કોરોનામાં શ્રાવણ માસમાં આ જ્યોતિલિંગના કરી શકશો દર્શન અને આ 4 જ્યોતિર્લિંગ રહશે બંધ.

શ્રાવણ માસમાં સોમનાથ, મહાકાલેશ્વરમાં ભક્ત કરી શકશે દર્શન, કોરોનાના કારણે મહારાષ્ટ્રના 4 જ્યોતિર્લિંગ બંધ રહશે

3 ઓગસ્ટ સુધી રહેશે શ્રાવણ મહિનો, દર્શન માટે ઓનલાઇન પરવાનગી ફરજિયાત

ફક્ત દૂરથી જ કરી શકશો દર્શન, કેદારનાથ ખાતે પુરોહિત દર્શન શરૂ કરવાની તૈયારી નથી

6 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. તે ભગવાન શિવનો મહિનો છે. દર વર્ષે આ મહિનામાં દેશના 12 જ્યોતિર્લિંગોમાં ભક્તોની ભીડ જામેલી રહે છે. પરંતુ, આ વર્ષે, કોરોના વાયરસને કારણે, 12 માંથી 6 જ્યોતિર્લિંગ ભક્તો માટે બંધ રહેશે અથવા તે ખોલવાનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

6 જ્યોતિર્લિંગ સોમનાથ (ગુજરાત), મલ્લિકાર્જુન (હૈદરાબાદ), મહાકાળેશ્વર (ઉજ્જૈન), ઉંકારેશ્વર (ખંડવા), કાશી વિશ્વનાથ (બનારસ), નાગેશ્વર મંદિર (ગુજરાત) માં દર્શનની વ્યવસ્થા શરૂ થઇ ગઈ છે. જો તમે પણ શ્રાવણ મહિના દરમિયાન કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

નોંધણી કરાવ્યા પછી જ થઇ શકશે દર્શન

આ જ્યોતિર્લિંગની સત્તાવાર વેબસાઇટ ઉપર ભક્તોએ નોંધણી કરાવવી પડશે. મહાકાળેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે, મંદિરની જીવંત દર્શન એપ્લિકેશન ઉપર નોંધણી કરાવવી પડશે. ત્યાર પછી દર્શન માટે સમય સ્લોટ ઉપલબ્ધ થશે, તે સમયે ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.

નિયમોનું પાલન કરવું જરૂરી

મંદિરના સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે. બધા ભક્તોએ માસ્ક પહેરવું પડશે અને સામાજિક અંતરને અનુસરવું પડશે. આ મંદિરોમાં, ભક્તો ફક્ત દર્શન કરી શકશે, અહીંયા બેસીને પૂજા-અર્ચના કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ રોગચાળા સંબંધિત કોઈ પણ લક્ષણો ધરાવે છે, તો તેને દર્શન માટે મંજૂરી આપવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના ચારેય જ્યોતિર્લિંગોમાં દર્શન બંધ રહેશે

મહારાષ્ટ્રના પંચાંગના અનુસાર 21 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. હાલના સમયમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યના તમામ મંદિરોમાં દર્શન વ્યવસ્થા શરૂ નહિ કરવામાં આવે. મહારાષ્ટ્રમાં ચાર જ્યોતિર્લિંગ ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ અને ધૃશ્નેશ્વર આવેલા છે. આ ચારે મંદિરો શ્રાવણ મહિનામાં પણ સામાન્ય ભક્તો માટે બંધ જ રહેશે. અહીંયા ફક્ત મંદિરના પૂજારીઓ અને મંદિર સમિતિના સભ્યોને જ પ્રવેશ આપવામાં આવશે.

વૈદ્યનાથને લઈને છે મતભેદ

વૈદ્યનાથ જ્યોતિર્લિંગને લઈને મતભેદ પણ છે. એક વૈદ્યનાથ મંદિર ઝારખંડના દેવઘરમાં આવેલું છે. અહીંયાના લોકો તેને 12 જ્યોતિર્લિંગ માંથી એક માને છે. આ મંદિરના શ્રાવણ મહિનામાં દર્શન શરૂ કરવા માટે સાંસદ નિશીકાંત દુબે દ્વારા ઝારખંડ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેની સુનાવણી 30 જૂને થવાની છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે નિયમોને અનુસરીને મંદિરમાં દર્શન શરૂ કરવા જોઈએ.

કેદારનાથ અને રામેશ્વરમમાં હજુ કાંઈ નક્કી નથી

કેદારનાથ ધામના તીર્થ પુરોહિત વિનોદ પ્રસાદ શુક્લાએ જણાવ્યું હતું કે હાલમાં રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી જ કેદારનાથમાં દર્શન શરૂ થયા નથી. ઉત્તરાખંડમાં ચારધામના પુજારી અને સમિતિઓ હજુ દર્શન શરૂ કરવાના પક્ષમાં નથી. અહિયાં શ્રાવણમાં પણ લગભગ આવી જ સ્થિતિ રહી શકે છે.

તમિલનાડુમાં રામેશ્વરમ મંદિરમાં પણ હજી દર્શન માટેની વ્યવસ્થા શરૂ થઇ શકી નથી. અહીંયા પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આવી રીતે, રામેશ્વર મંદિરમાં દર્શન શરૂ થયા નથી. શ્રાવણ મહિનામાં દર્શન થઇ શકશે કે નહીં, તે અંગે હજી કાંઈ નક્કી નથી.

ભગવાનનું જ્યોતિ સ્વરૂપ છે જ્યોતિર્લિંગ

શિવપુરાણમાં દ્વાદશ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપમાં હંમેશાં બિરાજમાન છે. આ મંદિરોમાં શિવલિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ શકે છે અને મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. શ્રાવણ મહિનાના સ્વામી ભગવાન શિવજી જ છે, તેથી આ મહિનામાં મહાદેવની પૂજા કરવાનું અને મંત્રોચ્ચાર કરવાનું વિશેષ મહત્વ છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, ચંદ્રમાં દ્વારા કરવામાં આવી હતી સ્થાપના

સોમનાથ – બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ છે. તે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે. ચંદ્ર એટલે કે સોમે શિવજીને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરી હતી. ચંદ્રના નામ ઉપરથી જ આ મંદિરનું નામ સોમનાથ રાખવામાં આવ્યું છે.

મલ્લિકાર્જુન – આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કાંઠે શ્રીસૈલ નામના પર્વત ઉપર આવેલું છે. અહીંયા પાર્વતીનું નામ મલિકા છે અને શિવજીનું નામ અર્જુન છે. તેથી, તેને મલ્લિકાર્જુન કહેવામાં આવે છે.

મહાકાળેશ્વર – આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. અહીંયા ભસ્મારતી વિશ્વવિખ્યાત છે.

ઉંકારેશ્વર – મધ્યપ્રદેશના ઇન્દોર શહેર નજીક આવેલું છે ઉંકારેશ્વર જ્યોતિર્લિંગ. આ મંદિર પાસે નર્મદા નદી છે. ડુંગરોની ચારે તરફ આ નદી વહેવાથી અહીંયા ऊँ નો આકાર બને છે. આ જ્યોતિર્લિંગ ઓમકાર એટલે ऊँ ના આકાર જેવું છે, તેથી જ તેને ઓમકારેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.

કેદારનાથ – કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે. જે રીતે કૈલાસ પર્વતનું મહત્વ છે, તેવું જ મહત્વ કેદારનાથ ક્ષેત્રનું પણ માનવામાં આવી રહ્યું છે. આ મંદિર હિમાલય ક્ષેત્રમાં આવેલું છે, તેથી જ શિયાળા દરમિયાન તે બંધ રહે છે.

ભીમાશંકર – ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત ઉપર આવેલું છે. ભીમાશંકર મોથેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે.

કાશી વિશ્વનાથ – ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે કાશીમાં આવેલું છે વિશ્વનાથ જ્યોર્તિલિંગ. કાશી સૌથી પ્રાચીન પુરિયોમાંથી એક છે. તેને ભગવાન શિવનું ઘર પણ કહેવામાં આવે છે.

વૈદ્યનાથ – વૈદ્યનાથ 12 જ્યોતિર્લિગોમાં નવમુ છે. આ મંદિરને લઈને મતભેદો છે. મહારાષ્ટ્રમાં આવેલા વૈદ્યનાથ મંદિર અને ઝારખંડમાં આવેલા વૈદ્યનાથ મંદિર, આ બંનેને જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ઝારખંડમાં દેવઘર જિલ્લામાં વૈદ્યનાથ મંદિર આવેલું છે. મહારાષ્ટ્રના પરલી સ્ટેશન નજીક પરલી ગામમાં પણ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આવેલું છે.

નાગેશ્વર – આ જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે. શિવજી સર્પોના દેવતા છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સાંપોના દેવ થાય છે. દ્વારકાથી પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું અંતર 17 માઇલનું છે.

ત્ર્યંબકેશ્વર – મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે ત્ર્યંબકેશ્વર મંદિર. મંદિરની પાસે જ બ્રહ્માગિરિ પર્વત છે. આ પર્વત માંથી ગોદાવરી નદી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે શિવજીને ગૌતમ ઋષિ અને ગોદાવરી નદીના આગ્રહથી અહિયાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં રહેવું પડ્યું.

રામેશ્વરમ – આ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામાનાથપુરમમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી. આ કારણોસર, તેને રામેશ્વરમ કહેવામાં આવે છે.

ધ્રુશ્નેશ્વર – ધ્રુશ્નેશ્વર, મહારાષ્ટ્રના ઓરંગાબાદ નજીક દૌલાતાબાદ વિસ્તારમાં આવેલું છે. તે ઘુસણેશ્વર અથવા ઘુશ્મેશ્વર તરીકે પણ ઓળખાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.