OTP ચોરીને તમારા બેંક એકાઉન્ટમાંથી આ રીતે થઇ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે સુરક્ષિત રાખી શકાય પૈસા?

ઓનલાઈન બેન્કિંગ ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. તેને કારણે જ ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારે વધુ સજાગ રહેવાની જરૂર છે. અત્યારે ઓનલાઈન શોપિંગ કરતી વખતે બે તબક્કામાં ઓથન્ટિકેશન થાય છે. OTP એટલે વન ટાઈમ પાસવર્ડ સીસ્ટમને સૌથી સુરક્ષિત રીત માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું છે નહિ. હાલમાં જ એવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે, જેમાં કીમિયાબાજોએ બેંક ગ્રાહકો પાસેથી ચાલાકીથી ઓટીપી માગી લીધો હોય કે તેનો સ્માર્ટફોન હેક કરીને ઓટીપી ચોરી લીધો હોય.

હવે તો ચોરોએ ઓટીપી મેળવવાની નવી રીત શોધી લીધી છે. તે બેંકમાં જઈને પોતાને સાચા ખાતા ધારક બતાવીને રજીસ્ટર્ડ ફોન નંબર જ બદલાવી રહ્યા છે. એક વખત નંબર બદલાવ્યા પછી ઓટીપી તેના મોબાઈલ ઉપર આવવા લાગે છે અને પછી થોડી સેકન્ડમાં એકાઉન્ટ ખાલી.

ઓટીપી ફ્રોડ માટે બેંકોમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલાવવાનું ચલણ વધી રહ્યું છે. છેતરપીંડીની બીજી રીત તે અપનાવી રહ્યા છે કે, તે મોબાઈલ ઓપરેટર પાસે ખોટા આઈડી પ્રૂફ જમા કરાવીને ડુપ્લીકેટ સીમ લઈ લે છે. મોબાઈલ ઓપરેટર નવું સીમ આપીને જુનું સીમ બંધ કરી દે છે. આવી રીતે ગુનેગાર ફરીથી ડુપ્લીકેટ સીમ ઉપર ઓટીપી મંગાવી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.

કેવી રીતે બચશો બેન્કિંગ ફ્રોડથી :

એન્ટી વાયરસ અને આધુનિક સુરક્ષા ઉપાયોનો ઉપયોગ કરો.

પોતાના પાસવર્ડને મજબુત બનાવો અને બદલતા રહો.

ફિશિંગ અને વિશિંગથી સાવચેત રહો.

બેંકને તમારી નવી જાણકારી આપો.

સુરક્ષિત નેટવર્કથી જ બેંક એકાઉન્ટ એક્સેસ કરો.

એ સિવાય કોઈને પણ ફોન, મેસેજ કે ઈમેલ પર તમારો ઓટીપી જણાવો નહિ.

તમારા બેંક એકાઉન્ટને લગતા કોઈ પણ મેસેજ બીજાના કહેવા પર ફોરવર્ડ કરવા નહિ.

પોતાના મોબાઈલ ફોનમાં બેંકની એપ્લિકેશન પર પાસવર્ડ રાખો અને એ કોઈને જણાવો નહિ.

તમારા કોઈ પણ પાસવર્ડ, પિન અને બેંક ડીટેલ તમારા મગજમાં સ્ટોર કરો ન કે ફોન, કમ્પ્યુર કે ડાયરીમાં.

કોઈ પણ ખોટી લિંક પર ક્લિક ન કરો અને પાયરેટેડ એપ્લિકેશન ગેમ વગેરે ફોનમાં ન રાખો.

તમારી નાનકડી ભૂલ તમારું મોટું નુકશાન કરી શકે છે. એટલા માટે બેંક અને પૈસાને લગતી બાબતોમાં હંમેશા સતર્ક રહો. કોઈની વાતોમાં આવીને પોતાની અંગત વિગતો એમને જણાવવી નહિ. બેંક ખાતામાં કાંઈ પણ ખોટું થાય એટલે બેંક બ્રાંચમાં જઈને સંપર્ક કરવો. તેમજ ઈન્ટરનેટ પર કસ્ટમર કેયર નંબર શોધવા નહિ. અને સામેથી કોઈનો ફોન આવે કે તમારી સાથે આમ થયું અમે તમારી મદદ કરીશું તો તેની વાતોમાં આવવું નહિ. પહેલા બેંકમાં જઈને તેની ચકાસણી કરવી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.