જાણો કયા કયા સમયે દેશના રાષ્ટ્રપતિ અને PM એ કર્યું મંદિરનું ઉદ્ઘાટન કે મૂકી આધારશિલા.

પીએમ મોદી જ નહિ, આપણા દેશના આ રાષ્ટ્રપતિ અને PM એ કર્યું આ મંદિરોનું ઉદઘાટન કે મૂકી આધારશિલા

અયોધ્યામાં બનનારા રામ મંદિરના ભૂમિપૂજનમાં પીએમ મોદીના શામેલ થવા અંગે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા હોય, પરંતુ આવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પણ આવું બની ચુક્યું છે.

રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન પીએમ મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષો જુના આ વિવાદનો અંત આવ્યા પછી દરેક માટે તે દિવસ ખૂબ જ ખાસ હતો. દેશના કરોડો લોકો આ દિવસની રાહ પણ જોઈ રહ્યા હતા.

જો કે, તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટને રાત્રે અયોધ્યામાં લાખો દીવડાઓ પ્રગટાવીને દિવાળી જેવો તહેવાર અને આનંદ ઉજવાયો હતો. આજે અમે તમને અહિયાં એવા મંદિરો વિશે માહિતી આપી રહ્યા છીએ કે જેના શિલાન્યાસ અથવા ઉદઘાટનમાં રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન જોડાયા હોય અથવા તેમના દ્વારા કરવામાં આવ્યું હોય.

અબુધાબીના મંદિરનો શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2018 ના રોજ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો લિંકિંગ દ્વારા તેની આધારશીલા મૂકી હતી. અબુધાબીમાં બનાવવામાં આવેલા ભવ્ય મંદિર માટે 125 કરોડ ભારતીયો તરફથી વલી અહદ શહઝાદા મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને આભાર માન્યો હતો.

ચાલો તમને જણાવી દઈએ કે અબુધાબીમાં ભારતીય મૂળના 30 લાખથી વધુ લોકો રહે છે, જે ત્યાંની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પીએમ મોદીએ યુએઈની બે વાર મુલાકાત લીધી છે. પીએમ મોદીને યુએઈ દ્વારા સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું છે.

દુબઈ-અબુ ધાબી હાઇવે ઉપર નિર્માણ પામનાર અબુધાબીના પ્રથમ પથ્થરથી બનેલું આ મંદિર છે. આ મંદિર 55000 ચોરસ મીટર જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે અને તે આ વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

જો કે, કોરોના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વમાં જે રીતે બ્રેક લગાવવામાં આવી છે, તેના કારણે તેનો વિકાસ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તેનો શિલાન્યાસ સમારંભ દુબઈના ઓપેરા હાઉસ ખાતે યોજાયો હતો. આ મંદિર ભારતીય કારીગરો બનાવી રહ્યા છે. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) અનુસાર પશ્ચિમ એશિયામાં પત્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.

અક્ષરધામ મંદિર

6 નવેમ્બર, 2005 ના રોજ દિલ્હીમાં અક્ષરધામ મંદિરના ઉદ્ઘાટન સમયે ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ, ભારતના તે સમયના વડા પ્રધાન મનમોહન સિંઘ સહીત વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણી ઉપસ્થિત રહ્યા હતા. 17 ડિસેમ્બર 2007 ના રોજ, તે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર સંકુલ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

1968 માં, કેમ્પસની યોજના બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા યોગી મહારાજે કરી હતી. પરંતુ 1971 માં તેમના અવસાન પછી 1982 માં આ યોજના ઉપર કામ આગળ વધવાનું શરૂ થયું. આ મંદિરનું નિર્માણ કાર્ય 8 નવેમ્બર 2000 ના રોજ શરૂ થયું હતું અને 6 નવેમ્બર 2005 ના રોજ આ મંદિર સત્તાવાર રીતે સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ મંદિરનું નિર્માણ કાર્ય 4 વર્ષ અને 363 દિવસમાં પૂર્ણ થયું હતું. આ મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી 6000 ટનથી વધુ ગુલાબી રેતીના પત્થરો લાવવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણનો કુલ ખર્ચ 400 કરોડ રૂપિયા હતો. પ્રમુખસ્વામી મહારાજના 3,000 સ્વયંસેવકોએ મંદિર બનાવવા માટે 7,000 કારીગરોને મદદ કરી.

આ મંદિરને વાસ્તુ શાસ્ત્ર અને પંચત્ર શાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું છે. આ સ્મારક 141 ફુટ ઉંચું, 316 ફૂટ પહોળું અને 370 ફૂટ લાંબુ છે. મંદિરના કેન્દ્રિય ઘુમ્મટની નીચે આવેલા સ્વામિનારાયણની પ્રતિમા છે, જે 11 ફૂટ ઉંચી છે હિન્દુ પરંપરા મુજબ પાંચ ધાતુ માંથી બનેલી છે.

સોમનાથ મંદિર

1 ડિસેમ્બર 1955 ના રોજ ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદજીએ આ મંદિર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, હાલની ઇમારતનું પુનર્નિર્માણની શરુઆત ભારતની આઝાદી પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે શરૂ કર્યું હતું. તેને સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદરમાં સ્થિત આ મંદિર વિષે કહેવાય છે કે તેનું નિર્માણ ચંદ્રદેવે કર્યું હતું, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં સ્પષ્ટ છે. આ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઇતિહાસનું પ્રતિક રહ્યું છે. વિરાટ વૈભવશાળી હોવાને કારણે ઇતિહાસમાં ઘણી વખત આ મંદિર તૂટ્યું અને ફરીથી બાંધવામાં આવ્યું હતું.

લોકવાયકા અનુસાર અહીંયા શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આને કારણે આ ક્ષેત્રનું મહત્વ ઘણું વધી ગયું છે. આ મંદિરની વ્યવસ્થા અને સંચાલનનું કામ સોમનાથ ટ્રસ્ટ હેઠળ છે. સરકારે ટ્રસ્ટને જમીન, બગીચા આપીને આવકની વ્યવસ્થા કરી છે. આ તીર્થધામ પૂર્વજોના શ્રાદ્ધ વગેરે કાર્યો માટે પણ પ્રખ્યાત છે.

ચૈત્ર, ભાદરવો અને કારતક મહિનામાં અહિયાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ ત્રણ મહિનામાં અહીંયા ભક્તોની ઘણી ભીડ પણ રહે છે. આ ઉપરાંત અહિયાં ત્રણ નદીઓ હીરણ, કપિલા અને સરસ્વતીનો મહાસંગમ થાય છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.