કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

કોરોનાને કારણે બદલાયો રિવાજ, અહીં ઈદ પર બકરો નહિ પણ ‘બકરા કેક’ કાપવામાં આવશે

બકરાની માં ક્યાં સુધી સુરક્ષા કરશે અથવા બકરાનું આવી બન્યું વાળી કહેવતો હવે ભૂતકાળની વાતો છે, કારણ કે પર્વ અને તહેવારોને કોરોના મહામારીએ આ સમયે એ રીતે પોતાની જાળમાં જકડી રાખ્યા છે કે, ફક્ત ઔપચારિકતા નિભાવીને જ રીતિ-રિવાજો પુરા કરવામાં આવી રહ્યા છે. આ વખતે બકરી ઈદ પર પણ કંઈક એવું જ થયું, જયારે લોકો બકરો ખરીદવા બજારમાં જવાની જગ્યાએ બકરાના ફોટા વાળી કેક ખરીદીવા માટે બેકરીમાં જતા દેખાયા.

સામાન્ય રીતે લોકો જન્મદિવસના અવસર પર બર્થડે કેક પર તેનો ફોટો બનાવે છે જેનો જન્મ દિવસ હોય છે, અથવા તેનો ફોટો હોય છે જે બર્થડે બૉય અથવા બર્થડે ગર્લને આકર્ષિત કરતા હોય. પણ વારાણસીમાં લોકો બર્થડે કેક પર બકરાનો ફોટો પસંદ કરી રહ્યા છે, અથવા ઓર્ડર આપીને બનાવડાવી રહ્યા છે.

બેકરી પર બકરા કેકની માંગ વધી :

આ બધું કોરોના સંકટ અને લોકોની અથડામણને કારણે થઇ રહ્યું છે. શહેરના ભૈરવનાથ વિસ્તારની એક બેકરી પર ભેગા થયેલા મુસ્લિમ સમાજના યુવકોમાંથી એક મોહમ્મ્દ મુમતાઝ અંસારીએ જણાવ્યું કે, કોરોના બીમારીથી બહાર નીકળવા માટે પ્રશાસન ઘણી મહેનત કરી રહ્યું છે, એટલા માટે અમે દરેકે વિચાર્યું છે કે, અમે પણ તેમનો સાથ આપીએ. એજ કારણ છે કે, બકરી ઈદના પર્વ પર અમે બકરાના ફોટાવાળી કેક ખરીદીને કેક ઘરે જ કાપીશું.

તેમનું કહેવું છે કે, આ રીત અપનાવીને ધરે રહીને શાંતિ અને સાદગી સાથે બકરી ઈદનો પર્વ ઉજવી શકાય છે. તેમણે આગળ જણાવ્યું કે, કોરોના કાળમાં બકરો ખરીદવો તો સપનું થઈ ગયું છે, આ સમયે સાદું ભોજન જ ખાઈ લેવામાં આવે તો ઘણી મોટી વાત છે. એટલા માટે પરંપરા નિભાવવા માટે કેક ખરીદીને કાપવામાં આવશે.

તેમજ અન્ય ખરીદદાર મોહમ્મદ સોનુએ પણ જણાવ્યું કે, આ વખતે બકરી ઈદ પર કોઈ વિશેષ તૈયારી નથી થઇ શકી. કારણ કે કોરોનાને કારણે તંગી ચાલી રહી છે. એટલા માટે વિચાર કર્યો કે, બકરાના ફોટાવાળી કેક કાપીને બકરીઇદ ઉજવવામાં આવે. અને દરેકને વિનંતી પણ છે કે, દરેક વ્યક્તિ આ રીતે જ બકરી ઈદ ઉજવે. કુરબાની ના આપીને ધરે જ સાદગી સાથે કેક કાપીને બકરી ઈદ ઉજવે.

જ્યાં એકતરફ ખરીદદારો માટે કોરોના કાળ તંગી લઈને આવ્યો છે, તો બીજી તરફ બેકરી વાળાની ચાંદી થઈ ગઈ છે. કારણ કે બકરા ખરીદવાવાળા હવે બેકરી તરફ કેક ખરીદવા જઈ રહ્યા છે.

સતત આવી રહ્યા છે ઓર્ડર :

બેકરી ચલાવનાર પ્રિંસ જણાવે છે કે, આ વખતે બકરી ઈદ પર તેમની દુકાન પર બકરાના ફોટા વાળી કેકના ઘણા ઓર્ડર આવ્યા. તેના સિવાય બકરાના આકારની કેક પણ ડિમાન્ડમાં છે. આ કેક અલગ-અલગ ફ્લેવરમાં 500 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીની છે.

તેમનું કહેવું છે કે, કેકના ઓર્ડર એટલા વધારે છે કે, 10 કિલોગ્રામનું કામ હજી પેન્ડિંગ પણ પડ્યું છે. રોજની સરખામણીમાં બકરી ઈદને કારણે પ્રતિ દિવસ 50 કિલોગ્રામ સુધીનું કામ વધી ગયું છે.

પ્રિંસ જણાવે છે કે, આ વખતે બકરાવાળી કેક એટલા માટે વધારે વેચાઈ રહી છે, કારણ કે એક તો શાસનનો આદેશ પણ છે કે પર્વને સાદગી સાથે ઉજવવામાં આવે, અને બીજું લોકો પાસે પૈસાની પણ ભારે તંગી દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, માર્કેટ નબળું હોવા છતાં તેમને કોરોના કાળમાં દરરોજની સરખામણીમાં 5 ગણા વધારે ઓર્ડર મળ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.