પતિનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબી ઉંમર મળે અને દરેક કામમાં સફળતા મળે, એટલા માટે ભૂખી રહીને મહિલાઓ કરે છે કેવડા ત્રીજ વ્રત

મહિલાઓના તપનો દિવસ 21 ઓગસ્ટે : જાણો કેવડા ત્રીજનું મહત્વ અને આ વ્રત શા માટે કરવામાં આવે છે.

શુક્રવારે 21 ઓગસ્ટે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ એટલે કે કેવડા ત્રીજ છે. તેને હરિતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે. આ વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય માટે કરે છે. કુંવારી કન્યાઓ સારા વરની કામના સાથે આ વ્રત કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત શર્મા અનુસાર કેવડા ત્રીજ વ્રત પર ગણપતિ, શિવ-પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જાણો આ વ્રત સાથે જોડાયેલી 9 ખાસ વાતો.

1. માન્યતા છે કે સૌથી પહેલા દેવી પાર્વતીએ શિવજીએ પતિના રૂપમાં મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યુ હતું. આ વ્રતથી શિવજી પ્રસન્ન થયા. ત્યારબાદ શિવ-પાર્વતીના લગ્ન થયા.

2. કેવડા ત્રીજ વ્રત કરતી મહિલાઓ આ તિથિ પર તે કથા સાંભળે છે, જે દેવી પાર્વતીના જીવનમાં બની હતી. આ કથામાં પાર્વતીના ત્યાગ, સંયમ, ધૈર્ય અને પતિવ્રતા ધર્મનો મહિમા જણાવવામાં આવ્યો છે. આ કથા સાંભળતા જ મહિલાઓનું મનોબળ ઊંચું થાય છે.

3. દક્ષ કન્યા સતીએ શિવજીના અપમાનથી દુઃખી થઈને પિતાના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગી દીધા હતા. ત્યારબાદ દેવીએ મૈના અને હિમવાનની પુત્રીના રૂપમાં અવતાર લીધો. પાર્વતીએ શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે નિરાહાર રહીને કઠોર તપ કર્યુ હતું. તપથી પ્રસન્ન થઇને શિવજીએ તેમને પત્નીના રૂપમાં સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. ત્યારબાદ હિમવાન અને મૈનાએ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા.

4. જે મહિલાઓ આ વ્રત કરે છે, તે આ દિવસે નિરાહાર રહે છે. અમુક મહિલાઓ આ વ્રત નિર્જળા રહીને કરે છે. વ્રતના બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા-પાઠ કરવામાં આવે છે. પૂજન પછી જ મહિલાઓ અન્ન અને જળ ગ્રહણ કરે છે.

5. આ વ્રતમાં મહિલાઓ કોઈ શિવ મંદિરમાં શિવલિંગની સામે બેસીને ગણેશ, શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. પૂજામાં દેવી મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ.

મંત્ર : ગૌરી મે પ્રીયતાં નિત્યં અધનાશાય મંગલા ।

સૌભાગ્યાયાસ્તુ લલિતા ભવાની સર્વસિદ્ધયે ।।

આ મંત્રનો અર્થ એ છે કે ગૌરી નિત્ય મારા પર પ્રસન્ન રહે, મંગલા મારા પાપોનો નાશ કરે. લલિતા મને સૌભાગ્ય પ્રદાન કરે અને ભવાની મને બધી સિદ્ધિઓ પ્રદાન કરે.

6. માતા પાર્વતી માટે સુહાગનો સામાન જેમ કે લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ વગેરે વસ્તુઓ મંદિરમાં અર્પણ કરવી જોઈએ. કોઈ જરૂરિયાતમંદ સૌભાગ્યવતી મહિલાને આ વસ્તુઓ દાન પણ કરવી જોઈએ.

7. આ દિવસે ઘરમાં પણ ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા કરવી જોઈએ. ઘર મંદિરને ફૂલોથી શણગારો. એક બાજઠ પર કેળાના પાંદડા મૂકીને શિવજી, પાર્વતી અને ગણેશજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. દેવી-દેવતાઓનું આહવાન કરો. વિધિ પ્રમાણે પૂજન કરો. સુહાગનો સમાન દેવી માં ને અપર્ણ કરો.

8. જે મહિલાઓ અસ્વસ્થ છે અથવા ગર્ભવતી છે, તેમણે આ વ્રતના સંબંધમાં સાવચેતી રાખવી જોઈએ. ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખો. ભૂખા રહેવાથી મુશ્કેલી વધી શકે છે. એવી સ્થિતિમાં મહિલાઓ ફળાહાર કરી શકે છે. સાથે જ ડોક્ટરની સલાહનું વિશેષ ધ્યાન રાખો.

9. અત્યારે કોરોના મહામારીને કારણે ઘરેથી બહાર જતા સમયે વિશેષ સાવચેતી રાખો. મંદિરોમાં ભીડ રહેશે, એવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્કનું ધ્યાન રાખો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.