શનિ પ્રકોપથી બચવા માટે શા માટે કરવામાં આવે છે મહાબલીની પૂજા, વાંચો આ કથા.

શા માટે શનિના પ્રકોપથી બચવા માટે લોકો કરે છે મહાબલી હનુમાનની પૂજા, આ પૌરાણિક કથા દ્વારા જાણો કારણ. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે અથવા જેમના પર શનિની સાડાસાતી અથવા પ્રકોપ હોય છે, એવા લોકોને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવા તથા શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવા માટે કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્ય શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ શા માટે આપે છે? આ સવાલનો જવાબ આપતા જણાવી દઈએ કે, તેની પાછળ એક રોચક કથા છે. આવો વાંચીએ તે રોચક કથા.

એક સમયની વાત છે. પવનપુત્ર હનુમાનજી પોતાના આરાધ્ય શ્રીરામના કોઈ કામમાં વ્યસ્ત હતા. ત્યારે શનિદેવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના મનમાં હનુમાનને પરેશાન કરવાનો વિચાર આવ્યો. તે બજરંગબલી પાસે પહોંચ્યા અને તેમને પરેશાન કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ તેમને ચેતવ્યા. તે બોલ્યા કે, હું મારા પ્રભુ શ્રીરામનું કામ કરી રહ્યો છું, તેમાં વિઘ્ન ન નાખતા. પણ હનુમાનજીની ચેતવણીની તેમના પર અસર ના થઇ. તે ફરીથી તેમને પરેશાન કરવા લાગ્યા.

ત્યારે હનુમાનજીએ શનિદેવને પોતાની પૂંછડીમાં પકડી લીધા અને કામ કાજમાં વ્યસ્ત થઈ ગયા. શનિદેવે બજરંગબલીની પૂંછડીમાંથી છૂટવા માટે સંપૂર્ણ પ્રયત્ન કર્યા, પણ તેમની પકડમાંથી છૂટવું શક્ય ન હતું. હનુમાનજી કામ કરી રહ્યા હતા અને થોડી થોડી વારે તેમની પૂંછડી આમ-તેમ ડોલી રહી હતી. અને પૂંછડીના હલવાથી શનિદેવને ઘણી જગ્યાઓ પર ઇજા થઈ રહી હતી. આથી તે પીડાથી બૂમો પાડવા લાગ્યા.

બીજી તરફ જયારે હનુમાનજીએ શ્રીરામનું કામ પૂરું કર્યું, ત્યારે તેમને શનિદેવનું સ્મરણ થયું. પછી તેમણે શનિદેવને પોતાની પૂંછડીમાંથી મુક્ત કર્યા. પછી શનિદેવે પોતાની મસ્તી માટે હનુમાનજીની માફી માંગી અને કહ્યું કે, તે ક્યારેય પણ શ્રીરામના અથવા હનુમાનજીના કામમાં વ્યસ્ત લોકોને પરેશાન નહિ કરે.

શનિદેવે હનુમાનજી પાસે પોતાની ઇજા પર લગાવવા માટે સરસવનું તેલ મંગાવ્યું. સરસવનું તેલ લગાવ્યા પછી તેમની પીડા ઓછી થઈ. ત્યારે તેમણે કહ્યું કે, જે કોઈ તેમને સરસવનું તેલ ચડાવશે, તેમને પોતાના કષ્ટોથી મુક્તિ મળશે. ત્યારથી શનિવારના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવાની પરંપરા શરૂ થઇ ગઈ. સાથે જ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવવા લાગી, જેથી શનિદેવના પ્રકોપનો સામનો ના કરવો પડે, અને જે રીતે હનુમાનજીએ શનિદેવની પીડા ઓછી કરી હતી, તે જ પ્રકારે તે પોતાના ભક્તોની પીડા દૂર કરશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.