આ રીતે બનાવશો ઢાબા સ્ટાઇલ પનીર મસાલા, તો આંગળી ચાટતા રહી જશો.

જાણી લો ઢાબા સ્ટાઇલ પનીર મસાલા બનાવવાની રીત, એટલા સ્વાદિષ્ટ બનશે કે લોકો તમારા વખાણ કરતા નહિ થાકે

આજે અમે તમને એકદમ ઢાબા સ્ટાઇલ અને બહાર રેસ્ટોરન્ટમાં મળે તેવું જ પનીર મસાલા ઘરે કેવી રીતે બનાવવુ તે જણાવીશું. ઘરે પનીર મસાલા બનાવવું ખૂબ જ સહેલું છે.

પનીર મસાલા બનાવવા જરૂરી સામગ્રી

૧ ટેસ્પૂન બેસન

૨૫૦ ગ્રામ પનીર ના ટુકડા

મીઠું સ્વાદ મુજબ

૧/૨ ટીસ્પૂન લાલ મરચું

૧/૪ ટીસ્પૂન હળદર

૨-૩ ટેસ્પૂન ઘી

૨ ટેસ્પૂન તેલ

૧ ટીસ્પૂન જીરું

૩-૪ લવિંગ

૧ તજ નો ટુકડો

૨-૩ લાલ સૂકા મરચા

૧/૨ ટીસ્પૂન હિંગ

૨ ઈલાયચી

૧ તમાલ પત્ર

૩ ઝીણા સમારેલા કાંદા (અથવા કાંદાની પેસ્ટ)

૧ ટેસ્પૂન આદુ લસણની પેસ્ટ

૧ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર

૧ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર

૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો

૪ ક્રશ કરેલા ટામેટા

૩-૪ ટેસ્પૂન દહીં

૩-૪ લાંબા કાપેલા લીલા મરચા

૧ ટીસ્પૂન કાશ્મીરી મેથી

થોડી લિલી કોથમીર

પનીર મસાલા બનાવવાની રીત

સ્ટેપ ૧

સૌ પ્રથમ ૧ ટેસ્પૂન બેસન લઈને તેને ઓછાથી મધ્યમ તાપે એક થી બે મિનિટ માટે શેકી લઈશું. ધ્યાન રહે કે બેસનને વધારે શેકવાનું નથી. તેનો કલર બદલાવો જોઈએ નહીં.આ બેસન ગ્રેવીને ઘટ્ટ કરવામાં મદદરૂપ થાય છે. હવે આ બેસનને એક બાઉલમાં માં કાઢી લઈશું.

સ્ટેપ ૨

હવે ૨૫૦ ગ્રામ પનીરના મીડીયમ સાઈઝના ટુકડા કરી લેશું. આ પનીર પર આપણે થોડું મીઠું, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, ૧/૪ ટીસ્પૂન હળદર નાંખો. હવે હાથથી આ મસાલાને પનીર પર સરખા મિક્સ કરી લો.
આ પનીરને ૫-૧૦ મિનિટ માટે એમ જ મૂકી રાખશું.

૫ મિનિટ પછી એક પેન માં આપણે ૧ ટેસ્પૂન ઘી અથવા બટર લઈશું અને તેને મધ્યમ તાપે ગરમ કરી તેમાં પનીરમાં ટૂકડા નાખી તેને ૩-૪ મિનિટ સુધી સાંતળી લેસું. આ પનીરના ટૂકડા પર બધી બાજુ મસાલો લાગી જાય તેવા જ સાંતળો.

(આ સ્ટેપ બિલકુલ વૈકલ્પિક છે. તમે ઇચ્છો તો કોરું મસાલા વગરનું પનીર પણ ઉમેરી શકો છો) નોંધ-પનીર ને સાતળતી વખતે તેમાંથી પાણી છૂટે તો ઘભરાવું નહિ, ઘી માં શેકાઈ ને પનીર સરસ થઈ જશે. પનીરને વધારે ગરમ કરવું નહીં. બાકી પનીર કડક થઇ જશે અને ખાવાની મજા નહિ આવે.

હવે આ પનીરને એમજ ઘી સાથે રાખી મુકો.

સ્ટેપ ૩

એક કડાઈમાં ૨ ટેસ્પૂન તેલ લો,તેની સાથે જ ૨ ટેસ્પૂન ઘી લો. તેલ અને ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ૧ ટીસ્પૂન જીરું નાખો.

જીરું તતળે એટલે તેમાં ૩-૪ લવીંગ, એક નાનો તજનો તૂટકો, ૩-૪ સૂકા લાલ મરચાં, ૧/૨ ટીસ્પૂન હિંગ, ૨ લિલી ફોલેલી ઈલાયચી અને એક તમાલ પત્ર ઉમેરી ૩૦-૪૦ સેકન્ડ માટે સાંતળી લો. મસાલાની સુગંધ આવા લાગે એટલે તેમાં ૩ ઝીણા સમારેલા કાંદા અથવા કાંદાની પેસ્ટ ઉમેરીશું. આ કાંદાને ૪-૫ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કે લાલ ના થઇ જાય ત્યાં સુધી સાંતળો.

કાંદાનો કલર બદલાય પછી તેમાં ૧/૨ ટીસ્પૂન મીઠું નાખો જેથી કાંદાનો કલર ઝડપથી બદલાય. કલર બદલાતો લાગે ત્યારે તેમાં ૧ ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો.

કાંદા બરાબર ચડી જાય એટલે તેમાં ૧ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર, ૧ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો અને સ્ટેપ ૧ વખતે શેકેલું બેસન ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને ધીમા થી મઘ્યમ તાપે બરાબર હલાવીને મિક્સ કરીશું. એક વાતનું ધ્યાન રાખીશું કે હવે ગેસ ધીમા તાપે જ રાખવો. નહિ તો, બધા મસાલા બળી જશે.

આ મસાલાને ધીમા તાપે જેટલુ વધારે ચળવા દેસુ એટલો સરસ સ્વાદ આવશે.

બધા જ મસાલા અને કાંદા બરાબર ચળી જાય એટલે તેમાં ૪ ક્રશ કરેલા ટામેટા ઉમેરીશું.

ટામેટા ઉમેર્યા પછી આ ગ્રેવીને ૩-૪ મિનિટ સુધી મધ્યમ તાપે ચળવા દેશું. જેથી ટામેટા સરખા ચળી જાય અને કાચા ના લાગે.

જ્યારે ગ્રેવી માંથી તેલ છૂટવા લાગે ત્યારે કડાઈને ૫-૭ મિનિટ માટે ઢાંકી દેશું

થોડી વાર પછી જયારે ગ્રેવીનું તેલ અને ઘી એકદમ છૂટું પડી જાય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરશુ જેથી ગ્રેવી વ્યવસ્થિત બને.

પાણી ઉમેર્યા બાદ બરાબર હલાવીને આપણે તેમાં ૩-૪ ટેસ્પૂન દહીં ધીમે ધીમે ઉમરેશું.

નોંધ- દહીંને એક્દમથી ઉમેરવાનું નથી. એક્દમથી દહીં ઉમરવાથી તે ટામેટાના લીધે ફાટી જશે અને સ્વાદ બગડી જશે.

દહીં સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં ૩-૪ લાંબા કાપેલા લીલા મરચા ઉમેરીશું.પછી તેમાં ૧ ટીસ્પૂન કસૂરી મેથી હાથમાં મસળીને ઉમેરીશું. આ કસુરી મેથી ના લીધે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. હવે તમારી પસંદ મુજબ ગ્રેવી કરવા થોડું કે વધારે પાણી ઉમેરો.

સામાન્ય રીતે આ ગ્રેવી ઘટ્ટ હોય છે, તેથી થોડું પાણી ઉમેરવું સારું રહે છે.

પાણી ઉમેર્યા પછી તેમાં સામાન્ય ઉભરો આવા દેશું. ઉભરો આવે પછી તેને ૨-૩ મિનિટ સુધી ધીમા થી મઘ્યમ તાપે ચળવીશું.

એકદમ ઘટ્ટ ગ્રેવી તૈયાર છે. હવે તેમાં મસાલા વાળા કરેલા પનીરના ટુકડા ઘી સાથે ઉમેરીશું અને તેને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લેસું. હવે કડાઈને બંધ કરી ૨-૩ મિનિટ સુધી પનીર અને ગ્રેવીને ચળવા દેશું. છેલ્લે લીલી કોથમીરની પત્તાં ઉમેરી તેને મિક્સ કરી લેશું.

તૈયાર છે એકદમ ઢાબા સ્ટાઇલ પનીર મસાલા.

વિડીયો :