ગામડાઓમાં આજે પણ ગોબરથી સેનેટાઈઝ કરે છે ઘર, બીમારને કોરેન્ટાઈન કરવાનો પણ છે રિવાજ

કોરોના કાળમાં જે નિયમ ફરજીયાત કરવામાં આવ્યા છે, તે સદીઓથી આપણી પરંપરા અને સંસ્કૃતિનો ભાગ રહ્યા છે, જાણો તેના વિષે

સીકર. કોરોનાના સમયગાળામાં હાથ જોડીને શુભેચ્છાઓ આપવી, હાથ-પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરવો, મોં ઉપર માસ્ક પહેરવું અથવા ચહેરો ઢાંકવો એકવાર ફરી આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. એક વખત ફરી એટલા માટે કારણ કે, તે તો આપણી પ્રાચીન પરંપરાઓ છે. આજે પણ ગામડાઓ અને શહેરોમાં એવા લોકો છે, જે મહેમાનોને હાથ-પગ ધોઈ અને ઘરમાં પ્રવેશવાનો આગ્રહ રાખે છે.

મંદિરોમાં હંમેશાં હાથ પગ ધોઈને જ પ્રવેશ કરવામાં આવે છે. ઘરમાં કોઈ બીમાર થાય તો ખાસ કરીને ‘માતાજી’ નીકળવાથી તેને એક અલગ રૂમમાં રાખવામાં આવતા હતા. જે પણ સંભાળ રાખે છે, તેને પણ સ્વચ્છતા રાખવી પડતી હતી. હાલમાં તેને ક્વોરેન્ટાઇન કહેવામાં આવી રહ્યું છે. આ પરંપરાઓ આધુનિકતામાં અદૃશ્ય થવા લાગી હતી, પરંતુ કોરોના ચેપને રોકવા માટે ફરીથી તેને અપનાવવામાં આવી રહી છે. ઘણા સમાજોએ એ નિર્ણય લીધો છે કે, તેઓ આ પરંપરાઓને પુનર્જીવિત કરશે.

સેનિટાઈઝેશન : રોજ છાણથી લીપણ.

રૈવાસા પીઠાધાશ્વર ડો.રાઘવાચાર્ય મહારાજ કહે છે કે, ગામડાઓમાં આજે પણ લોકો સવાર-સાંજ ઘરને છાણ વડે લીપે છે. ગાયના છાણમાં સુપર બગ મળી આવે છે જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી દે છે. આ રીતે તે ઘરની સફાઇ કરવાનું થયું. આ સિવાય ઘરની બહાર પાણીથી ભરેલા વાસણો પણ રાખવામાં આવે છે. બહારથી જયારે પણ કોઈ આવે છે તો પહેલા પાણીથી તેમના હાથ-પગ ધોઈ નાખે છે, ત્યારપછી જ અંદર પ્રવેશ કરે છે. તેનાથી ઘરમાં આવનારા સેનિટાઇઝ થઇ જાય છે.

લોકડાઉન: દર વર્ષે 4 મહિના માટે.

લક્ષ્મણગઢના મોટા રઘુનાથ મંદિરના મહંત અશોક દાસ કહે છે કે, ભારતમાં દર વર્ષે એક સમય એવો આવે છે કે જ્યારે હિન્દુ ધર્મની બધી ધાર્મિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. તે પણ એક કે બે દિવસ માટે નહીં પણ 4-4 મહિના માટે. કેટલીકવાર 5 મહિના માટે પણ. આપણે તેને ચાતુર્માસ અને દેવશયની તરીકે ઓળખીએ છીએ. તે દરમિયાન ન તો લગ્નો થાય છે કે, ન તો કોઈ મોટી વિધિ થાય છે. તેનાથી આપમેળે સામાજિક મેળાવડા ઘટી જાય છે.

અપરિગ્રહ : જેટલું જરૂરી છે, તેટલો સંગ્રહ.

જૈન સમાજના વિનોદ શેઠીએ કહ્યું, લોકડાઉન થયા પછી લોકોએ ઘરોમાં અનાજ ભરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોએ એક સાથે 4 મહિનાનું અનાજ પણ ખરીદી લીધું. આ સંગ્રહખોરીની અસર એ થઇ કે બજારમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો થયો. સનાતન પરંપરામાં તેને ખોટું માનવામાં આવે છે અને અપરિગ્રહનો આગ્રહ રાખે છે. એટલે કે, જેટલું જરૂરી હોય તેટલું સંગ્રહ કરો. આજે દેશભરની સરકારો પણ વેપારીઓ અને લોકોને આજ અપીલ કરી રહી છે.

કોરેનટાઈન : ‘માતાજી’ નીકળે ત્યારે અલગ રાખવા.

અગ્રવાલ સમાજના ટ્રસ્ટી સુરેશ અગ્રવાલ કહે છે કે, કોરેનટાઈન ભારતીય પરંપરામાં ખુબ પહેલાથી જ છે. ઘરમાં કોઈને ‘માતાજી’ હોવાના કિસ્સામાં આ વિધિ ભારતીય ઘરોમાં પ્રાચીન કાળથી અપનાવવામાં આવી રહી છે. તેમાં માંદા સભ્યને ઘરના એક અલગ રૂમમાં રાખવામાં આવે છે. એક સંભાળ રાખનાર વ્યક્તિ સિવાય કોઈ ઓરડામાં નથી જતું. 15 દિવસના આ સમયગાળામાં, ઘરોમાં ફક્ત સાદું ભોજન જ બનાવવામાં આવે છે.

માસ્ક : જેથી કોઈને નુકસાન ન થાય.

શ્વેતામ્બર જૈન સમાજના શરદ જૈન કહે છે કે, ભારતમાં લાંબા સમયથી માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૈન સાધુ – સાધ્વીઓ માસ્ક પહેરે છે. જો કે, તેનો હેતુ તે સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરવાનો હોય છે જે મોં અથવા નાક વડે અંદર જતા રહે છે. અને આજે તેનો ઉપયોગ વાયરસથી બચવા માટે કરવામાં આવી રહ્યો છે. બંને કિસ્સાઓમાં માસ્ક એ સલામતીનો ઉપાય છે, અને ભારતમાં તેનો ઉપયોગ નવો નથી. તે લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.