દૂરદર્શને લોન્ચ કરી ‘ડીડી રેટ્રો’ ચેનલ જેમાં તમે 90 ના દશકના શો જોઈને તેનો આનંદ લઈ શકો છો, એ પણ મફત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના વધતા ભયને જોતા ‘લોકડાઉન 2.0’ ની ઘોષણા કરી છે. તેની સાથે જ લોકડાઉન હવે 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે લોકોએ મે મહિનાની 3 તારીખ સુધી પોતાના ઘરમાં જ રહેવું પડશે.
કેંદ્ર સરકારે લોકોના મનોરંજનનું ધ્યાન રાખીને ‘દૂરદર્શન’ ની ચેનલો પર 90 ના દશકની પ્રખ્યાત સિરિયલો ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શક્તિમાન’ નું ફરીથી પ્રસારણ શરુ કર્યું હતું. અને તેને લોકોનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ દરમિયાન ખાસ વાત એ રહી કે ‘રામાયણ’ ને પહેલાની જેમ જ પ્રેમ મળી રહ્યો છે.
આ દરમિયાન આ પ્રખ્યાત સિરિયલો પ્રત્યે લોકોનો ખુબ પ્રેમ જોઈને દૂરદર્શને એક નવી ચેનલ લોન્ચ કરી છે, જેનું નામ ‘ડીડી રેટ્રો’ છે.
12 એપ્રિલના રોજ ‘ડીડી રેટ્રો’ એ પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે, દૂરદર્શનના યાદગાર શો દ્વારા જૂની યાદોમાં ખોવાઈ જવા માટે જુઓ ‘ડીડી રેટ્રો’.
ડીડી રેટ્રો ચેનલ પર તમે વીતેલા જમાનાની ઘણી પ્રખ્યાત સિરિયલો ફરીથી જોઈ શકશો. આ ચેનલ પર સોમવારથી લઈને શુક્રવાર સુધી ‘મહાભારત’, ‘સંકટમોચન હનુમાન’, ‘શક્તિમાન’, ‘ચાણક્ય’, ‘બ્યોમકેશ બક્શી’, ‘ઉપનિષદ ગંગા’, ‘દેખ ભાઈ દેખ’ અને ‘બુનિયાદ’ વગેરે સિરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
To relive the nostalgia of your favourite memorable serials of Doordarshan, watch @RetroDD pic.twitter.com/7KEz9YYhYc
— DD RETRO (@RetroDD) April 14, 2020
13 એપ્રિલથી ડીડી રેટ્રો ચેનલ પર સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે ‘મહાભારત’ નું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જયારે પ્રખ્યાત સિરિયલ ‘ચાણક્ય’ નું પ્રસારણ સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવી રહ્યું છે. 90 ના દશકની વધુ એક પ્રખ્યાત સિરિયલ ‘ઉપનિષદ ગંગા’ નું પ્રસારણ સોમવારથી શુક્રવાર સવારે 9 વાગ્યે કરવામાં આવી રહ્યું છે.
લોકોની ભારે ડિમાંડ પર ‘રામાયણ’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘જંગલ બુક’ અને ‘સર્કસ’ જેવા પ્રખ્યાત શો પહેલાથી જ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. અને દરેકને લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
હાલના સમયમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, વુટ વગેરે જેવી ઓનલાઈન સર્વિસ જે ફિલ્મો, વેબ સિરીઝ તેમજ અન્ય કન્ટેન્ટ પુરા પાડવામાં મુખ્ય ગણાય છે, તેના પર લોકો એટલું ધ્યાન નથી આપતા જેટલું દૂરદર્શન પર રામાયણ, મહાભારત, શક્તિમાન, જંગલબૂક વગેરે શો જોવા પર આપી રહ્યા છે.
તમે લોકો 90 ના દશકના પ્રખ્યાત શો જોઈને તેનો આનંદ લઈ રહ્યા છો કે નહિ?
આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.