આખા દેશમાં હશે એકસમાન રેશન કાર્ડ, કેંદ્રએ જાહેર કરી નવી ડિઝાઈન

એક દેશ-એક રેશનકાર્ડ પહેલ હેઠળ બનાવેલ નવી ડિઝાઇન, દરેક કાર્ડ પર હશે 10-અંકનો સ્ટાન્ડર્ડ નંબર.

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક નવું સ્ટાન્ડર્ડ ફોર્મેટ એટલે કે એક દેશ-એક રેશનકાર્ડ પહેલ અંતર્ગત રેશનકાર્ડની નવી ડિઝાઇન તૈયાર કરી છે. તેમજ રાજ્ય સરકારને નવા રેશનકાર્ડ આપતી વખતે નવા ફોર્મેટનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આ પહેલ દેશભરમાં રેશનકાર્ડને એકરૂપ બનાવશે.

એક દેશ-એક રેશનકાર્ડ યોજના 1 જૂન, 2020 થી દેશભરમાં લાગુ કરવામાં આવશે

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના વન કન્ટ્રી-વન રેશન કાર્ડ હાલમાં 6 રાજ્યોમાં પાયલોટ ધોરણે ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ યોજનાને 1 જૂન 2020 થી દેશભરમાં લાગુ કરવા માગે છે. આ પહેલ અંતર્ગત, પાત્ર લાભાર્થી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ દેશના કોઈપણ રેશનની દુકાનમાંથી એક જ રેશનકાર્ડથી અનાજની ખરીદી કરી શકે છે.

રાષ્ટ્રીય પોર્ટેબિલીટીના આ લક્ષ્યને પહોંચી વળવા ખાદ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટાન્ડર્ડ બંધારણ અથવા સમાન ડિઝાઇનમાં રેશનકાર્ડ આપવામાં આવે તે જરૂરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે રેશનકાર્ડનું આ સ્ટાન્ડર્ડ બંધારણ તમામ રાજ્યોના રેશનકાર્ડ ફોર્મેન્ટોનો અભ્યાસ કર્યા પછી અને તમામ હોદ્દેદારોની સલાહ લીધા બાદ તૈયાર કરેલ છે.

તમામ રાજ્યોને નવા ફોર્મેટમાં રેશનકાર્ડ આપવાની સલાહ

મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા ફોર્મેટ પ્રમાણે ભવિષ્યમાં તમામ રાજ્ય સરકારોને રેશનકાર્ડ આપવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે અમે કાર્ડધારકની જરૂરી માહિતી રેશનકાર્ડના સ્ટાન્ડર્ડ બંધારણમાં આપી છે. જો કે, રાજ્યો તેમની જરૂરિયાત મુજબ રેશનકાર્ડમાં અન્ય લાભાર્થીઓની માહિતી ઉમેરી શકે છે. રાષ્ટ્રીય સુવાહ્યતા માટે, રાજ્ય સરકારોને બે ભાષાઓમાં રેશનકાર્ડ આપવાનું કહેવામાં આવ્યું છે. તેમાં એક સ્થાનિક ભાષા અને બીજી હિન્દી અથવા અંગ્રેજી ભાષા હોઈ શકે છે.

રાજ્યો 10 અંકનો રેશનકાર્ડ નંબર જાહેર કરશે

રાજ્યોને 10 અંકનો સ્ટાન્ડર્ડ રેશનકાર્ડ નંબર આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં પ્રથમ બે અંકનો રાજ્ય કોડ અને પછીના બે અંકોથી ચાલતા રેશનકાર્ડ નંબર હશે. આ સિવાય, અન્ય બે અંકોમાં રેશનમાં કાર્ડધારકના પરિવારના દરેક સભ્યની અનન્ય ID પ્રદર્શિત કરવામાં આવશે. ખાદ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં ૮૧.35 કરોડના લક્ષ્યાંકની સામે એનએફએસએ હેઠળ 75 કરોડ લાભાર્થીઓને લાભ મળી રહ્યા છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.