જગન્નાથ પુરી રથયાત્રાનું રહસ્ય, લોકડાઉન વધ્યું તો તૂટી જશે 280 વર્ષથી જૂની પરંપરા અથવા ભક્તો વિના નીકળશે રથયાત્રા

જો લોકડાઉન લંબાયું તો રથયાત્રાની 280 વર્ષથી જૂની પરંપરા તૂટી શકે છે, અથવા તો ભક્તો વગર જ નીકળશે રથયાત્રા

ભોપાલ લગભગ 280 વર્ષોમાં આ પહેલી વાર હશે, જ્યારે કોરોના વાયરસને કારણે રથયાત્રા અટકાવી શકાય છે. એ પણ સંભવ છે કે રથયાત્રા આ વખતે ભક્તો વિના જ નીકળે. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો સમાપ્ત થયા પછી જ આગળની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે. કેટલાક રાજ્યોમાં લોકડાઉનને બીજા 14 દિવસ સુધી લંબાવામાં આવ્યું છે.

23 જૂને રથયાત્રા નીકળવાની છે. અક્ષય તૃતીયા એટલે કે 26 એપ્રિલથી તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મંદિરની અંદર જ અક્ષય તૃતીયા અને ચંદન યાત્રાની પરંપરાઓ વચ્ચે રથ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મંદિરના અધિકારીઓ અને પૂજારીઓએ ગોવર્ધન મઠના શંકરાચાર્ય જગતગુરુ શ્રી નિશ્ચાનંદ સરસ્વતી સાથે પણ રથયાત્રા માટે બેઠક યોજી છે, પરંતુ તેમાં હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યા નથી.

રાષ્ટ્રીય લોકડાઉનને કારણે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી પૂરી મંદિર બંધ છે. બધી પરંપરાઓ અને વિધિઓ પસંદગી પૂજાપાઠ દ્વારા કરવામાં આવી રહી છે.

ગોવર્ધન મઠ (જગન્નાથ પુરી) ના શંકરાચાર્ય જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીએ મંદિર સાથે સંકળાયેલા લોકોને તમામ પાસાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રથયાત્રા માટે નિર્ણય લેવાની સલાહ આપી છે. મઠનો અભિપ્રાય જ સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવશે. શંકરાચાર્ય જ અહિયાં રથયાત્રાના નિર્ણયને મંજૂરી આપશે.

ત્રણ વિકલ્પો ઉપર વિચાર

1. યાત્રા રદ કરવામાં આવે

જો લોકડાઉન આગળ વધારવામાં આવે છે, તો યાત્રા રદ કરવાનો જ વિકલ્પ હશે. તેને લઈને મંદિર સાથે સંકળાયેલા મુક્તિ મંડળના કેટલાક સભ્યો તૈયાર છે. સભ્યોનું મંતવ્ય છે કે ભગવાન પણ ઈચ્છે છે કે તેમના ભક્તો સુરક્ષિત રહે. આવી સ્થિતિમાં, યાત્રા રદ કરવામાં કોઈ મુશ્કેલી નથી.

2. પુરીની સરહદો સીલ કરી યાત્રા કાઢવામાં આવે

જો પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તો એક વિકલ્પ એ પણ છે કે પુરી જિલ્લાની સરહદો સીલ કરીને પસંદગીના લોકો અને સ્થાનિક ભક્તો સાથે રથયાત્રા કાઢવામાં આવે. તેનું જીવંત પ્રસારણ ચેનલો ઉપર કરવામાં આવે, જેથી બહારના ભક્તો સરળતાથી રથયાત્રા જોઈ શકે. તેની ઉપર સંમત થવાની સંભાવના વધુ છે કારણ કે મઠ તરફથી પણ તે અંગે ગંભીરતાથી વિચારવાનું કહેવામાં આવ્યું છે.

3. મંદિરની અંદર જ થાય યાત્રા

મંદિરની અંદર જ રથયાત્રાની પરંપરાઓ પૂર્ણ થવી જોઈએ. જેમાં મઠ અને મંદિર સાથે સંકળાયેલા લોકો જ જોડાઇ શકે છે. હાલમાં જ અક્ષય તૃતીયા, ચંદન યાત્રા અને ઘણા તહેવારો મંદિરની અંદર જ કરવામાં આવ્યા છે. જો કે, તેની ઉપર મંજૂરી મળવાની સંભાવના સૌથી ઓછી છે.

2504 વર્ષ પહેલાં 144 વર્ષ સુધી પૂજા કરવામાં આવી ન હતી.

મંદિરના રેકોર્ડમાં રહેલા તથ્યો અનુસાર, સૌથી પહેલા 2504 વર્ષ પહેલાં આક્રમણકારોને કારણે 144 વર્ષ સુધી પૂજા અને અન્ય પરંપરાઓ બંધ રહી. ત્યાર પછી આદ્ય શંકરાચાર્યે ફરીથી આ પરંપરાઓ શરૂ કરી હતી. મંદિરને નવું સ્વરૂપ 12 મી સદીનું છે. ત્યારથી આજ સુધી આ પરંપરાઓ સતત ચાલુ છે.

ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર (બલરામ) અને બહેન સુભદ્રા સાથે પુરીમાં બિરાજિત છે. તે ભારતના ચાર મોટા મંદિરોમાંથી એક છે, અહીંયા શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પીઠ ગોવર્ધન મઠ પણ છે.

9 દિવસમાં પાછા ફરે છે ભગવાન જગન્નાથ

ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થાય છે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈને 2 કિમી દૂર સ્થિત ગુન્ડીચા મંદિરમાં સમાપ્ત થાય છે. જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી આરામ કરે છે અને અષાઢ સુદ દશમના દિવસે ફરીથી પાછા ફરવાની યાત્રા થાય છે, જે મુખ્ય મંદિર પહોચે છે. આને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

જગન્નાથ રથયાત્રા : વિશેષ બાબતો

1. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા – ત્રણેના રથ નાળિયેરીના લાકડામાંથી બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે.

2. ભગવાન જગન્નાથના રથનાં ઘણાં નામ છે જેમ કે- ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. રથના ઘોડાઓના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. સારથિનું નામ દારુક છે. રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. તેમાં 16 પૈડાં હોય છે અને ઊંચાઈ સાડા 13 મીટર સુધી હોય છે.

3. બલરામજીના રથનું નામ તલધ્વજ છે. તેમના રથ ઉપર શિવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથી માતલી હોય છે. તે 13.2 મીટર ઊંચું 14 પૈડા હોય છે, જે લાલ, લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાઓથી બનેલો હોય છે.

4. સુભદ્રાના રથનું નામ દેવદલન છે. તેની ઉપર દેવી દુર્ગાનું પ્રતીક કોતરવામાં આવ્યું છે. 12.9 મીટર ઊંચા 12 પૈડાવાળા આ રથમાં લાલ, કાળા કપડાથી સાથે લાકડાના 593 ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

5. ભગવાન જગન્નાથના રથ ઉપર જડિત ઘોડાઓનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો, જ્યારે બલરામજીના રથ ઉપર જડિત ઘોડાઓનો રંગ વાદળી હોય છે.

6. બલારામજીના રથનું શિખર લાલ-પીળો, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ભૂખરા રંગનું, જ્યારે ભગવાન જગન્નાથના રથના શીખરનો રંગ લાલ અને લીલો હોય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.