એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

જાણો સંજીવની બુટી લેવા જતા હનુમાનજીની કેવી રીતે અપ્સરાએ કરી હતી મદદ , વાંચો કથા. રાવણની સેના સાથે યુદ્ધ દરમિયાન મેઘનાદની શક્તિના પ્રહારથી જયારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, ત્યારે હનુમાન તેમના માટે સંકટમોચન બન્યા અને લંકાથી સુષેણ વૈદ્યને લઈને આવ્યા. તે વૈદ્યે કહ્યું કે, આ શક્તિબાણનો ઈલાજ હિમાલયના દ્રૌણાચલ પર્વતના શિખર પર મળી આવતી સંજીવની બુટી છે. અને તેને સૂર્યોદય પહેલા લાવવી પડશે, ત્યારે જ લક્ષ્મણના પ્રાણ બચી શકશે.

આથી રામ ભક્ત હનુમાન સંજીવની બુટી લેવા નીકળી પડ્યા. જયારે રાવણને આ વાતની સૂચના મળી તો તેમણે હનુમાનને અટકાવવા માટે ષડયંત્ર રચ્યું. રાવણે કાલનેમી નામના રાક્ષસને હનુમાનને અટકાવવાનું કાર્ય સોંપ્યું, જેથી હનુમાન સંજીવની બુટી લઈને સમય પર આવી ન શકે.

રાવણે કાલનેમીને કહ્યું કે, હનુમાનને અટકાવવા માટે માયા રચે, જેથી તેમની યાત્રામાં અડચણ ઉત્પન્ન થાય. પણ કાલનેમીએ કહ્યું કે, રામદૂત હનુમાનને માયાથી મોહિત કરી શકવામાં કોઈ પણ સમર્થ નથી. જો તે એવું કરશે, તો નિશ્ચિત રૂપથી હનુમાન તેને મારી નાખશે. આ સાંભળી રાવણ કહે છે કે, જો તું મારી વાત નહિ માને તો તારે મારા હાથે મરવું પડશે.

આથી કાલનેમીએ વિચાર્યું કે, રાવણના હાથથી મરવા કરતા સારું છે કે તે હનુમાનના હાથથી મરે. પછી તેણે પોતાની માયાથી હનુમાનના રસ્તામાં એક સુંદર ઝૂંપડીનું નિર્માણ કર્યું, અને એક ઋષિનો વેશ ધારણ કરીને તેમાં બેસી ગયો.

આ દરમિયાન આકાશ માર્ગથી જઈ રહેલા હનુમાનને તરસ લાગી, તો તે સુંદર ઝૂંપડી જોઈને નીચે આવ્યા. હનુમાને ઋષિ બનેલા કાલનેમીને પ્રણામ કર્યા અને પીવા માટે પાણી માંગ્યું. ત્યારે કાલનેમીએ કહ્યું કે, રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, તેમાં રામનો જ વિજય થશે, હું અહીંથી બધું જોઈ રહ્યો છું. તેણે પોતાના કમંડળ તરફ ઈશારો કરતા કહ્યું કે, આમાં શીતળ પાણી છે, તમે આને ગ્રહણ કરો. ત્યારે હનુમાને કહ્યું કે, આટલા પાણીથી મારી તરસ નહિ છીપાય. કોઈ જળાશય હોય તો જણાવો.

ત્યારે કાલનેમીએ હનુમાનને એક જળાશય દેખાડ્યું અને કહ્યું કે, ત્યાં પાણી પીને સ્નાન કરો લો. પછી આવીને દીક્ષા આપજો. હનુમાનજી જળાશય પાસે પહોંચ્યા અને સ્નાન કરવા લાગ્યા, ત્યારે એક મગરે તેમનો પગ પકડી લીધો. હનુમાનજીએ તેના મોઢામાંથી પોતાનો પગ છોડાવ્યો, પણ મગરે તેમના પર હુમલો કરવાનું શરૂ જ રાખ્યું. આથી હનુમાનજીએ તેનું મોઢું ફાડી નાખ્યું અને તે મરી ગયો.

ત્યારે જ ત્યાં એક દિવ્ય અપ્સરા પ્રકટ થઈ. તેણે હનુમાનને જણાવ્યું કે, શ્રાપને કારણે તેણીએ મગર બનવું પડ્યું હતું. પણ હવે તમારા દર્શનથી હું પવિત્ર થઈ ગઈ છું અને મુનિના શ્રાપથી મુક્ત પણ થઈ ગઈ છું. પછી તે અપ્સરાએ જણાવ્યું કે, આશ્રમમાં બેસેલા ઋષિ એક રાક્ષસ છે, જેનું નામ કાલનેમી છે.

આ વાત જાણીને હનુમાન તરત કાલનેમી પાસે ગયા અને કહ્યું કે, મુનિવર! સૌથી પહેલા તમે ગુરુદક્ષિણા લઈ લો. મંત્ર પછી આપજો. એટલું કહીને હનુમાને કાલનેમીને પોતાની પૂંછડીમાં લપેટી લીધો અને તેનો વધ કર્યો. મરતા સમયે કાલનેમીનું રાક્ષસ સ્વરૂપ સામે આવ્યું. મરતા સમયે તેણે રામનું નામ લીધું, અને રામના નામથી તેનો પણ ઉદ્ધાર થઈ ગયો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.