ઢોલ-નગારાનાં વજન લગભગ ૧૫ થી ૨૦ કિલો હોય છે. જેને શરીરે બાંધીને યુવકો સાથે યુવતિઓ ઢોલ વગાડે છે

ગણેશોત્સવમાં ડી.જે પર પ્રતિબંધ મુકતા જાહેરનામાં બાદ પારંપરીક ઢાલ-ત્રાંસા વગાડનારાઓની ડિમાન્ડ ખૂબ વધી છે. ડી.જે પર ફિલ્મી ગીતો વગાડીને થતું ધ્વનિ પ્રદૂષણ અટકાવવા લોકો પણ ઉમળકાભેર પહેલ કરી રહયા છે.

મહારાષ્ટ્રના નાસિક ઢોલથી લોકો પરિચિત છે. તે જ રીતે સુરતના યુવક-યુવતિઓનું ઢોલી માટે સામર્થ્ય ગ્રુપ બન્યું છે. ગ્રુપ માં ૧૨૦ જેટલા સભ્યો છે. જેમાં યુવતિઓ અને નોકરીયાત મહિલાઓ, ગૃહિણીઓ પણ છે. ઢોલ વગાડવાની આ ગ્રુપની અદાથી સૌ કોઇ આકર્ષિત થાય છે. ગુ્રપ બન્યું હતું સને ૨૦૦૯માં. ત્યારે તેમની પાસે માત્ર ૬ ઢોલ અને ૩ ત્રાંસા હતા. આજે ૫૦ ઢોલ અને ૧૫ ત્રાંસા છે. ખાસ કરીને હિન્દુ કેલેન્ડર મુજબના ધાર્મિક તહેવારોમાં ગ્રુપ ઢોલ વગાડે છે.

આ ગ્રુપ શરુ કરવાનો મુખ્ય ઉદ્દેશ આપણી ભારતીય સંસ્કૃતિને નવો વેગ મળે તેમજ આવનારી પેઢીને ઢોલ-ત્રાંસાનું જ્ઞાાન રહે તે માટેનો છે. ગ્રુપ ની મહિલા મેમ્બર પુનમ સારંગ નોકરી કરે છે. રિંકલ શાહ ગૃહિણી છે. બંને મહિલા મેમ્બર ઢોલ અને ત્રાંસા વાદક છે. અને યુવાનોને પણ પાછળ પાડી દે દેવું પરફોર્મ કરે છે.

મહિલા મેમ્બરો કહે છે કે, અમે ખૂબ એન્જોય કરીએ છીએ. ઓફિસ અને ઘરનું કામ પતાવીને ગ્રુપ માં જોડાઇ જઇએ છીએ. ગણેશોત્સવમાં આ રીતે ઢોલ-ત્રાંસા જ વગાડવા જોઇએ તેથી આપણી સંસ્કૃતિ જળવાઇ રહે. અને તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવાનો અમને આનંદ છે. ઘરમાંથી પણ સારો સપોર્ટ મળી રહયો છે.

ગણેશ આયોજકો પણ હવે ઢોલી મારફત બાપ્પાને આવકારવા પહેલ કરતા થયા છે. ગણેશભક્ત ગોપાલ પટેલે કહયું કે, આ વખતે અમે ગણપતિની મૂર્તિ પણ નાની રાખી છે અને ડીજે કરતાં આ વખતે અમે ઢોલનગારા સાથે બાપ્પાનું આગમન રાખ્યું છે. ડીજેની સરખામણીમાં અમને આ વધારે સારૃં લાગે છે. અડાજણનું વોરીયર્સ ગ્રુપ નું કહેવું છે, અમને તો ઢોલી ફાવી ગયું છે.

દરેક ઢોલ-નગારાનાં વજન લગભગ ૧૫ થી ૨૦ કિલો જેટલું હોય છે. જેને શરીરે બાંધીને યુવકો સાથે યુવતિઓ પણ પુરા તાલ સાથે જ્યારે આ ઢોલ વગાડે છે ત્યારે નજારો કંઇક અલગ હોય છે. આ માટે તેઓ રોજ પાંચ કલાકની પ્રેકટીસ કરે છે.

વિડીયો