એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

10 વર્ષની સિંધૂરી એક હાથથી સીવી રહી છે માસ્ક, બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં વહેંચ્યા માસ્ક

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ઘણા લોકો જરૂરિયાત ધરાવતા લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેના ઘણા ફોટા ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. અને એવો જ એક ફોટો હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તેને જોઈને લોકો સતત તેની પ્રશંસા કરી રહ્યા છે.

10 વર્ષની સિંધૂરી ફક્ત એક હાથની મદદથી માસ્ક સીવીને જરૂરિયાત ધરાવતા લોકોમાં વહેંચી રહી છે. માસ્ક સીવતી સિંધૂરીના આ ફોટા લોકોની ખુબ પ્રશંસા ભેગી કરી રહ્યા છે. એટલું જ નહિ આ બાળકીએ રાજ્યમાં 10 માં ધોરણની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં પણ પોતે બનાવેલા માસ્ક વહેંચ્યા છે.

1 લાખ માસ્ક બનાવવાની છે ઈચ્છા :

હાલના સમયમાં માસ્ક દરેકની જરૂરિયાત બનતા જઈ રહ્યા છે. અહીં સુધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એવું કહ્યું છે કે, જ્યાં સુધી કોરોનાની દવા નથી બનતી, ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. આ દરમિયાન કર્ણાટકના ઉડુપીની રહેવાસી 10 વર્ષીય સિંધૂરી પોતાનો એક હાથ ન હોવા છતાં પણ પોતાના ઘરે મશીનથી માસ્ક સીવીને લોકોમાં વહેંચી રહી છે. ધોરણ 6 માં ભણતી આ બાળકી કહે છે કે, તેને લોકોની મદદ કરવું સારું લાગે છે. તે 1 લાખ લોકો માટે માસ્ક બનાવવા ઈચ્છે છે.

જન્મથી નથી એક હાથ :

સિંધૂરીના પરિવારવાળા જણાવે છે કે, જન્મથી જ તેના ડાબા હાથની કોણીની નીચેનો ભાગ ન હતો. પણ સિંધૂરીએ તેને ક્યારેય પણ પોતાની નબળાઈ બનવા દીધી નથી. આ શારીરિક ખોડથી ઉપર આવીને તે લોકોની મદદના હેતુથી પોતે માસ્ક સીવીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહી છે. સોશિયલ મીડિયા પર સિંધૂરીના વાયરલ ફોટા લોકોને ખુબ ગમી રહ્યા છે, અને લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.