મહામારી અટકાવવાનો ઉપાય ‘એક ડોલ દૂધ’ – વાંચો જીવન બદલવાની ક્ષમતા રાખતી સ્ટોરી.

દેશમાં ફેલાયેલી મહામારી રોકવા માટે આકાશવાણી થઈ કે અમાસની રાત્રે બધાએ એક ડોલ દૂધ…. વાંચો રસપ્રદ સ્ટોરી. એકવાર એક રાજાના રાજ્યમાં મહામારી ફેલાઈ ગઈ. ચારેય તરફ લોકો મરવા લાગ્યા. રાજાએ તેને અટકાવવા માટે ઘણા બધા ઉપાય કર્યા, પણ કોઈ અસર થઇ નહિ અને લોકો મરતાં રહ્યા. આથી તે રાજા દુઃખી થઈને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે અચાનક આકાશવાણી થઇ.

આકાશમાંથી અવાજ આવ્યો કે રાજા તમારી રાજધાનીની બરાબર વચ્ચે એક જૂનો સુકાયેલો કૂવો છે. જો અમાસની રાત્રે રાજ્યના દરેક ઘરમાંથી એક-એક ડોલ દૂધ તે કુવામાં નાખવામાં આવે, તો બીજા દિવસે સવારે મહામારી સમાપ્ત થઈ જશે અને લોકોનું મરવાનું બંધ થઈ જશે. રાજાએ તરત જ આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે, મહામારીથી બચવા માટે અમાસની રાત્રે દરેક ઘરમાંથી એક એક ડોલ દૂધ કુવામાં નાખવું ફરજીયાત છે.

અમાસની રાત્રે જયારે લોકોએ કુવામાં દૂધ નાખવાનું હતું, તે રાત્રે તેજ રાજ્યમાં રહેતી એક ચાલાક અને કંજૂસ ડોશીમાએ વિચાર્યું કે, દરેક લોકો કુવામાં દૂધ નાખશે, જો હું એટલી એક ડોલ પાણી નાખી દઉં તો કોઈને શું ખબર પડશે. આવું વિચારીને તે કંજૂસ ડોશીમાએ રાત્રે ચુપચાપ કુવામાં એક ડોલ પાણી નાખી દીધું.

gujarati story
gujarati story

બીજા દિવસે જયારે સવાર થઈ તો લોકો પહેલાની જેમ જ મરી રહ્યા હતા. કાંઈ પણ બદલાયું હતું નહિ, કારણ કે મહામારી સમાપ્ત થઈ ન હતી. રાજએ જયારે કુવા પાસે જઈને તેનું કારણ જાણવા માંગ્યું, તો તેમણે જોયું કે આખો કૂવો પાણીથી ભરેલો હતો. તેમાં દૂધનું એક ટીપું પણ ન હતું. રાજા સમજી ગયા કે, આ કારણે જ મહામારી દૂર નથી થઇ અને લોકો હજી પણ મરી રહ્યા છે.

હકીકતમાં એવું એટલા માટે થયું, કારણ કે જે વિચાર તે ડોશીમાના મનમાં આવ્યો હતો, તેજ વિચાર આખા રાજ્યના લોકોના મનમાં આવ્યો અને કોઈએ પણ કુવામાં દૂધ નાખ્યું નહિ.

મિત્રો, જેવું આ સ્ટોરીમાં થયું એવું જ કંઈક આપણા જીવનમાં પણ થાય છે. જયારે પણ કોઈ એવું કામ આવે છે, જે ઘણા બધા લોકોએ મળીને કરવાનું હોય છે, તો હંમેશા આપણે એ વિચારીને પોતાની જવાબદારીથી પાછળ હતી જઈએ છીએ કે, કોઈને કોઈ તો આ કામ કરી દેશે. અને આપણા આ જ વિચારને કારણે સ્થિતિઓ એવીને એવી બની રહે છે. જો આપણે બીજાની ચિંતા કર્યા વગર પોતાના ભાગની જવાબદારી નિભાવવા લાગીશું, તો આખા દેશમાં એવું પરિવર્તન લાવી શકીશું જેની આજે આપણને જરૂર છે.