વાસ્તુ અનુસાર એવું હોવું જોઈએ તમારું ઘર, આ રીતે રાખો દિશા અનુસાર વસ્તુઓ

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેની પાસે પોતાનું એક ઘર હોય. તેના માટે લોકો તેમના જીવનભરની કમાણી સુધી લગાવી દે છે. પરંતુ કેટલાક લોકો સાથે એવી સ્થિતિ ઉભી થઇ જાય છે કે, તેમના ઘરનું સપનું સમયસર પૂરું નથી થઇ શકતું. અથવા ઘર બનતા બનતા વેચવું પડી શકે છે. અને જો ઘર બની જાય તો ઘરમાં સુખ શાંતિની કમી રહે છે.

આ પ્રકારની સમસ્યાની પાછળ વાસ્તુદોષ પણ એક મોટુ કારણ માનવામાં આવે છે. તમારી સાથે અથવા તમારા પોતાના સાથે એવું ન થાય, એટલા માટે ઘર બનાવતી વખતે આ વાતોનું ધ્યાન જરૂર રાખો, અને વસ્તુદોષથી ઉભી થતી મુશ્કેલીઓથી બચો.

નિવાસ બે પ્રકારનું હોય છે. પ્રથમ નિવાસ આધ્યાત્મિક દ્રષ્ટિએ શરીર હોય છે, અને બીજું નિવાસ જેમાં કુટુંબ રહે છે એ ઘર હોય છે. તમારા કુટુંબનું ઘર કેવું હોવું જોઈએ? તેમાં શું સુવિધા હોવી જોઈએ, જેનાથી સુખ-સમૃદ્ધિ, શાંતિ વગેરેનો દિવસે-દિવસે વધારો થાય, અને વ્યક્તિનું જીવન આનંદ સાથે પૂર્ણ થઇ જાય. આ બધા પ્રશ્નોના જવાબ તમને અહી મળશે.

વાસ્તુ શાસ્ત્રમાં સામાન્ય રીતે કેટલાક આવા ધ્યાન આપનારા બિંદુઓ છે, જેનું પાલન કરવાથી વાસ્તુ સંબંધિત દોષો દૂર થઇ જાય છે, અને ઘરમાં શાંતિ અને શુદ્ધતા રહે છે. તેથી કઇ દિશામાં શું રાખવું જોઇએ એ જાણવા માટે નીચે જણાવેલા મુદ્દા ઉપર ધ્યાન આપો.

ઘરની મધ્યમાં આંગણું કે ચોક વાળો ભાગ બ્રહ્માનો છે, તેને હંમેશા સાફ રાખવો જોઈએ.

ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે પ્રવેશ દ્વાર ઉપર લક્ષ્મી, કુબેર અથવા ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. ઇશાન ખૂણામાં ક્યારેય કચરો ભેગો ન થવા દો. કારણ કે ઇશાન ખૂણો પવિત્ર સ્થાન છે. અહીં ક્યારેય પણ સાવરણી ન રાખો. તેને હંમેશાં સાફ અને ખાલી રાખવાનો પ્રયાસ કરો. કારણ કે આ દિશાને અશુદ્ધ રાખવાથી માનસિક તણાવ અને શારીરિક દુઃખ રહે છે. ઉત્તર દિશા કુબેરનું સ્થાન છે, એટલે તિજોરી, લોકર, કેશ રકમ વગેરે આ દિશામાં રાખો.

પલંગનો માથાનો ભાગ દક્ષિણ દિશા તરફ અને પલંગ દિવાલને અડાડીને રાખવો. ભારે પેટી, સોફા-સેટ, કબાટ, ભારે ચીજવસ્તુઓનો સ્ટોર રૂમ વગેરે દક્ષિણ-પશ્ચિમમાં દિશામાં રાખો.

ઘરમાં તુલસી, ચંદન વગેરેનાં છોડ લગાવવા જોઈએ. પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ ખૂણા (ઇશાન) માં શ્રેષ્ઠ હોય છે. રસોડામાં ક્યારેય પૂજા સ્થળ ન બનાવો. રસોડામાં ચૂલો દક્ષીણ પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ. તેનાથી આગ લાગવા, ગેસ સિલેંડર ફાટવા જેવી ઘટનાઓ ન બને.

મહેમાનોને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં બેસાડવા જોઈએ. ઘરમાં બોર, બાવળ, લીંબુના ઝાડ ક્યારેય ન લગાવવા, આ અમાન્ય વૃક્ષ છે. ઉત્તર-પૂર્વ દિશાનાં ઓરડાને સ્ટોર રૂમ ક્યારેય ન બનાવો.

દૈનિક ઉપયોગમાં આવતું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ઘરમાં સુશોભન માટેનું કબૂતર, બાજ, સાંપ, ચામા ચીડિયા, ગીધ, ભૂંડ, સિંહ વગેરેના ચિત્ર ન લગાવો. યુદ્ધ, જ્વાળામુખી અને ભૂકંપ વગેરેના ચિત્રો પણ અમાન્ય છે.

મરચાં-મસાલા, લોટ, દાળ અને ચોખા વગેરે દક્ષિણ-પશ્ચિમ દિવાલના આધારે રાખો. બાળકોની ભણવાની ગોઠવણ આ રીતે કરવી જોઈએ કે વાંચતી વખતે તેમનું મોઢું ઉત્તર તરફ રહે. તેનાથી મગજની એકાગ્રતા વધે છે. એ પણ ધ્યાન રાખો કે ટેબલ દીવાલને સ્પર્શે નહીં.

ઘરના મુખ્ય દરવાજાની બન્ને તરફ પાણીમાં દૂધ ભેળવીને નાખો, અને વચ્ચે હળદરથી સ્વસ્તિક બનાવો. તેની ઉપર ગોળનો નાનો ગાંગડો(સૂર્ય) રાખો અને બે-ચાર ટીપા દૂધ (ચંદ્ર) નાખીને પૂજા કરો, એનાથી ઘરના દોષ દૂર થશે. બહારની હવાની અસર નહીં થાય. આમ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે.