આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

દરેક વ્યક્તિએ જરૂર કરવા જોઈએ આ 5 પ્રાચીન શિવમંદિરના દર્શન, તેનાથી થાય છે બધા કષ્ટોનું નિવારણ

ઉત્તરાખંડ રાજ્ય દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ રાજ્યમાં ઘણાં બધા મંદિરો આવેલા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઉત્તરાખંડ ભગવાન શિવનું સાસરું છે. સાથે જ, આ સ્થાનને ઘણા દેવી-દેવતાઓનો વાસ પણ માનવામાં આવે છે. જેના કારણે અહીં ઘણા બધા મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે કોઈને કોઈ દંતકથા જોડાયેલી છે.

આ રાજ્યમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે, જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આજે અમે તમને આ રાજ્યના પાંચ પ્રખ્યાત શિવ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ શિવ મંદિરો મહાભારત કાળ સાથે સંકળાયેલા છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને ભગવાનની કૃપા જળવાઈ રહે છે.

ઉત્તરાખંડના ચમત્કારીત 5 શિવ મંદિરો

કેદારનાથ મંદિર

હિમાલયની બરફની ટેકરીઓ વચ્ચે કેદારનાથ મંદિર આવેલું છે. શિયાળા દરમિયાન આ મંદિરના દરવાજા બંધ રહે છે અને આ મંદિર ફક્ત ઉનાળામાં જ ખોલવામાં આવે છે. કેદારનાથના મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં ગણવામાં આવે છે. આ એક પ્રાચીન મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે તે પાંડવોએ બનાવ્યું હતું. વર્ષ દરમિયાન લાખો ભક્તો કેદારનાથ મંદિરની મુલાકાત લે છે અને ભોલેનાથના દર્શન કરે છે. શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ રહે છે.

બૈજનાથ મંદિર

બૈજનાથ મંદિર ઉત્તરાખંડના સૌથી પ્રાચીન શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર ગોમતી નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે. આ મંદિર ઈ.સ. 1204માં બનાવવામાં આવ્યું હતું અને તેનું સ્થાપત્ય ખૂબ જ સુંદર છે. દંતકથા અનુસાર, શિવ અને પાર્વતીના લગ્ન આ મંદિરની પાસે જ થયા હતા.

આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે જે પણ ભક્ત અહીં આવીને ભગવાન બૈજનાથના દર્શન કરે છે, ભગવાનની કૃપા તેમની ઉપર જળવાયેલી રહે છે અને દરેક ઈચ્છા પૂરી થાય છે. તેથી, તમારે જીવનમાં એકવાર બૈજનાથ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ.

રુદ્રનાથ મંદિર

રુદ્રનાથ મંદિર ગઢવાલના ચમોલી જિલ્લામાં આવેલું છે. આ મંદિરનો સમાવેશ પંચ કેદારમાં થાય છે. રુદ્રનાથ મંદિરમાં શિવજીના મુખની પૂજા કરવામાં આવે છે. જ્યારે શિવના આખા શરીરની પૂજા નેપાળમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં કરવામાં આવે છે. જે લોકો પશુપતિનાથ મંદિરના દર્શન નથી કરી શકતા તેઓ આ મંદિરમાં આવે છે અને શિવજીના દર્શન કરે છે.

તુંગનાથ મંદિર

તુદનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે અને આ મંદિરનો પણ સમાવેશ પંચ કેદારમાં થાય છે. દંતકથા અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, પાંડવોએ આ સ્થાન ઉપર પૂજા-અર્ચના કરી હતી અને મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ પણ એક પ્રાચીન મંદિર છે.

બાલેશ્વર મંદિર

બાલેશ્વર મંદિરમાં ઘણા શિવલિંગો રહેલા છે અને દરેક શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ઇતિહાસ મુજબ, આ મંદિર ચંદ્ર વંશ દ્વારા 1272 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. બાલેશ્વર મંદિરના ઘુમ્મટ અને દીવાલો ઉપર ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં બીજા બે મંદિરો પણ છે, જેમાંથી એક રત્નેશ્વર અને બીજું ચંપાવતી દુર્ગાને સમર્પિત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.