રસ્તાના ખાડામાં પડીને લોકો ઘાયલ ન થાય એટલા માટે તે ખાડાને પોતે ભરે છે આ ટ્રાફિક પોલીસવાળો

માર્ગ અકસ્માતના આમ તો ઘણા બધા કારણો હોય છે, અને એમાંથી એક કારણ રસ્તા પરના ખાડા પણ હોય છે. હવે ભારતના રસ્તાની હાલત તો તમે બધા સારી રીતે જાણો છો. ખાસ કરીને વરસાદમાં હાલત વધારે ખરાબ થઇ જાય છે. આ દિવસોમાં તો લોકોને રસ્તા પરના ખાડા દેખાતા પણ નથી, જેના કારણે ઘણા અકસ્માત થાય છે.

આ પ્રકારની ઘટનાઓને કારણે આપણે હંમેશા સરકાર અને પ્રશાસનને કોસીને આગળ વધી જઈએ છીએ. કોઈ એ ખાડાને લઈને કંઈ નથી કરતુ. જો કે બથિંડા ટ્રાફિક પોલીસમાં કામ કરવાવાળા ગુરબક્શ સિંહના વિચાર થોડા અલગ છે. તે એક નાગરિક હોવાના હિસાબે પોતાનું કર્તવ્ય નિભાવે છે, અને સરકારના ભરોસે ન બેસી પોતે જ રસ્તા પરના ખાડા પૂરે છે.

તે આવું શા માટે કરે છે, એની પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. ગુરુબક્શ સિંહ જણાવે છે કે, એકવાર મેં લિબર્ટી ચોકની નજીક બે બાઈક અને એક સ્કૂટર સવારને એક ખાડાને કારણે દુર્ઘટનાથી માંડ માંડ બચતા જોયા હતા. બસ એ ઘટના મારા મગજમાં બેસી ગઈ. મને લાગે છે કે આ ખાડાને કારણે કોઈનો પણ જીવ જઈ શકે છે. બસ ત્યારથી મેં પોતે જ રસ્તા પરના ખાડાને પૂરવાનું કામ કરવા લાગ્યો. મને નથી ખબર કે આ કેટલું મોટું યોગદાન છે, પણ હું પોતાના તરફથી આ કામ સમાજસેવાના રૂપમાં કરું છું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગુરબક્શ સિંહ અત્યાર સુધીમાં રસ્તાઓ પરના ઘણા ખાડા પૂરી ચુક્યા છે. ખાડાના સમારકામના આ કામમાં એમની મદદ મોહમ્મદ સિંહ પણ કરે છે. મોહમ્મદ પણ ગુરબક્શની જેમ એક ટ્રાફિક પોલીસ કર્મચારી છે. આ બંને મળીને અત્યાર સુધીમાં ભાગુ રોડ, લિબર્ટી ચોક, દાના મંડી અને હાઈવે પર પોતાના ગામ બુલડુવાલા તરફના ઘણા બધા ખાડા પુરી ચુક્યા છે.

બીજી એક રસપ્રદ વાત એ છે કે, તેઓ પોતાની ગાડીમાં હંમેશા ખાડાના સમારકામનો સામાન જેવા કે ઈંટ, ઇન્ટરલિંકીંગ ટાઇલ્સ, માટી વગેરે લઈને જાય છે. આ તરફ સોશિયલ મીડિયા પર જયારે લોકોને ગુરબક્શ સિંહના આ નેક કામ વિષે ખબર પડી તો લોકો એમની પ્રશંસા કરવા લાગ્યા. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસને લોકો વારંવાર ગાડી રોકવા અથવા ભારે ચલણ કાપવા માટે કોસતા રહે છે. એમની ઉપર ઘૂસ લેવાનો આરોપ પણ લાગે છે.

જો કે ગુરબક્શ સિંહે સાબિત કરી દીધું કે, બધા પોલીસવાળા એવા નથી હોતા. અમુક ઘણા ઈમાનદાર અને નેકદિલ પણ હોય છે. રસ્તા પરના ખાડા પૂરવા એ કોઈ ટ્રાફિક પોલીસના ઓફિસરનું કામ નથી. છતાંપણ તે સમાજસેવા તરીકે આવું કરે છે, જેથી લોકોનો જીવ બચી શકે.

ગુરબક્શ સિંહ પાસેથી સિખ લઈને આપણે પણ એવું કઈંક જરૂર કરવું જોઈએ. તમે તમારી આસપાસના વિસ્તારોમાં જયારે પણ કોઈ ખાડા જુઓ તો એને પોતે અથવા અન્ય લોકો સાથે મળીને પૂરી દો. હવે સરકાર જયારે એને ભરશે ત્યારે ભરશે, પણ આ વચ્ચે બિચારા કોઈ વાહન ચાલક ખાડામાં પડીને કોઈ અકસ્માતનો શિકાર થઈ ગયું, તો એના જીવને પણ ખતરો થઇ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.