ગગનયાન મિશન : રશિયામાં આવી ટ્રેનિંગ લઈ રહ્યા છે ભારતીય એયરફોર્સ પાયલટ.

ગગનયાન મિશન માટે ભારતીય એયરફોર્સના પાયલટ રશિયામાં લઈ રહ્યા છે ખાસ ટ્રેનિંગ, જાણો તેના વિષે

વાયુસેનામાં અવાર નવાર નવી નવી શોધો થતી રહે છે, અને તેના માટે જરૂરી તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. કોરોના વાયરસને કારણે અટકેલા ગગનયાન મિશન ફરીથી શરૂ થઈ ગયો છે. અંતરિક્ષ ઉડ્યન માટે રશિયામાં ભારતીય વાયુસેનાના ચાર પાઇલોટોની તાલીમ ફરી શરૂ થઈ ગઈ છે. આ તાલીમ કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનને કારણે બંધ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીની શરૂઆતમાં આ ચારે ભારતીય વાયુસેનાના પાઇલટ મોસ્કો ગયા હતા. તેની તાલીમ ગેગરીન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર (જીસીટીસી) માં ચાલી રહી હતી. પરંતુ લોકડાઉનને કારણે તે બંધ થઇ ગઈ. જો કે, તેમની તાલીમ ફરીથી 12 મેથી શરૂ થઈ ગઈ છે.

રશિયન સ્પેસ કંપની ગ્લવકોસ્મોસે કહ્યું કે ભારતીય વાયુ સેનાના પાઇલટ્સને જીસીટીસીના પ્રશિક્ષક યોગ્ય તાલીમ આપી રહ્યા છે. તેમની પ્રારંભિક તાલીમમાં, અવકાશયાન ઉપરની અવકાશ મુસાફરી ઉપર નિયંત્રણના બેઝીક વર્ગો ચાલી રહ્યા છે. આ સિવાય આ પાઇલટ્સ બેઝીક ભાષાનો પણ અભ્યાસ કરી રહ્યા છે, જેથી આગળની તાલીમમાં કોઈ મુશ્કેલી ન આવે.

વકોસ્મોસે કહ્યું કે ભારતથી આવેલા તમામ પાઇલટ્સ સ્વસ્થ અને સલામત છે. અમે તેમની ખૂબ સારી રીતે કાળજી લીધી છે. માર્ચમાં આ લોકોને કોરોના વાયરસના કારણે આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓ ઠીક છે અને તેમની તાલીમ લઇ રહ્યા છે.

ભારતીય વાયુસેનાના આ ચાર જવાનોની લગભગ એક વર્ષની તાલીમ રહેશે. તેને રશિયામાં તાલીમ પૂરી કર્યા પછી, પાછા બેંગ્લોર આવીને તાલીમ લેવી પડશે.

ગગનયાન મિશન અંતર્ગત ઇસરો ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિમી ઉપર અવકાશમાં સાત દિવસની યાત્રા કરાવશે. આ અવકાશયાત્રીઓએને સાત દિવસ માટે પૃથ્વીની નીચી-ભ્રમણકક્ષાની આસપાસ ફરવું પડશે. આ મિશન માટે ઇસરોએ ભારતીય વાયુસેનાને અવકાશયાત્રીઓ પસંદ કરવા જણાવ્યું હતું.

ડિસેમ્બર 2021 માં ઇસરો ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલશે. તે પહેલાં બે માનવરહિત મિશન હશે. આ ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021 માં કરવામાં આવશે. આ બંને મિશનમાં, ગગનયાનને કોઈપણ મુસાફરો વિના અવકાશમાં મોકલવામાં આવશે

ત્યાર પછી ડિસેમ્બર 2021 માં માનવ મિશન મોકલવામાં આવશે. આ સમગ્ર મિશનની કિંમત 10 હજાર કરોડ રૂપિયા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા 2 એપ્રિલ, 1984 ના રોજ રશિયાના સોયુઝ ટી-11 માં બેસીને અવકાશયાત્રા ઉપર ગયા હતા.

ભારતીય અવકાશયાત્રીઓના ભોજનનું એક મેનૂ પણ બહાર આવ્યું છે. જેમાં ઇંડા રોલ, વેજ રોલ, ઇડલી, મગ દાળનો હલવો અને વેજ પુલાવ શામેલ હતા. આ ખોરાક મૈસુરની ડિફેન્સ ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અંતરીક્ષમાં ખોરાકને ગરમ કરવા માટે ઓવનની વ્યવસ્થા પણ ડીઆરડીઓ જ કરી રહી છે. અવકાશયાત્રીઓ માટે, પાણી અને જ્યુસ સાથે સાથે પ્રવાહી ખોરાકની પણ જોગવાઈ રહેશે. આ તમામ અવકાશયાત્રીઓ લગભગ સાત દિવસ સુધી પૃથ્વીથી 450 કિમી ઉપર ગગનાનનમાં રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.