કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

જાણો કોણ હતા નલ અને નીલ જેમની મદદ વગર વાનર સેનાનું લંકા પહોંચવું અશક્ય હતું.

રામાયણનો એક પ્રમુખ પ્રસંગ છે, લંકા સુધી પહોંચવા માટે ભગવાન શ્રીરામની વાનર સેના દ્વારા સમુદ્ર પર સેતુનું નિર્માણ કરવું. આ કામને બે વાનર યોદ્ધાઓ નલ અને નીલના માર્ગ નિર્દેશનમાં પૂરું કરવામાં આવ્યું હતું. આજે આપણે તેજ નલ અને નીલ વિષે જાણીશું, કે તે કોણ હતા અને તેમને આ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થઇ.

મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર, નલ અને નીલને ભગવાન વિશ્વકર્માના વાનર પુત્ર માનવામાં આવ્યા છે. પ્રચલિત કથા અનુસાર આ બંનેને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો, અને તે શ્રાપ આગળ જઈને તેમના માટે વરદાન સાબિત થયો.

પ્રચલિત કથાઓમાં કહેવામાં આવ્યું છે કે, નલ અને નીલ જયારે નાના હતા, ત્યારે તે ઋષિ-મુનીઓને ખુબ પરેશાન કરતા હતા અને હંમેશા તેમની વસ્તુઓને સમુદ્રમાં ફેંકી દેતા હતા. આ બાળકોથી પરેશાન ઋષિ-મુનીઓએ કંટાળી જઈને તેમને શ્રાપ આપ્યો કે, તમે જે વસ્તુને પાણીમાં ફેંકશો તે તેમાં ડૂબશે નહિ.

કેવી રીતે બન્યો સેતુ :

ભગવાન શ્રીરામ જયારે પોતાની વાનર સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેમણે સમુદ્રને રસ્તો આપવા માટે પ્રાર્થના કરી, ત્યારે સમુદ્રએ ભગવાન શ્રીરામનું કહેવું સાંભળ્યું નહિ. પછી શ્રીરામે સમુદ્રને સુકવી દેવા માટે ધનુષ બાણ ચડાવી દીધું, અને આ જોઈને સમુદ્ર દેવ ડરી ગયા અને શ્રીરામ રામે પ્રગટ થયા. સમુદ્રએ શ્રીરામને જણાવ્યું કે, તમારી સેનામાં નલ અને નીલ નામના વાનર છે. તે જે વસ્તુને હાથ લગાવે છે તે પાણીમાં ડૂબતી નથી. તમે સમુદ્ર પર સેતુ બનાવવા માટે તે બંનેની મદદ લઇ શકો છો.

ત્યારબાદ નલ અને નીલની મદદથી વાનર સેના સમુદ્ર પર લંકા સુધીનો સેતુ બનાવે છે. તે સેતુની મદદથી શ્રીરામ અને તેમની વાનર સેના લંકા સુધી પહોંચી જાય છે. અને લંકા પર વિજય પ્રાપ્ત કરીને સીતા માતાને લઈને પાછા અયોધ્યા પધારે છે.

જોકે રામાયણ સાથે જોડાયેલી અમુક કથાઓમાં ફક્ત નલનો જ ઉલ્લેખ આવે છે, પણ તુલસીદાસ દ્વારા લખવામાં આવેલ રામચરિત માનસના સુંદરકાંડમાં સેતુ નિર્માણનું વર્ણન છે, જેમાં નળ અને નીલ બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.