પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

જાણો ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા માતા કુંતીનું શ્રાદ્ધ કર્મની કથા

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું ધૂપ, ધ્યાન, તર્પણ કરતા ઘણી વાર મનમાં એ વાત આવે છે કે, આપણે જે પ્રયત્ન કર્યા, તે બધા યોગ્ય છે કે નથી? ઘણા ઘરોમાં એવું પણ થાય છે કે, પૂર્વજોના અજ્ઞાત મૃત્યુને કારણે તિથિ ભ્રમ થઈ જાય છે. એવામાં નિયમોને અનુરૂપ શ્રાદ્ધ કર્મ કર્યા પછી પણ મનમાં શંકા રહે છે કે, બધું ધર્મ અનુકૂળ થયું કે કોઈ ખામી રહી ગઈ? શું અમારા તર્પણથી પૂર્વજ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હશે?

તો મનની આવી દુવિધામાંથી બહાર નીકળવા માટે આજે આપણે ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મની કથા સાંભળીશું.

આ તે સમયની વાત છે, જયારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. કૌરવોનો મૂળ સહીત નાશ થઈ ચુક્યો હતો, અને પાંડવો પોતાનું રાજ્ય સ્થાપિત કરી ચુક્યા હતા. આ સંપૂર્ણ ઘટનાક્રમમાં પોતાનું બધું ગુમાવી ચૂકેલા મહારાજ ધૃતરાષ્ટ્ર અને મહારાણી ગાંધારી સૌથી વધારે અસહાય સ્થિતિમાં હતા. તેમનું મન પાંડવો પ્રત્યે તીવ્ર ઘૃણાથી ભરાયેલું હતું. યુદ્ધ ઉપરાંત એક વાર ધૃતરાષ્ટ્રએ ભીમને પોતાના આલિંગનમાં લઈને બાહુબળથી દબાવીને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અને હવે બંને જણાએ તેજ પાંડવોની શરણમાં રહેવું પડી રહ્યું હતું.

pitru paksha
pitru paksha puja vidhi

કૌરવ દંપતીના જીવનમાં બાહ્ય રૂપથી તો બધું સામાન્ય હતું, પણ તેમના મન અત્યંત દુઃખી હતા. તેનું કારણ એ હતું કે પાંડુ પુત્ર ભીમ રોજ તેમને મહેણાં મારતા હતા. અન્ય ચાર પાંડવો અને પોતે માતા કુંતી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સંપૂર્ણ માન આપતા અને તેમનું ધ્યાન રાખતા હતા, પણ એકમાત્ર ભીમે જ તેમનું જીવન નરક બનાવી દીધું હતું. આ રીતે 15 વર્ષ પસાર થઈ ચુક્યા હતા. અને પોતાના જીવનથી થાકી ગયેલા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ આ પરિસ્થિતિને અસહનીય જાણીને વનવાસનો નિર્ણય લીધો.

કુંતીએ તેમને રોકવા પ્રયત્ન કર્યો પણ તેઓ માન્યા નહિ, આથી કુંતી પણ વનમાં રહેવા જતા રહ્યા. કુંતીના વનમાં જવાથી પાંચેય પાંડવો ઘણા દુઃખી થયા, પણ તેમણે માતાની આજ્ઞાનું પાલન કર્યું.

ત્રણેયના અજ્ઞાતવાસને ઘણા વર્ષ પસાર થઈ ગયા :

આ તરફ વનમાં ત્રણેયના અજ્ઞાતવાસને ઘણા વર્ષ પસાર થઈ ગયા. પાંડવોને તેમના વિષયમાં કોઈ સમાચાર મળતા ન હતા. માતા કુંતીની આજ્ઞા હતી કે કોઈ પણ તેમને શોધવા નહિ આવે, એટલા માટે તે વચનથી બંધાયેલા હતા. એવામાં એક દિવસ યુધિષ્ઠિર પાસે દેવર્ષિ નારદનું આવવાનું થયું. મહારાજ યુધિષ્ઠિર જાણતા હતા કે, દેવર્ષિને કાળની દરેક ગતિનું જ્ઞાન છે. તેમણે નારદજીને પ્રાર્થના કરી કે તેમને માતા કુંતી વિષે સમાચાર આપે.

દેવર્ષિએ જણાવ્યું કે, વનવાસ કાળમાં ત્રણેય જણા શરીરથી નબળા થઈ ગયા હતા. એવામાં એક દિવસ દાવાનળ ફાટી નીકળ્યો. તે ત્રણેય જાણતા હતા કે, તેઓ પ્રયત્ન કરીને પણ આ ભીષણ આગથી બચી નહિ શકે, એટલા માટે ત્રણેય જણાએ ત્યાં જ અગ્નિમાં પોતાનો પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો, અને સમાધિ લઈ લીધી.

ધર્મરાજ યુધિષ્ઠિરે કર્યું શ્રાદ્ધ :

પોતાની માતા અને વૃદ્ધ દંપતીના આ કરુણ મૃત્યુના સમાચારથી પાંચેય પાંડવ શોકમાં ડૂબી ગયા. ત્યારબાદ યુધિષ્ઠિરે દેવર્ષિને પોતાના આ પિતૃઓની આત્માની શાંતિનો, તેમને તૃપ્ત કરવાનો ઉપાય પૂછ્યો. દેવર્ષિએ તે ત્રણેય જીવનું વિધિ-વિધાન સાથે શ્રાદ્ધ કરવાનું કહ્યું. મહારાજ યુધિષ્ઠિરે નારદજી દ્વારા જણાવેલી વિધિથી ત્રણેય પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અને તેમને તૃપ્ત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા.

આ માહિતી વન ઇન્ડિયા હિન્દી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.