નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

પોતાની મનોકામનાઓ પુરી કરવા માટે જરૂર કરો આ સાત શક્તિપીઠના દર્શન. ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનના ધ્યેય, ભૌતીક સુખ અને આદ્યાત્મિક આનંદની પ્રાપ્તિ માટે અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં માં દુર્ગા શક્તિની ઉપાસના મુખ્ય છે. ભગવતી દુર્ગાની પૂજા વેદિક કાળથી ચાલતી આવી છે. વિભિન્ન યુગોમાં વિવિધ રૂપી ધારણ કરવાવાળી ભગવતી દુર્ગાના અવતરણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ અને રાષ્ટ્રને અવ્યવસ્થિત કરવાવાળી આસુરી શક્તિઓનું દમન કરી લોકોના હ્રદયમાં દયા, ધર્મ, ધીરજ, વિદ્યા, બુદ્ધી, ક્ષમા અને અક્રોધ રૂપી ધર્મનું ધારણ કરાવવાનો છે.

દેવી દુર્ગાના નવ રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધીયાત્રી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, જ્યાં જ્યાં માતા સતીના અંગના ટુકડા, ધારણ કરેલા વસ્ત્ર કે આભૂષણ પડ્યા ત્યાં ત્યાં 51 શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા. તમારામાંથી મોટા ભાગના લોકો માતાના શક્તિપીઠોના દર્શન કરી ચુક્યા હશો, કે પુરાણો વગેરેના માધ્યમથી તેમનાથી પરિચિત હશો. અમુક લોકોએ નવરાત્રીમાં કે તેના પછી અહિયાં દર્શન, અર્ચના કરીને પોતાની માનતા માની હશે. તો આવો જાણીએ તેમાંથી શરુઆતના 7 શક્તિપીઠો વિષે.

(1) કિરીટ શક્તિપીઠ : દેવીપુરાણ મુજબ માતાના પહેલા અને જાગૃત શક્તિપીઠ જેને કિરીટ શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે, તે પશ્ચિમ બંગાળની હુગલી નદીના કાંઠે લાલબાગ કોટમાં આવેલું છે. અહિયાં સતી માતાનો કિરીટ એટલે કે શીરાભૂષણ કે મુગુટ પડ્યો અને તે સ્થળ આજે કિરીટ માતાના શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે. અહિયાંની શક્તિ દેવી વિમલા અથવા ભુવનેશ્વરી અને ભૈરવ સંવર્ત છે.

(2) કાત્યાયની શક્તિપીઠ : વૃંદાવન, મથુરાના ભૂતેશ્વરમાં આવેલું છે કાત્યાયની વૃંદાવન શક્તિપીઠ, જ્યાં સતીનું કેશપાશ પડ્યું હતું. અહિયાંની શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે. અહિયાં દર્શન કરવાથી કુંવારી કન્યાઓને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે.

(3) કરવીર શક્તિપીઠ : આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું છે. અહિયાં માતા સતીનું ‘ત્રિનેત્ર’ પડ્યું હતું. અહિયાંની શક્તિ દેવી મહિષાસુરમર્દીની અને ભૈરવ ક્રોધશીશ છે. અહિયાં મહાલક્ષ્મીનો નિજ નિવાસ માનવામાં આવે છે. કરવીરમાં આવેલા મહાલક્ષ્મીનું આ મંદિર અતિ પ્રાચીન છે, તેની વાસ્તુ રચના શ્રીયંત્ર ઉપર છે. મત્સ્યપુરાણ મુજબ આ શક્તિપીઠના દર્શનથી તમામ પાપ ધોવાઈ જાય છે.

(4) શ્રી પર્વત શક્તિપીઠ : આ શક્તિપીઠ હિંદુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાંથી એક છે. શ્રી પર્વત શક્તિપીઠ જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર માતા દુર્ગાને સમર્પિત છે, અને આ મંદિરનું નામ પ્રાચીન સિદ્ધપીઠમાં આવે છે. અહિયાં દેવી સતીનો દક્ષીણ તલ્પ એટલે કનપટી પડ્યો હતો. આ મંદિરમાં શક્તિને દેવી સુંદરીના રૂપમાં પૂજવામાં આવે છે અને ભૈરવને સુંદરાનંદના રૂપમાં પૂજવામાં આવે છે.

(5) વિશાલાક્ષી શક્તિપીઠ : વિશાલાક્ષી શક્તિપીઠ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરથી થોડા અંતરે પતિત પાવની ગંગાના કાંઠા ઉપર આવેલા મીરઘાટ (મણીકર્ણિકા ઘાટ) ઉપર છે. માન્યતા છે કે, જયારે ભગવાન શિવ વિયોગી થઈને સતીના મૃત શરીરને પોતાના ખંભા ઉપર રાખીને આમ તેમ ફરી રહ્યા હતા, ત્યારે ભગવતીના જમણા કાનની મણી તે સ્થાન ઉપર પડી ગઈ હતી. એટલા માટે તે સ્થળને ‘મણીકર્ણિકા ઘાટ’ પણ કહે છે. અહીંયાની શક્તિ દેવી વિશાલાક્ષી અને ભૈરવ કાળભૈરવ છે.

(6) ગોદાવરી તટ શક્તિપીઠ : પ્રસિદ્ધ ‘ગોદાવરી તટ શક્તિપીઠ’ આંધ્ર પ્રદેશના ‘કુબ્બુર’ માં ગોદાવરી નદીના કાંઠા ઉપર આવેલું છે. આ શક્તિપીઠ પર સતીનો ‘વામગન્ડ’ (ડાબો ગાલ) પડ્યો હતો. આ શક્તિપીઠની શક્તિ દેવી ‘વિશ્વેશ્વરી’ અથવા ‘રુકમણી’ અને શિવ ‘દગ્ડપાણી’ છે.

(7) શુચિન્દ્રમ શક્તિપીઠ : આ શક્તિપીઠ તમીલનાડુમાં કન્યાકુમારીના ‘ત્રીસાગર’ સંગમ સ્થળ ઉપર આવેલું છે. અહિયાં સતીનો ‘ઉર્ધ્તદંત’ પડ્યો હતો. અહિયાંની શક્તિ દેવી ‘નારાયણી’ અને ભૈરવ ‘સંહાર’ કે ‘સંકુર’ છે. માન્યતા છે કે, અહિયાં દેવી અત્યાર સુધી તપસ્યારત છે. શુચિન્દ્રમ ક્ષેત્રને જ્ઞાનવનમ ક્ષેત્ર પણ કહે છે. મહર્ષિ ગૌતમના શાપથી ઇન્દ્રને અહીં જ મુક્તિ મળી હતી, તે શુચિતાને (પવિત્રતા) પ્રાપ્ત થયા હતા, એટલા માટે તેનું નામ શુચિન્દ્રમ પડ્યું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.