બોટાદમાં ફક્ત 24 કલાકમાં કષ્ટભંજન મંદીરના અતિથી ગૃહમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાઈ 100 બેડની હોસ્પિટલ

આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. અમેરિકા, સ્પેન, ઇટલી અને જર્મનીમાં તો લાખોની સંખ્યામાં લોકો આ ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અને આખી દુનિયામાં 74 હજારથી વધારે લોકોએ આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીનના વુહાનમાંથી ફેલાવાનું શરૂ કરીને આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે. ઘણા દેશોમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

ભારતમાં પણ પરિસ્થિતિને જોતા 21 દિવસ માટે લોકડાઉન લાગુ કર્યું છે. અને લોકોને પોતાના ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી રહી છે, જેથી તેમને કોરોનાનો સંક્રમણ નહિ લાગે. તેમજ દેશમાં અલગ અલગ જગ્યાએ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલ ફાળવવામાં આવી રહી છે. અને ખુબ ઓછા સમયમાં આ બધી હોસ્પિટલોમાં દર્દીઓના ઉપચાર માટેની તમામ સગવડ કરવામાં આવી રહી છે.

અને હાલમાં જ ગુજરાતના બોટાદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરાઇ છે. મળતી જાણકારી અનુસાર સાળંગપુર કષ્ટભંજન મંદીરના અતિથી ગૃહ ખાતે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં માત્ર 24 કલાકમાં જ 100 બેડની હોસ્પિટલ ઉભી કરાઇ છે.

દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લામાં સાળંગપુર કષ્ટભંજન મંદિર સંચાલિત અતિથિ ગૃહને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ અતિથિ ગૃહના કુલ 49 રૂમોને હોસ્પિટલ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ અને તેના લક્ષણો ધરાવતા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હોસ્પિટલમાં 12 તબીબો અને 36 પેરા-મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. અને આ હોસ્પિટલમાં 10 બેડનું આઈ.સી.યુ પણ બનાવવામાં આવ્યું છે.

ઘણા લોકો એવા છે જે દેશના મંદિરો વિરોધી જાત જાતની વાતો કરી રહ્યા છે. આવા લોકોની નજરમાં આવા સદ્કાર્યો આવતા જ નથી. તેઓ ફક્ત વાતોના વડા કરવામાં જ પોતાનો સમય વેડફી રહ્યા છે.

મિત્રો, ડોક્ટરો, નર્સ, પોલીસ, સફાઈ કર્મીઓ અને અન્ય વિભાગના લોકો દેશ માટે અને આપણા લોકોની સુરક્ષા માટે સતત કામ કરી રહ્યા છે. તો આપણે પણ તેમની મુશ્કેલીઓ વધારવાને બદલે તેમને સહયોગ આપવો જોઈએ. તેઓ પોતાના પરિવારને છોડીને આપણા ભલા માટે મહેનત કરી રહ્યા છે. એવામાં આપણે પણ એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઈએ.

એક વિનંતી છે કે, ખુબ જ અગત્યના કામ વગર ઘરની બહાર નીકળશો નહિ, તેમજ સોસાયટીમાં પણ વાતો કરવા માટે ટોળા વળીને ભેગા થવું નહિ. પોતાના હાથ-પગ સાબુ, હેન્ડવોશ વગેરેથી સારી રીતે ધોવા. માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ જરૂર કરવો. ખોટી અફવાઓને પ્રોત્સાહન આપવું નહિ. અને આપણી સુરક્ષામાં લાગેલા લોકોને સહયોગ આપવો.