગરાજ માટે નીકળી ગયો.

લોકડાઉન ખુલ્યા પછી ડુંગળીના સારા ભાવ મળવાની આશા

પાંડેએ જણાવ્યું હતું કે તેઓ 23 એપ્રિલે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ટ્રક લઈને સીધા મુંડેરા માર્કેટ ગયા, જ્યાં વચોટિયાએ રોકડ ચૂકવવાની ના પાડી હતી. જેને કારણે તે ડુંગળીથી ભરેલી પોતાની ટ્રક લઈને મારા ગામ કોટવા પહોંચ્યો અને ત્યાં મારા ઘરે બધો સામાન ઉતરાવી લીધો. તેમણે જણાવ્યું કે અત્યારે બજારમાં સાગરની ડુંગળી આવી રહી છે અને લોકડાઉનને કારણે ભાવ ઓછો છે. પરંતુ જ્યારે સાગરની ડુંગળી પૂરી થઈ જશે અને લોકડાઉન ખુલશે ત્યારે તેને નાસિકથી લાવેલી ડુંગળીનો સારો ભાવ મળશે તેવી આશા છે.

મુંબઈથી આવવાની માહિતી પોલીસને આપી હતી

તેમણે કહ્યું કે મુંબઇથી અહીંયા આવવાની માહિતી ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસને આપવામાં આવી છે અને મેડિકલ ટીમે તેની કોરોનાની તપાસ કરી અને તેને ઘરે અલગ રહેવા જણાવ્યું છે. ધુમનગંજની ટી.પી.નગર પોલીસ ચોકીના ઇન્ચાર્જ અરવિંદ કુમારસિંહે જણાવ્યું કે કોટવાના પ્રેમ મુર્તિ પાંડેય શુક્રવારે ધૂમનગંજ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને મેડિકલ ટીમે તેનું મેડિકલ સ્કેનિંગ કરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વહીવટી અધિકારી અને તબીબી ટીમ પાંડેયને અલગ રાખવા માટે આજે સાંજે કાર્યવાહી કરશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.