રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

રક્ષા ઉપકરણોના નિર્માણ માટે 460 લાઇસેંસ જાહેર, 35 હજાર કરોડ નિકાસ કરવાનું લક્ષ્ય

અરબો ડોલરના સંરક્ષણ બજારમાં ભારત પોતાના પગ મજબૂતીથી જમાવવા માંગે છે. ભારત ઈચ્છે છે કે, દુનિયાના સંરક્ષણ બજારમાં તે વર્ષ 2025 સુધી 35 હજાર કરોડ એટલે કે 5 બિલિયન અમેરિકી ડોલરની નિકાસ કરે. સંરક્ષણ ઉત્પાદન નિકાસ સંવર્ધનની આ વર્ષની નીતિમાં સરકારનું આ મહત્વકાંક્ષી લક્ષ્ય સામે આવ્યું છે.

ભારત સરકાર ઈચ્છે છે કે, દેશમાં સંરક્ષણ બજારનો વ્યાપક વિસ્તાર થાય અને ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનોને દુનિયામાં ઓળખ મળે. સરકાર દેશના સંરક્ષણ બજારનું ટર્ન ઓવર 1 લાખ 75 હજાર કરોડ કરવાની ઈચ્છા રાખે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો મોટો પ્લાન :

નવી નીતિ અંતર્ગત સરકાર સંરક્ષણ ખરીદીમાં દેશી કંપનીઓને આગળ વધારવા માંગે છે, અને દેશી કંપનીઓ પાસેથી સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીની માત્રાને બમણી કરવા માંગે છે. જણાવી દઈએ કે, અત્યારે ઘરેલુ કંપનીઓ પાસેથી સંરક્ષણ ક્ષેત્રની ખરીદી 70 હજાર કરોડ છે. સરકારની યોજના છે કે, તેને 2025 સુધી બમણી કરી 1 લાખ 40 હજાર કરોડ કરી દેવામાં આવે.

દૂતાવાસોને પણ સક્રિય કરવામાં આવ્યા :

સંરક્ષણ નિકાસ વધારવા માટે આખી દુનિયામાં ફેલાયેલા ભારતીય દૂતાવાસોમાં રહેલા સંરક્ષણ અધિકારીઓને વધારે અધિકાર આપવામાં આવ્યા છે, અને તેમને દેશી સંરક્ષણ ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં જ ભારતની સંરક્ષણ નિકાસમાં સારો વધારો થયો છે. વર્ષ 2016-17 માં ભારતની સંરક્ષણ નિકાસ 1,521 કરોડ હતી, વર્ષ 2018-19 માં તે વધીને 10,745 કરોડ થઈ ગઈ છે.

જોકે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે સરકારે અત્યારે ઘણા પગલાં ભરવા પડશે. અત્યારે સરકારે સંકરક્ષ ઉપકરણોની નિકાસ માટે 460 થી વધારે લાઇસન્સ જાહેર કર્યા છે.

સરકાર સંરક્ષણ ઉપકરણોની આયાત ઘટાડવા માટે એક ટાઈમલાઈનમાં હથિયારોની એક યાદી જાહેર કરશે, જેની આયાત પર પ્રતિબંધ હશે. આ યાદીને સતત અપડેટ કરવામાં આવશે. આ દરમિયાન આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે સેનાઓની જરૂરિયાત પર અસર ના પડે.

દુનિયાની પસંદગીની શક્તિઓમાં શામેલ થશે ભારત :

આ પોલિસી દસ્તાવેજોનું લક્ષ્ય છે કે, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં દુનિયાની પસંદગીની શક્તિઓમાં શામેલ થાય. તેમાં એરોસ્પેસ અને નેવી શિપબિલ્ડીંગ શામેલ છે. સરકાર ઈચ્છે છે કે, આ ક્ષેત્રોમાં ડિઝાઇનથી લઈને ઉત્પાદનમાં ભારત શ્રેષ્ઠ બને. તેના માટે સરકાર પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીને પ્રોત્સાહન આપશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.