10 વાતો જે કૃષ્ણના જીવનને બનાવે છે મહાન, જિંદગીના સંચાલન માટે સૌથી શ્રેષ્ઠ સૂત્ર.

મેનેજમેન્ટ મંત્ર : જન્મથી લઈને દેહત્યાગ સુધી ભગવાન કૃષ્ણના જીવનની લગભગ દરેક ઘટનામાં કોઈ સૂત્ર છે.

યુદ્ધના મેદાન ઉપર આપવામાં આવેલા ગીતાના ઉપદેશ વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન માનવામાં આવે છે.

મેનેજમેન્ટ માસ્ટર કહો અથવા જગતગુરુ, ગિરધારી કહો કે રણછોડ. ભગવાન શ્રીકૃષ્ણના જેટલા નામ છે, એટલી કથાઓ. જીવન જીવવાની પદ્ધતિને જો કોઈએ વ્યાખ્યાયિત કરી છે, તો તે કૃષ્ણ છે. કર્મ દ્વારા પરમાત્મા તરફ જવાનો માર્ગ જણાવ્યો છે. કર્મનો કોઈ વિકલ્પ નથી, તે સાબિત કર્યું. કૃષ્ણ કહે છે, હું દરેક પરિસ્થિતિમાં આવું છું, જ્યારે પાપ અને જુલમ રૂપી અંધકાર થાય ત્યારે પણ, જયારે પ્રેમ અને ભક્તિનો પ્રકાશ થાય ત્યારે પણ. બંને પરિસ્થિતિમાં મારું આવવું નક્કી છે.

કૃષ્ણનું આખું જીવન જ સંચાલનનું પુસ્તક છે, જે સેંકડો-હજારો વાર સાંભળ્યું અને કહેવામાં આવી ચુક્યું છે. કુરુક્ષેત્રમાં બે સૈન્ય વચ્ચે ઉભા થયેલા ભારે તનાવ સમયે કૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું, તે વિશ્વનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. ગીતાનો જન્મ યુદ્ધના મેદાનમાં બે સેનાઓ વચ્ચે થયો. જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ ખૂબ તાણ અને દબાણમાં જ ઉભી થાય છે.

જો તમે તમારા મનને શાંત અને તમારા મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો છો, તો તમે સૌથી ખરાબ સંજોગોમાં પણ તમારા માટે કંઈક સારું મેળવી શકશો. તે કૃષ્ણને શીખવે છે. ગીતા વાંચતા પહેલા જો એ વાત સમજી લેવામાં આવે તો ગીતા વાંચન સફળ થયું.

કૃષ્ણનું જીવન એવી બાબતોથી ભરેલું છે, જરૂર છે દ્રષ્ટિની. તેમનું જીવન તમારા માટે પૌરાણિક કથાઓનો એક ભાગ પણ હોઈ શકે છે, અને તમારું આખું જીવન બદલલી દે તેવું જ્ઞાન પણ. જરૂરિયાત આપણી છે, આપણે તેમના જીવનમાંથી શું લેવા માંગીએ છીએ? કૃષ્ણ માત્ર વાર્તાઓમાં વાંચવા અથવા સાંભળવા માટેનું પાત્ર નથી, તે ચારિત્ર્ય અને વર્તનમાં ઉતારવામાં આવતા દેવ છે. કૃષ્ણ પાસેથી શીખો કેવી રીતે જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય છે. દસ બાબતો છે, જેને જો વ્યવહારમાં ઉતારી લેવામાં આવે તો સફળતા જરૂર મળશે.

1. શરૂઆતથી અંત સુધી, જીવન સંઘર્ષ જ છે :-

જેલમાં જન્મેલા કૃષ્ણ. જન્મ થતાંની સાથે જ રાત્રે યમુના પાર કરી અને ગોકુલ લઈ જવામાં આવ્યા. ત્રીજા દિવસે પુતના મારવા આવી ગઈ. અહીંયાથી શરુ થયો સંઘર્ષ, દેહ છોડતા દ્વારિકા ડૂબી જતાં સુધી રહ્યા. કૃષ્ણનું જીવન કહે છે, તમે કોઈ પણ હો, સંસારમાં આવ્યા છો, તો સંઘર્ષ હંમેશાં રહેશે. મનુષ્યના જીવનમાં આવીને પરમાત્મા પણ સંસારિક પડકારોથી બચી શકતા નથી.

કૃષ્ણએ ક્યારેય કોઈ વાતની ફરિયાદ કરી નથી. દરેક પરિસ્થિતિને જીવ્યા અને જીત્યા. કૃષ્ણ કહે છે કે પરિસ્થિતિઓથી ભાગશો નહીં, તેની સામે મક્કમતાથી ઉભા રહી જાવ. કારણ કે કર્મ કરવું જ માનવ જીવનનું પહેલું કર્તવ્ય છે. આપણે કર્મોથી જ મુશ્કેલીઓને જીતી શકીએ છીએ.

2. સ્વસ્થ શરીરથી જ વિજય છે :-

કૃષ્ણનું બાળપણ માખણ-સાકર ખાવામાં પસાર થયું. આજે પણ ભોગ ચડાવી છીએ આપણે. પરંતુ આ સંકેત થોડા અલગ છે. આહાર સારો હોય, શુદ્ધ હોય, શક્તિ આપનારો હોય. બાળપણમાં શરીરને સારો આહાર મળશે, તો જ વ્યક્તિ યુવાન થઈને બહાદુર બનશે. શરીરને સ્વસ્થ રાખવું છે, તો નાનપણથી જ ધ્યાન આપવાની જરૂર છે.

આ પેરેટીંગના સમયમાંથી પસાર થતા યુવાનો માટે એક મોટો સંદેશ છે, તમારા બાળકોને એવો ખોરાક આપો, જે તેને શક્તિ આપે. ફક્ત સ્વાદ માટે જ ખવડાવશો નહીં. ત્યારે જ તે મોટા થઈને પોતાને અને સમાજને યોગ્ય દિશામાં લઈ જઈ શકશે.

3. અભ્યાસની બુક ન હોય, સર્જનાત્મક હોય :-

કૃષ્ણએ પોતાનું શિક્ષણ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સાંદિપનિ ઋષિના આશ્રમમાં રહીને પૂર્ણ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે 64 દિવસમાં તેમણે 64 કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. વૈદિક જ્ઞાન ઉપરાંત તેમણે કળાઓ પણ શીખી. શિક્ષણ એવું જ હોવું જોઈએ જે આપણા વ્યક્તિત્વનો રચનાત્મક વિકાસ કરે. સંગીત, નૃત્ય, યુદ્ધ સહિત 64 કળાઓ કૃષ્ણના વ્યક્તિત્વનો ભાગ છે. બાળકોમાં ખાલી જ્ઞાન ન ભરો. તેમની રચનાત્મકતાને નવા પરિમાણો મળે, એવી શિક્ષણ પ્રણાલી હોય.

4. સંબંધોમાં જ જીવન છે, સંબંધો સિવાય કશું જ નથી :-

કૃષ્ણએ જીવનભર ક્યારેય તે લોકોનો છોડ્યા ન હતા, જેને મનથી પોતાના સમજ્યા. અર્જુનને તે યુવાનીમાં મળ્યા, એવું મહાભારત કહે છે, પરંતુ અર્જુન સાથે તેમના સંબંધ હંમેશાં આત્મીય રહ્યા. સુદામા હોય કે ઉદ્ધવ. કૃષ્ણે જેમને પોતાના માની લીધા, તેમનો સાથ જીવનભર નિભાવ્યો. સંબંધો માટે કૃષ્ણે ઘણી લડાઇઓ લડી. અને સંબંધો દ્વારા જ ઘણી લડાઇઓ જીતી. તેમનો સીધો સંદેશ છે, સાંસારીક માનવીનો સૌથી મોટો વારસો સંબંધ જ છે. જો કોઈની પાસે સંબંધ સાથે કોઈ લેવા દેવા નથી, તો તે વ્યક્તિ વિશ્વ માટે નકામાં છે. તેથી, તમારા સંબંધો મનથી જીવો, મગજથી નહિ.

5. સ્ત્રીનું સન્માન સમાજ માટે જરૂરી :-

રાક્ષસ નરકસુરનો આતંક હતો. લગભગ 16,100 મહિલાઓને તેણે પોતાના મહેલમાં કેદ કરી હતી. મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં તેને આનંદ મળતો હતો. કૃષ્ણે તેને મારી નાખ્યો. બધી મહિલાઓને મુક્ત કરાવી. પરંતુ સામાજિક અનિષ્ટિઓ ત્યારે પણ હતી. તે મહિલાઓને અપનાવવા વાળા કોઈ ન હતા. ખુદ તેના પરિવાર વાળાએ તેમને દુષિત માનીને તરછોડી દીધી. આ રીતે કૃષ્ણ આગળ આવ્યા.

તમામ 16,100 મહિલાઓને તેમની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સમાજમાં તેમને આદર સાથે રહેવા માટે સ્થાન અપાવ્યું. કૃષ્ણએ હંમેશાં સ્ત્રીને શક્તિ તરીકે વર્ણવી, તેમના સન્માન માટે હંમેશા તૈયાર રહેતા. સમગ્ર મહાભારત મહિલાના સન્માન માટે લડવામાં આવી હતી. તેથી, જો તમે કૃષ્ણ ભક્ત છો, તો તમારી આજુબાજુની મહિલાઓનું સંપૂર્ણ સન્માન કરો. કૃષ્ણની કૃપા મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે.

6. તમારા મતભેદ આગામી પેઢી માટે અવરોધ ન બને :-

બહુ ઓછા લોકો જાણે છે કે જે દુર્યોધન વિરુદ્ધ કૃષ્ણે જીવનભર પાંડવોને સાથ આપ્યો. તેમના મૃત્યુનું કારણ પણ કૃષ્ણની કુટનીતિ બની, તે દુર્યોધન સંબંધમાં કૃષ્ણના સંબંધી પણ હતો. કૃષ્ણના પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યાં હતા. કારણ કે લક્ષ્મણ સાંભ સાથે લગ્ન કરવા માગતી હતી, પણ દુર્યોધન તેની વિરુદ્ધ હતો. સાંભને કૌરવોએ બંધક પણ બનાવ્યા હતા.

ત્યારે કૃષ્ણે દુર્યોધનને સમજાવ્યું હતું કે આપણા મતભેદો તેની જગ્યાએ છે, પરંતુ આપણા વિચારો આપણા બાળકોના ભવિષ્યમાં અવરોધ ન બનવા જોઈએ. બે પરિવારો વચ્ચેના ઝઘડામાં બાળકોના પ્રેમનો ભોગ ન આપવો જોઈએ. કૃષ્ણે લક્ષ્મણાને સંપૂર્ણ સન્માન સાથે પોતાની સાથે રાખી. દુર્યોધન સાથે તેમના મતભેદ હંમેશા રહ્યા પરંતુ તેમણે તેની અસર ક્યારે પણ લક્ષ્મણા અને સાંબના ગૃહસ્થ ઉપર પડવા ના દીધી.

7. શાંતિનો માર્ગ જ વિકાસનો માર્ગ છે :-

કૃષ્ણએ મહાભારત યુદ્ધ પહેલા શાંતિ સાથે સમાધાન કરવા માટે પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરી હતી. જો કે બંને જ પક્ષ યુદ્ધ લડવા માટે ઉત્સુક હતા, પરંતુ કૃષ્ણ હંમેશા ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે યુદ્ધ ટાળી શકાય. ઝગડાથી ક્યારેય સમસ્યાનું સમાધાન થતું નથી. શાંતિના રસ્તા ઉપર ચાલીને જ આપણે સમાજનો સર્જનાત્મક વિકાસ કરી શકીએ છીએ.

કૃષ્ણે સમાજની શાંતિથી મનની શાંતિ સુધી વિશ્વને સમજાવ્યું કે કોઈ પણ સમસ્યાનું ત્યાં સુધી નિવારણ નહિ થઇ શકે. જ્યાં સુધી ત્યાં શાંતિ ન હોય. પછી ભલે તે સમાજ હોય, અથવા આપણું પોતાનું મન. શાંતિથી જ સુખ મળી શકે છે, સાધનોથી નહીં.

8. હંમેશાં દૂરના પરિણામોનો વિચાર કરો

મહાભારતમાં જુગારની ઘટના બાદ પાંડવોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે આ સમય ભવિષ્યની તૈયારી કરવાનો સમય છે. મહાદેવ શિવ, દેવરાજ ઇન્દ્ર અને દુર્ગાની તપસ્યા કરવાનું કહ્યું. કૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનને કેટલું પણ સમજાવવામાં આવે તે પાંડવોને ક્યારેય પોતાનું રાજ્ય પાછું નહીં આપે. પછી શક્તિ અને સામર્થ્યની જરૂર પડશે.

કર્ણનું કુંડલ કવચ પાંડવોના વિજયમાં બાધા ઉભી કરશે તે પણ જાણતા હતા. તેમણે દરેક વસ્તુ ઉપર લાંબા ગાળાના દૃષ્ટિકોણ રાખ્યા. કોઈ પણ નિર્ણય આવેશમાં ન લેવામાં આવ્યા. દરેક વસ્તુ માટે આવનારી પેઢીઓ સુધી વિચાર્યું. આ વિચાર સમાજનું નિર્માણ કરે છે.

9. દરેક સંજોગોમાં મન શાંત અને મગજ સ્થિર રાખો

પાંડવોના રાજસુય યજ્ઞમાં, શિશુપાલ કૃષ્ણને અપશબ્દો કહેતા રહ્યા. નાનો ભાઈ હતો પણ મર્યાદા તોડી નાખી. આખી સભા આશ્ચર્યચકિત હતી, કેટલાક ગુસ્સે પણ હતા પણ કૃષ્ણ શાંત હતા, હસતાં રહેતા હતા. શાંતિનો દૂત બનીને ગયા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું. કૃષ્ણ શાંત રહ્યા. જો આપણું મન સ્થિર છે, મન શાંત છે તો જ આપણે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકીશું. આવેશમાં હંમેશા અકસ્માત થાય છે, તે કૃષ્ણ શીખવે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્યારેય વિચલિત ન થવાનો ગુણ કૃષ્ણથી સારું કોઈ નથી જાણતા.

10. લીડર બનો, શ્રેય લેવાની સ્પર્ધા ટાળો

કૃષ્ણે સમગ્ર વિશ્વ આખાના રાજાઓને જીત્યા હતા. જ્યાં એવા રાજાઓના રાજ હતા જે ભ્રષ્ટ હતા. જેમ કે જરાસંઘ. પરંતુ ક્યારેય કોઈ રાજાની ગાદી ન છીનવી. કૃષ્ણએ સંપૂર્ણ જીવનમાં ક્યારેય એવું નથી બન્યું કે તેમણે કોઈ રાજાની હત્યા કરી ને તેનું શાસન પોતે લીધું હોય.

જરાસંગને મારીને તેના પુત્રને રાજા બનાવવામાં આવ્યો, જે ચારિત્ર્યથી સારો હતો. બધી જગ્યાએ એવા લોકોને બેસાડ્યા, જે ધર્મને જાણતા હતા. ક્યારેય રાજા બન્યા નહીં, હંમેશા કિંગમેકરની ભૂમિકામાં રહ્યા. મહાભારત યુદ્ધમાં પણ તેમણે પોતે શસ્ત્રો ઉપાડ્યા ન હતા. આખું યુદ્ધ કુટનીતિથી લડ્યું, પાંડવોને સલાહ આપતા રહ્યા પરંતુ જીતવાનું શ્રેય ભીમ અને અર્જુનને આપ્યું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.