ટ્રી મેનને છોડ રોપવાને કારણે લોકો કહેતા હતા પાગલ, આ યુવકે સાઇકલ ઉપર 15 રાજ્યોમાં ફરીને લગાડ્યા 87 હજાર છોડવા

આ યુવકે સાઇકલ ઉપર 15 રાજ્યોની મુસાફરી કરીને લગાવ્યા 87 હજાર વૃક્ષો, આ ટ્રી મેનને લોકો લોકો કહેતા હતા ગાંડો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ વખતે આ દિવસની થીમ છે સમય એન પ્રકૃતિ. આ વિશેષ દિવસ પર અમે એવા 5 પર્યાવરણ યોદ્ધાઓની પ્રેરક સ્ટોરીઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની જીવંતતા અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમને કારણે પર્યાવરણને બચાવવાનો સંદેશ આપીને વિકટ પરિસ્થિતિઓમાં પણ અનોખી મિસાલ કાયમ કરી છે.

ઉજ્જડ જમીન પર છોડ રોપતા હતા ત્યારે લોકો કહેતા હતા પાગલ, હવે ટ્રી મેનના રૂપમાં ઓળખ :

નવાડાના બાજિતપુર ગામના રહેવાસી રંજીત મહતોને ટ્રી મેન (વૃક્ષ પુરુષ) ના નામથી ઓળખવામાં આવે છે. તે છેલ્લા 18 વર્ષોથી છોડ રોપવાનું કામ કરી રહ્યા છે. તે અત્યાર સુધી 500 થી વધારે ઝાડ ઉગાડી ચુક્યા છે. તે જણાવે છે કે જયારે તેમણે છોડ રોપવાનું કામ શરૂ કર્યું તો તેમણે ગામના લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. પરિવારના લોકો પણ નારાજ રહેતા હતા. ક્યારેક છોડને ઢોર ચરી જતા હતા, તો કયારેક કોઈ નુકશાન પહોંચાડી દેતું હતું, પણ તેમણે ધીરજ ખોઈ નહિ.

બંસેરી અને તુવેરની ડાળીઓથી છોડની આજુબાજુ વાડ કરીને તેને સુરક્ષિત કરવાનું શરૂ કરી દીધું. પાણીની સમસ્યા થઈ તો એક-બે કિમી દૂરથી સાઇકલની બંને બાજુ ગેલન(કેરબા) બાંધીને પાણી લાવ્યા અને છોડની સુરક્ષા કરતા રહ્યા. રંજીત કહે છે કે શરૂઆતમાં લોકો તેમને પાગલ કહેતા હતા. અમુક લોકો એવું પણ કહેતા હતા કે કોઈ સંસ્થામાંથી મદદ મળે છે. પણ તેમણે આ બધાનો જવાબ નહીં આપ્યો. પછી છોડે જયારે ઝાડનું સ્વરૂપ લઇ લીધું ત્યારે લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા લોકો તેમને પ્રેમથી ટ્રી મેન પણ કહે છે.

સાઇકલ પર 15 રાજ્યોમાં ફરીને રોપ્યા 87 હજાર છોડ :

આ વ્યક્તિ છે બાડમેરના લંગેરા ગામના રહેવાસી નરપતસિંહ રાજપુરોહિત. તે અત્યાર સુધી 15 રાજ્યોમાં સાઇકલ પર ફરીને 87 હજારથી વધારે છોડ રોપી ચુક્યા છે. તે 400 દિવસમાં લગભગ 15 રાજ્યોમાં 22,000 કિમીની યાત્રા કરી ચુક્યા છે. તેમનું આ કામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડનમાં દાખલ થઈ ચૂક્યું છે.

ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું અને દુર્ગમ રસ્તામાં એકલા જ પીઠ પર છોડ ઉપાડીને સાઇકલ પર મુસાફરી કરી રહ્યા છે. નરપતસિંહે 27 જાન્યુઆરી 2019 ના રોજ પર્યાવરણને બચાવવા માટે જમ્મુ-કશ્મીરથી સાઇકલ પર યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારબાદ હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, યુપી, દિલ્લી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પોંડીચેરી, દીવ-દમણ સુધીની યાત્રા કરી ચુક્યા છે.

35 વર્ષ પહેલા ગુરુજી સાથે હરિદ્વાર ગયા, ચારેય તરફ હરિયાળી જોઈને ઝાડને બનાવી લીધા જીવનનો હેતુ :

રાજસ્થાનના સરદારશહેરના ઉદાસર બીદાવતાનના અમૃતનાથ આશ્રમના 57 વર્ષના મહંત દયાનાથ 35 વર્ષ પહેલા ગુરુજી બ્રહ્મલીન સંત બિહારીનાથ મહારાજ સાથે હરિદ્વાર ગયા હતા. ત્યાં દરેક તરફ હરિયાળી જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું. ત્યારે નક્કી કર્યું કે, તે ગામની રેતાળ જમીનને લીલીછમ કરશે. 2006 પછી તેમણે આ શોખને જીવનનો હેતુ બનાવી લીધો.

તે આશ્રમની ખાલી જમીન, સરકારી સ્કૂલ, ગૌશાળાની ખાલી જમીન, ગામની ખાલી અને ગોચર ભૂમિ, ગામનો ચોરો, બાલરાસર આથુણા સ્થિત આશ્રમ વગેરે સ્થળો પર હજારો છોડ લગાવી ચુક્યા છે. 2006 માં સઘન વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. પાણીની સમસ્યા સામે આવી તો પોતાના ખર્ચે ટ્યુબવેલ ખોદાવી. સરકારી સ્કૂલની જમીન પર 2500 છોડ હાલમાં ઝાડ બની ગયા છે.

મત્સ્ય પુરાણમાં વાંચ્યું હતું કે 10 પુત્ર જીવનમાં જેટલું સુખ આપે છે, એટલું એક ઝાડ આપતું હોય છે, એટલા માટે લગાવી રહ્યાં છે છોડ :

રાજસ્થાનના સુજાનગઢના ભોજલાઈ બાસના રહેવાસી 85 વર્ષીય માંગીલાલ પુરોહિતને લોકો ઝાડ-છોડવાળા ગુરુજીના નામથી બોલાવે છે. માંગીલાલ જણાવે છે કે તેમના પિતા ગ્રંથોનો અભ્યાસ કરતા હતા, ત્યારે બાળપણમાં મત્સ્ય પુરાણમાં વાંચ્યું હતું, “दशकूप समावापी दशवापी समोहदः,दशहद समः पुत्र दश पुत्र समोदयः” એટલે કે દસ તળાવો સમાન એક પુત્ર અને દસ પુત્રો સમાન એક વૃક્ષ હોય છે. દસ પુત્ર પોતાના જીવનકાળમાં જેટલું સુખ-લાભ આપે છે. એટલો લાભ એક વૃક્ષ પોતાના જીવન કાળમાં પહોંચાડે છે.

આ વાંચ્યા પછી મનમાં પર્યાવરણ પ્રત્યે લાલસા જાગી. જીવજંતુઓના સંરક્ષણ અને સંવર્ધનને પોતાના જીવનનો હેતુ બનાવી લીધો. 1993 માં વિકાસ અધિકારીની પોસ્ટ પરથી રીટાયર થયા. સેવાકાળ દરમિયાન ગોપાલપુરા, ભીમસર અને સુજાનગઢ પંચાયત સમિતિ સહીત અનેક સ્થળો અને ગામોમાં છોડ રોપ્યા, જેમાંથી અત્યારસુધીમાં 60 હજાર છોડ ઝાડ બની ચુક્યા છે.

પથરાળ જમીન પર નવી ટેકનીકથી લાગવ્યા છોડ :

મધ્યપ્રદેશના બીના જિલ્લાના બસાહરી ગામના પુનીત સમૈયાએ સરકારી પથરાળ જમીનમાં લગભગ 1800 છોડ વાવ્યા હતા. આ છોડને જીવિત રાખવા માટે તેમણે નવી ટેકનીક અપનાવતા દરેક છોડ સાથે 5 લીટર ક્ષમતા વાળી ડોલ લગાવી દીધી. જેથી પાણી સીધું છોડમાં જાય અને બીજી જગ્યાએ ન વેડફાય.

તેમણે દરેક છોડમાં 5 લીટરની ડોલને નીચેથી કાપીને તેની અંદરથી છોડ કાઢ્યો અને છોડ જમીનમાં લગાવીને અડધી ડોલમાં માટી ભરી દીધી. ડોલની ચારેય તરફ પણ માટી મુકવામાં આવી. પાણી નાખતા જ તે સીધું છોડમાં પહોંચી જાય છે. સાથે જ ડોલમાં પાણી ઘણા સમય સુધી ભરાયેલું રહે છે. જેનાથી પાણીનો વ્યય થતો નથી અને પાણી પણ ઓછું વપરાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.