ગૌમાંસ એક્સપોર્ટ માં ભારત ને નંબર વન બનાવા વાળા મોદી ને કોઈ આ યશોદા દાસી નો લેખ વંચાવો

મધ્યપ્રદેશમાં કટની નદીના કાંઠા પર કટની નામનું એક નાનકડું શહેર આવેલું છે. આજથી 40 વર્ષ પહેલા કટનીમાં રહેતી ફુલમતી નામની એક મહિલા પર જાણે કે આભ તૂટી પડ્યું. એક અકસ્માતમાં ફુલમતીના પતિ, દીકરો અને દીકરી બધા મૃત્યુ પામ્યા. ફુલમતી સાવ એકલી થઈ ગઈ.

જેનું કોઈ નથી એના ભગવાન છે એમ માનીને ફુલમતી મધ્યપ્રદેશથી ઉતરપ્રદેશમાં પ્રભુ શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે આવી ગયા. વૃંદાવનમાં બાંકે બિહારીની સેવામાં જ જીવન વિતાવવાનું એણે નક્કી કર્યું. બીજા પર આધારિત રહેવાના બદલે જાત મહેનત કરીને જીવવું છે અને પ્રભુની ભક્તિ કરવી છે એવો નિશ્વય કર્યો. ફુલમતીએ એનું નામ બદલીને યશોદા દાસી કરી નાખ્યું.

યશોદા દાસી બાંકે બિહારી મંદિરની બહાર બેસે અને દર્શનાર્થીઓના બુટ-ચંપલ સાચવવાની સેવા કરે. દર્શનાર્થીઓ જે કંઈ ભેટ સોગાદ આપે એમાંથી એનું ગુજરાન ચાલે અને થોડી બચત પણ કરે. યશોદા દાસી છેલ્લા 40 વર્ષથી આ સેવા કરે છે. 30 વર્ષની ઉંમરે કટની થી મથુરા આવેલા યશોદા દાસી અત્યારે 70 વર્ષની ઉંમરના છે.

યશોદા દાસી ગાયોની ખરાબ હાલત જોઈને ખુબ દુઃખી થતા. ભગવાન કૃષ્ણને અતિ પ્રિય ગૌમૈયાની દયનિય હાલતથી વ્યથિત યશોદા દાસીએ નિરાધાર ગાયો માટે એક ગૌશાળા બનવાનું નક્કી કર્યું. 40 વર્ષથી પાઈ પાઈ ભેગી કરીને બચાવેલી રકમ અને એનું વ્યાજ બધું મળીને આ વૃદ્ધાએ 50 લાખ ગૌશાળા બનાવવા માટે દાનમાં આપી દીધા. વતન કટનીમાં રહેલી નાની મિલકત વેંચીને મળેલા 11 લાખ પણ બીજી એક સંસ્થાને ધર્મશાળા બનાવવા માટે દાનમાં આપી દીધા.

70 વર્ષની આ વૃદ્ધાએ એની તમામ બચત દાનમાં આપી દીધી. આવતીકાલે શું ખાશે એની કોઈ ચિંતા કર્યા વગર ગાયોના ખાવાની વ્યવસ્થા કરી. આ માજી આજે પણ બાંકે બિહારી મંદિરની બહાર એક ભિખારીની જેમ સાવ સામાન્ય જગ્યામાં બેસીને લોકોના બુટ-ચંપલ સાચવવાનું કામ કરે છે. આટલું મોટું કામ કરનાર આ મહાનારીને એક ટીવી ચેનલના પત્રકારે પૂછ્યું, “આપે આટલી મોટી રકમ આપીને ગૌશાળાનું નિર્માણ કર્યું છે તમે શું અનુભવો છો ? ” યશોદા દાસીએ જવાબ આપ્યો, “આ મેં નહિ બાંકે બિહારીજીએ કર્યું છે.”

ગાયોના નામે પોતાનું પેટ ભરાનારા લોકોથી દેશ ઉભરાઈ રહ્યો છે ત્યારે યશોદા દાસી જેવી મહિલા પોતે ભૂખ્યા રહીને પણ ગાયોનું પેટ ભરવા તૈયાર છે.