અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

29-30 જૂને જે કંઈક થયું તે ખુબ દુઃખદ હતું, નાનકડી ભૂલના કારણે ત્રણ અંતરિક્ષ યાત્રી મૃત્યુ પામ્યા

29-30 જૂન 1971 ના રોજ અવકાશ અને પૃથ્વી ઉપર જે થયું તે ખૂબ જ પીડાદાયક હતું. વિશ્વના પ્રથમ અવકાશ મથકથી પરત ફરતાં ત્રણ અવકાશયાત્રીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

29 જૂનનો દિવસ અવકાશના ઇતિહાસમાં પીડાદાયક યાદો તરીકે નોંધાયેલો છે. આ દિવસે નાની એવી એક ભૂલના કારણે અવકાશમાં ત્રણ અવકાશયાત્રીઓનું પીડાદાયક મૃત્યુ થઇ ગયું હતું. આ ત્રણેય રશિયન અવકાશયાત્રીઓ હતા. અમેરિકા અને રશિયા બંને અવકાશમાં વિજય મેળવવાની દોડમાં આગળ-પાછળ થતા રહે છે.

જો કે આમાં શરૂઆતમાં બાજી મારનાર રશિયા જ હતું. પરંતુ 20 જુલાઈ 1969 ના રોજ જ્યારે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ભૂમિ ઉપર પગ મૂક્યો ત્યારે અવકાશની આ દોડમાં રશિયા ઘણું પાછળ રહી ગયું હતું. આવી સ્થિતિમાં રશિયાએ અમેરિકાથી ઉપર આવવા માટે અંતરિક્ષમાં સેલ્યુટ-1 સ્પેસ સ્ટેશન તૈયાર કર્યું હતું. અવકાશયાત્રીઓ અહીં રહીને ઘણા પ્રકારના પ્રયોગો કરતા હતા.

6 જૂન 1971 ના રોજ રશિયાએ તેના ત્રણ અવકાશયાત્રીઓને આવા જ એક મિશન તરીકે સેલ્યુટેક -1 તરફ મોકલ્યા હતા. આમાં જ્યોર્જ ડેબ્રોવોલ્સ્કી, વ્લાદિસ્લાવ વોલ્કોવ અને વિક્ટર પાટસેયવ શામેલ હતા. આ ત્રણેય 7 જૂન 1971 ના રોજ સ્પેસ સ્ટેશને પહોંચ્યા અને 22 દિવસ સુધી ત્યાં રહ્યા.

આ સમય દરમિયાન તેમણે ઘણા પ્રયોગો કર્યા હતા. દરેક તેમના આ પ્રયોગોથી ખૂબ ઉત્સાહિત હતા. પોતાના પ્રયોગ દરમિયાન તેમને સ્પેસ સ્ટેશનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેમણે સફળતાપૂર્વક તેમના બધા પ્રયોગો પૂર્ણ કર્યા હતા. 29 જૂને આ ત્રણેય સુયોઝ કેપ્સુલ(Soyuz 7K-OKS)માં બેસીને સલ્યુટ-1એથી રવાના થયા હતા.

શરૂઆતના થોડા કલાકો બધું સારું હતું, પરંતુ ત્યાર બાદ બધું બદલાઈ ગયું. તેમના કેપ્સ્યુલમાં વેન્ટિલેશન સિસ્ટમ અને પ્રેશર કંટ્રોલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ. જે સમયે કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યો હતો, ત્યારે તેમાં બેઠેલા અવકાશયાત્રીઓ શ્વાસ લેવા માટે તરસી રહ્યા હતા.

કેપ્સ્યુલ્સનો સંપર્ક સલ્યુટ-1 સાથે તૂટી ગયો હતો. આ બધું સુયોઝના સલ્યુટ-1થી અલગ થયાના આશરે 12 મિનિટ પછી થયું. કેપ્સ્યુલની અંદરનું દબાણ સતત ઘટી રહ્યું હતું અને ઓક્સિજન ખૂટી રહ્યો હતો. આનું પરિણામ એ આવ્યું છે કે ત્રણેય અવકાશયાત્રીઓ પૃથ્વી ઉપર પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા.

પૃથ્વી તરફ આગળ વધતા કેપ્સ્યુલનો વાલ્વ નીકળી ગયો હતો. તે સમયે કેપ્સુલ પૃથ્વીથી 168 કિમી અથવા સાડા પાંચ લાખ ફૂટની ઉંચાઈએ હતો. વાલ્વ દૂર થવાથી કેબિનનું દબાણ સતત ઘટતું જઈ રહ્યું હતું. ફ્લાઇટના રેકોર્ડ કરેલા ડેટા અનુસાર, આના લગભગ 40 સેકંડ પછી તેમને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો હતો. વાલ્વની નજીક પાટસેયવ દેહ મળ્યો હતો . અહેવાલમાં જણાવાયું છે કે તેમણે બેભાન થયા પહેલાં વાલ્વને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હશે. ત્યાર બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી થવાના કારણે પણ તેમનું મોત નીપજ્યું હશે.

30 જૂન 1971 ના રોજ જ્યારે આ સુયોજ કેપ્સુલ પૃથ્વી ઉપર પહોંચ્યુ અને ક્રૂ સભ્યોને રીકવર કરવા માટે અધિકારી ત્યાં પહોંચ્યા તો તેમણે કેપ્સ્યુલનો ગેટ ખોલ્યો. અંદરનું દ્રશ્ય હ્રદય હચમચાવી દે તેવું હતું. ત્રણેય અવકાશયાત્રીઓ નિર્જીવ તેમની બેઠકો ઉપર વળગેલા હતા. તેમના કાન અને નાકમાંથી લોહી નીકળતું હતું. તેમના શરીરમાં કોઈ હલચલ થઇ રહી ન હતી.

આ ત્રણેયને કેપ્સ્યુલમાંથી બહાર કાઢીને શ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બધું અર્થહીન રહ્યું. આ ઘટનાએ ન માત્ર રશિયાને મોટો ઝટકો આપ્યો હતો, પરંતુ આના લીધે આખી દુનિયાને દુઃખ થયું હતું. ત્રણેયને સોવિયત રશિયાની સરકાર દ્વારા પાછળથી મરણોત્તર હિરો ઓફ ધી સ્પેસનું બિરુદ આપવામાં આવ્યું હતું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.