અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

હનુમાનગઢીના મહંતે અયોધ્યાની મસ્જિદનું પોતાના પૈસે કરાવ્યું સમારકામ

અયોધ્યામાં લગભગ 28 વર્ષ પહેલા બાબરી મસ્જિદને કારસેવકોએ તોડી પાડી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અને 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તેનું ભૂમિ પૂજન પણ કર્યું. એવામાં રામ જન્મભૂમિથી ફક્ત 2 કિલોમીટરના અંતરે પણ એક ‘આલમગીર મસ્જિદ’ છે, જેને શાહ આલમ મસ્જિદના નામથી પણ ઓળખવામાં આવે છે. અને હનુમાનગઢીના મહંત જ્ઞાનદાસે પોતે પૈસા આપીને તેનું પુનર્નિર્માણનું કામ કરાવ્યું છે.

સેંકડો વર્ષો જૂની આલમગીર મસ્જિદ પોતાની જર્જર હાલતને કારણે એવી થઈ ગઈ હતી કે, તેને 1992 ની જેમ તોડવાની પણ જરૂર ન હતી. તે જાતે જ તૂટી જાત. 2016 માં અયોધ્યા પ્રશાસને ટૂંકા શબ્દોમાં કહ્યું કે, ‘ક્યાં તો મસ્જિદને સાચવી લો અથવા અમારે મજબુર થઈને તેને તોડવી પડશે, કારણ કે તે તમારા નમાઝીઓ માટે ખતરો છે.’ હવે સમસ્યા એ હતી કે, આ મસ્જિદની માલિકી કોઈ મુસલમાન પાસે નહિ, પણ હિંદુ સમુદાય પાસે હતી અને તે પણ ‘હનુમાનગઢી’ પાસે.

ફોટામાં હાશિમ અંસારી સાથે મહંત જ્ઞાનદાસ.

એવામાં માલિકની પરવાનગી વગર મસ્જિદનું પુનર્નિર્માણ કરાવવું શક્ય ન હતું. એવામાં અયોધ્યાના મુસલમાન પોતાની સમસ્યાને લઈને હનુમાનગઢીના મહંત પાસે પહોંચ્યા. મહંતે ફરિયાદ સાંભળતા જ સમય વેડફ્યા વગર કહ્યું, જાઓ મસ્જિદનો જીણોદ્ધાર કરો. મુસલમાનોએ મસ્જિદના સમારકામની તૈયારી શરૂ કરી દીધી, પણ તેમને જલ્દી જ અનુભવ થયો કે, માત્ર થોડા મુસ્લિમ ઘરોની મદદથી મસ્જિદનું બાંધકામ થઈ શકવું મુશ્કેલ છે. એવામાં કોઈ પણ મોટા સહયોગ વગર આ કામ શક્ય નહિ થાય.

આલમગીર મસ્જિદ માટે હનુમાનગઢીના મહંત જ્ઞાનદાસ જાતે આગળ આવ્યા. તેમણે અયોધ્યા મુસ્લિમ વેલફેયર સોસાયટીના અધ્યક્ષ સાદિક અલી બાબૂ ખાનને બોલાવ્યા, ત્યારબાદ હનુમાનગઢીના ધનમાંથી મસ્જિદને ભવ્ય રૂપ આપવાનો આદેશ આપ્યો. મસ્જિદ માટે હનુમાનગઢીના મહંત દ્વારા લગભગ 16 લાખ રૂપિયા ખર્ચ કરીને મસ્જિદને સાચવવાનું કામ કરવામાં આવ્યું છે, અને આ મસ્જિદના ફરીથી બાંધકામ કરવામાં લગભગ એક વર્ષથી વધારે સમય લાગ્યો.

જણાવી દઈએ કે, અયોધ્યાના સ્વર્ગદ્વાર મોહલ્લાના અડગડા ચાર રસ્તા પાસે એક આલીશાન મસ્જિદ આલમગીર તમને પોતાની તરફ આકર્ષિત કરતી દેખાશે. આ મસ્જિદ શાહજહાં પછી મુગલ બાદશાહ બનેલા શાહ આલમ દ્વિતીય (1728-1806) એ બનાવડાવી હતી. મસ્જિદનું નામ બાદશાહએ પોતાના પિતા આલમગિરીના નામ પર રાખ્યું હતું, જેને શાહ આલમ મસ્જિદ પણ કહેવામાં આવે છે.

વર્ષ 1803 માં શાહ આલમ દ્વિતીય જેને અલી ગૌહરના નામથી પણ ઓળખવામાં આવતા હતા, તેમની આખી સલ્તનતને બ્રિટિશ સામ્રાજ્યએ જીતી લીધી. ત્યારબાદ હનુમાનગઢીના મહંતોએ પોતાની જમીન પાછી લેવા મુકદ્દમો કર્યો. ત્યારે બ્રિટિશ કોર્ટે આદેશ આપ્યો કે, જ્યાં સુધી મસ્જિદમાં ઈબાદત થતી રહેશે, જમીન પાછી નહિ લઈ શકાય. તેના લીધે આ મસ્જિદ ત્યાં બની રહી અને જુલાઈ 2016 માં જયારે તેની ખરાબ હાલત માટે નગર નિગમે નોટિસ જાહેર કરી, તો હનુમાનગઢીએ હાથ લંબાવીને મસ્જિદનું ફરીથી નિર્માણ કરીને મિસાલ રજુ કરી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.