કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

કોરોનાએ 2 પરિવાર બરબાદ કર્યા, 6 દિવસમાં 3 ભાઈઓને ભરખી ગયો, 13 વર્ષની દીકરી થઈ અનાથ

પુણેમાં કોરોના વાયરસને કારણે બે પરિવાર બરબાદ થઈ ગયા. એક પરિવારના ત્રણ ભાઈ 6 દિવસમાં કોવિડ-19 નો શિકાર થઈ ગયા. તો બીજા પરિવારમાં પતિ-પત્નીના મૃત્યુ પછી 13 વર્ષની દીકરી જ બચી છે. આ બે પરિવારની સ્ટોરી સાંભળીને આખા મહારાષ્ટ્રમાં સંવેદનાની લહેર દોડી ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર માર્ચમાં પુણેના પિંપરી-ચિંચવાડમાં કોવિડ-19 ના કેસ સામે આવવાના શરૂ થયા હતા. આ ઔદ્યોગિક શહેરમાં અત્યાર સુધી 10 હજાર લોકો કોવિડ સંક્રમિત થઈ ચુક્યા છે. જયારે 220 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.

18 સભ્યોનો એક સંયુક્ત પરિવાર આ પિંપરી ચિંચવાડમાં રહે છે. આ પરિવારના ત્રણ ભાઈ 8 જુલાઈએ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્રણેયની હાલત ઘણી ખરાબ હતી. સૌથી નાના ભાઈને લકવો મારી ગયો. સૌથી મોટા ભાઈ કોવિડના દર્દી હોવાને કારણે એંજિયોપ્લાસ્ટી કરાવવી પડી. બંને ભાઈઓને ડાયાબિટીસ અને હાયપરટેંશન પણ હતું.

આ પરિવારના જાણકાર સુશીલ મંછરકર જણાવે છે કે, પહેલા ત્રણેય ભાઈ એક સાથે ખરલવાડી વિસ્તારમાં રહેતા હતા. પછી તેમણે પિંપરીમાં એક મોટું મકાન બનાવ્યું. પછી બધા પોત-પોતાના પરિવાર સાથે તેમાં શિફ્ટ થઈ ગયા.

ત્રણેય ભાઈઓને કોરોના સંક્રમણ ત્યારે થયો જયારે તેમનામાંથી કોઈ એકનો દીકરો પોઝિટિવ નીકળ્યો. ત્રણેય એકસાથે આઇસીયુમાં દાખલ થયા. ત્રણેયના બેડ એકસાથે લાગ્યા હતા. સૌથી નાના 56 વર્ષીય ભાઈ 12 જુલાઈએ, સૌથી મોટા 68 વર્ષીય 13 જુલાઈએ અને ત્રીજા 61 વર્ષીય ભાઈ 18 જુલાઈએ મૃત્યુ પામ્યા. હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે, તેમના પરિવારજનોએ ત્રણેયને હોસ્પિટલમાં ઘણા મોડા દાખલ કરાવ્યા.

તેમજ અન્ય એક પરિવારમાં પતિ અને પત્ની 14 દિવસની અંદર મૃત્યુ પામ્યા. બંને કોરોના સંક્રમિત હતા. પહેલા વાઈસીએમ હોસ્પિટલમાં પત્નીનું મૃત્યુ થયું. ત્યારબાદ પતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મૃત્યુ પામ્યા. પતિએ હોમ કોરેન્ટાઇનની માંગણી કરી હતી, કારણ કે તેમની અંદર કોરોનાના લક્ષણ બચ્યા ન હતા. અને તે પોતાની દીકરીની સંભાળ રાખવા માંગતા હતા.

વાઈસીએમ હોસ્પિટલના ડીન ડો. રાજેન્દ્ર વાબલેએ કહ્યું કે, પત્ની કોરોનાને કારણે મૃત્યુ પામી, જ્યારે પતિ કોરોના સંક્રમિત થયા પછી કિડની ફેલ થવાને કારણે મૃત્યુ પામ્યા. હવે તેમની 13 વર્ષની દીકરી એકલી રહી ગઈ છે. તેની સંભાળ તેના મહોલ્લાના લોકો રાખી રહ્યા છે. તેની દાદી માતા-પિતાના મૃત્યુ પછી તેને છોડીને જતી રહી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.