શું તમે જાણો છો ક્રિકેટ ઇતિહાસની તે મેચ વિષે જેમાં એક બોલરે 1 ઓવરમાં આપ્યા હતા 77 રન?

37 કે 50 નહિ પણ એક ઓવરમાં બની ચુક્યા છે 77 રન, જાણો 1 ઓવરમાં 77 રનના રેકોર્ડ વિષે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી તમે કોઈ પ્લેયરને 1 ઓવરમાં સૌથી વધારે 36 રન બનાવતા જોયા હશે. હર્ષ ગીબ્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલા 1 ઓવરમાં 6 છક્કા લગાવીને 36 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર પછી યુવરાજ સિંહે પણ 1 ઓવરમાં 6 છક્કા લગાવીને આ રેકોર્ડની બરાબરી કરી હતી. તો રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં 1 ઓવરમાં 37 બનાવ્યા હતા જેમાં નો-બોલનો પણ સમાવેશ થાય છે. પણ શું તમને ખબર છે ક્રિકેટના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર કઈ છે?

ક્રિકેટ પ્રેમીઓને જણાવી દઈએ કે, ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર 36 રનો કે 72 રનોની નહિ પણ 77 રનોની છે. લાગ્યોને ઝટકો? આ વાત સાચી છે. ક્રિકેટ ઇતિહાસમાં 1 ઓવરમાં 77 રન બની ચુક્યા છે.

આ મેચ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં 25 ફેબ્રુઆરી, 1990 ના રોજ રમાઈ હતી. આ એક ફર્સ્ટ ક્લાસ મેચ હતી, જે ન્યુઝીલેન્ડની ડોમેસ્ટીક ટીમો કેંટરબરી અને વેલિંગ્ટન વચ્ચે રમાઈ હતી. આ ઘટનામાં 3 દિવસની આ મેચનો છેલ્લો દિવસ હતો, જયારે બોલરે પોતાની એક ઓવરમાં 77 રન આપી દીધા હતા.

કેપ્ટને બનાવી વિચિત્ર રણનીતિ : વેલિંગ્ટનની ટીમે કેંટરબરીને 59 ઓવરમાં 291 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. તે દરમિયાન કેંટરબરીએ 108 રનોના સ્કોર ઉપર પોતાની 8 મી વિકેટ ગુમાવી દીધી હતી. પણ તેવામાં કેંટરબરીના બેટ્સમેન લી જર્મન (Lee Germon) અને રોજર ફોર્ડ (Roger Ford) ક્રિઝ ઉપર ટકી ગયા અને સ્કોર 196 રન સુધી લઇ ગયા. હવે મેચ ડ્રો તરફ જોવા મળી રહી હતી. તે જોતા વેલિંગ્ટન ટીમના કેપ્ટન રોડ લાથમે પ્લાન બનાવ્યો કે વિપક્ષી ટીમને હવે ખુલીને રન બનાવી દેવામાં આવે, જેથી તે મોટા શોટ રમીને વિકેટ ગુમાવી બેસે.

ઓવરના પહેલા 17 બોલમાં માત્ર 1 બોલ જ યોગ્ય હતો : ત્યાર બાદ કેપ્ટન રોડ લાથમે, બર્ટ વેન્સ (Bert Vance) ને બોલ આપ્યો. વેન્સ પ્લાન મુજબ બોલિંગ માટે તૈયાર હતા, પણ થોડી વાર પછી કેપ્ટન સાહેબનો એ પ્લાન તેમની ઉપર ભારે પડી ગયો. વેન્સે પોતાની આ ઓવરના પહેલા 17 બોલમાંથી માત્ર 1 બોલ જ યોગ્ય નાખી શક્યા, બીજા બધા બોલ વાઈટ બોલ કે નો બોલ હતા. આ બોલ ઉપર ઘણા બધા રન બન્યા.

1 ઓવરમાં કર્યા 77 રન : કેંટરબરીના બેટ્સમેન લી જર્મન અને રોજર ફોર્ડ એ વેન્સના આ શરુઆતના 17 બોલ ઉપર 64 રન બનાવી લીધા હતા. જયારે બાકી રહેલા 5 બોલમાં તે માત્ર 13 રન જ બનાવી શક્યા. આ રીતે આ ઓવરમાં કુલ 77 રન બન્યા. તે દરમિયાન વેન્સે પોતાની આ ઓવરમાં કુલ 22 બોલ ફેંક્યા. આ રીતે કેંટરબરીની ટીમ 196 રન પરથી સીઘી 27 રનના સ્કોર ઉપર પહોંચી ગઈ. ત્યાર પછી કેંટરબરીને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 18 રનની જરૂર હતી.

મેચની છેલ્લી ઓવર ઘણી રસપ્રદ હતી. કેંટરબરીના બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરીને છેલ્લી ઓવરમાં 17 રન બનાવી દીધા અને માત્ર 1 રન પાછળ રહી ગયા. આ રીતે આ ઐતિહાસિક મેચ ડ્રો થઇ. વેન્સે વિરોધી ટીમને જીતવા તો ન દીધી, પણ 1 ઓવરમાં 77 રન કરી લેવાનો રેકોર્ડ જરૂર બનાવી દીધો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.