શું હતું ગાંધારીની દિવ્ય દ્રષ્ટિનું રહસ્ય, કેમ દુર્યોધનને જોવા માંગતી હતી નિર્વસ્ત્ર, જાણો

પોતાની દિવ્ય દ્રષ્ટિથી કેમ ગાંધારી દુર્યોધનને નિર્વસ્ત્ર જોવા માંગતી હતી, જાણો સંપૂર્ણ કથા

ગાંધારી મહાભારતના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક હતી. તેમણે શિવની કઠોર આરાધના કરી હતી અને તેના લીધે તેમને એક વરદાન મળ્યું હતું કે, પોતાની આંખો પરથી પટ્ટી હટાવીને તે જેને પણ નગ્ન અવસ્થામાં જોશે તો તેનું શરીર વજ્ર સમાન બની જશે. અને ગાંધારીએ પોતાની આંખોની પટ્ટી ખોલીને પોતાના દીકરા દુર્યોધનના શરીરને વજ્ર જેવું બનાવવા ઇચ્છ્યું.

મહાભારત યુદ્ધ કાળમાં ગાંધારી પોતાના પુત્ર દુર્યોધનને કહે છે કે, પુત્ર ગંગામાં જઈને સ્નાન કરી આવ, અને ત્યાંથી સીધો મારી પાસે આવ, પણ એવી રીતે જેવો તું જન્મ સમયે હતો. ત્યારે દુર્યોધન પૂછે છે, નગ્ન માતાશ્રી? તેના પર ગાંધારી કહે છે કે, હાં હું તારી માં છું, અને માં સામે કોઈ પણ પ્રકારની શરમ રાખવી જોઈએ નહિ. પોતાની માતાની આ આજ્ઞાને દુર્યોધન પોતાનું કર્તવ્ય સમજે છે, અને સ્નાન કરીને માં ની સમક્ષ જઈ રહ્યા હોય છે.

gandhari divya srashti
gandhari divya srashti

પણ રસ્તામાં તેમને શ્રીકૃષ્ણ મળે છે, અને તેમને જોઈને શ્રીકૃષ્ણ કહે છે કે તમે આ અવસ્થામાં? તમે પોતાના કપડાં ક્યાં ભૂલી આવ્યા? ત્યારે દુર્યોધન કહે છે કે, માં એ મને આ અવસ્થામાં પોતાની સામે બોલાવ્યો છે. આ વાત પર શ્રીકૃષ્ણ હસવા લાગે છે અને કહે છે કે, માન્યું કે તમે તેમના પુત્ર છો, પણ હવે તમે વયસ્ક થઈ ચુક્યા છો, અને આ અવસ્થામાં કોઈ પુત્ર પોતાની માં સામે નથી જતો. ભરતવંશની તો આ પરંપરા નથી. પછી શ્રીકૃષ્ણ હસવા લાગે છે અને કહે છે કે, જાઓ જાઓ માતાને વધારે રાહ નહિ જોવડાવવી જોઈએ, જાઓ.

શ્રીકૃષ્ણએ જાણીજોઈને તમને મૂંઝવણમાં મૂકી દીધા હતા. ત્યારબાદ દુર્યોધન પોતાના શરીર પર કેળાના પાંદડા બાંધીને ગુપ્તાંગને ઢાંકી દે છે, અને માં પાસે જઈને કહે છે કે, હું સ્નાન કરીને આવી ગયો છું માતા. ગાંધારી કહે છે કે, ઠીક છે હું થોડી ક્ષણ માટે મારી આંખો પરની પટ્ટી ખોલી રહી છું.

તે પોતાની આંખોની પટ્ટી ખોલે છે અને તેમની આંખોનું તેજ દુર્યોધનના શરીર પર પડે છે. તેનાથી તેમનું શરીર વજ્ર જેવું કઠોર થઈ જાય છે, પણ તેમણે ગુપ્તાંગ અને આસપાસના ભાગને કેળાના પાંદડાથી ઢાંક્યું હોય છે, એટલે કમર વાળો ભાગ નબળો રહી જાય છે. જયારે ગાંધારી તેમને આ રીતે આવવાનું કારણ પૂછે છે, તો દુર્યોધન કહે છે કે, હું મારી માં સામે નિર્વસ્ત્ર કઈ રીતે આવી શકું.

gandhari divya srashti
gandhari divya srashti

દુઃખી થઈને તે ફરીથી પોતાની આંખો પર પટ્ટી બાંધી દે છે. તે કહે છે કે મારી દૃષ્ટિ પડવાથી તારું શરીર વજ્ર સમાન કઠોર થઈ ગયું છે, પણ જે ભાગ પર મારી દૃષ્ટિ નથી પડી તે નબળું રહી જશે. જો તું આવું નહિ કરતે તો અજય થઈ જતે. આ સાંભળીને દુર્યોધન કહે છે કે, તો હું કેળાના પાંદડા હટાવી દઉં છું માતાશ્રી. ત્યારે ગાંધારી કહે છે કે, હું કોઈ માયાવી નથી. હું પોતાની શક્તિ, મમતા અને આસ્થાનો ઉપયોગ એકવાર જ કરી શકતી હતી.

પછી દુર્યોધન કહે છે કે, તમે આ વિષયમાં ચિંતા ના કરો, હું કાલે ભીમ સાથે યુદ્ધ કરીશ અને ગદા યુદ્ધના નિયમ અનુસાર કમરની નીચે પ્રહાર કરવો વર્જિત છે. એટલા માટે હું તે યુદ્ધ જીતી જઈશ. અંતમાં ભીમ દુર્યોધનની જાંઘ ઉખાડીને તેનો વધ કરી દે છે.