કબરમાં દાટેલા માણસના શરીરને ખાય જાય છે આ દુર્લભ પ્રાણી, અહીં મેળવો તેનો પરીચય અને રસપ્રદ માહિતી.

ઘોરખોદિયું (rate or honey badger) :

આપણે વાઘ, સિંહ અને દીપડા વગેરેની માહીતી તો અવાર નવાર મોબાઇલ, છાપા કે ટીવીમાં સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. પણ એક સમયે સીમ, વન વગડામાં જોવા મળતા શીયાળ, વરુ, ઝરખ, ઘોરખોદિયું જેવા પ્રાણીઓ વિષે આજે જવવલેજ કોઈ માહીતી કે કોઈ સમાચાર વાંચીયે છીએ. ખાસ કરીને આવા પ્રાણીઓની વસ્તી કેટલી હશે તેના વિષે કદાચ જ કોઈ સામાન્ય માણસ જાણતા હશે. પણ આજે અમે તમને “ઘોરખોદિયું” નામના પ્રાણી વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ફોટામાં દેખાતું રીંછ જેવું પરંતુ બેઠી દડીનું શરીર ધરાવતું, પૂંછડી બુઠ્ઠી, પગ ટૂંકા તથા આ પ્રાણીના શરીરનો ઉપરનો અડધો ભાગ સફેદ-રાખોડી રંગનો અને નીચેનો અડધો ભાગ કાળો હોય છે. તે ડુંગરાળ, નદી, તટીય જંગલો તથા ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. પરંતુ વિરલ છે.

વજન 10 થી 12 કિલોગ્રામ તથા આયુષ્ય 20 વર્ષનું છે. પૂંછડી સહીત લંબાઈ આશરે 75 સેમી છે. તીક્ષણ નહોરની મદદથી ગમે તેવી જમીનમાં સરળતાથી રહેણાંક બખોલ બનાવી શકે છે.

આ પ્રાણીનો મુખ્ય ખોરાક નાનાં પશુ-પક્ષી, જીવડાં, મધ અને ફળ છે તથા કબર (ઘોર) માં દાટેલા માણસના શરીરને ખોદી કાઢી ખાય છે. આથી તેને ઘોરખોદિયું કહેવામાં આવે છે. આ પ્રાણી નીડર છે અને ક્યારેક સ્વબચાવ માટે માણસ ઉપર પણ હુમલો કરે છે.

તે જોડીમાં રહે છે અને બે બચ્ચાને જન્મ આપે છે. ભારતીય ઘોરખોદિયું શરમાળ અને નિશાચર છે અને દિવસ દરમ્યાન બખોલમાં જ પડી રહે છે. તે વેંઝુ, બરતોડી, ઘુરનાર વગેરે નામથી ઓળખાય છે. (માહિતી સંકલન – રાજેશ બારૈયા ‘વનવાસી’.)

દક્ષિણ ગુજરાતના સ્થાનિક લોકોના કહેવા અનુસાર ત્યાં તે લગભગ નહિવત પ્રમાણમાં જોવા મળે છે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષ દરમ્યાન જોવા મળ્યું એવી કોઈ જાણકારી કે માહીતી નથી.

ઘોરખોદિયું એક સસ્તન પ્રાણી છે. તે ભારતીય ઉપખંડમાં, દક્ષિણ પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. તે એક માંસાહારી પ્રાણી છે. તેનું રહેઠાણ પાનખર જંગલો, ખડકાળ વિસ્તાર અને નદીનાં કોતરોમાં હોય છે.

તેના ક્રૂર સ્વભાવ અને જાડી ત્વચાને કારણે અન્ય પ્રાણીઓ તેનાથી દુર રહે છે. તેમજ અન્ય ક્રૂર પ્રાણી પણ તેના પર ઓછો હુમલો કરે છે. ભારતમાં ઘોરખોદિયું બધી જગ્યાએ જોવા મળે છે. ઉત્તર ભારતની તળાવો અને નદીઓની ધારમાં ૨૫-૩૦ ફૂટ લાંબો ખાડો બનાવીને રહે છે. તે રીંછ જેવું દેખાય છે અને તિક્ષ્ણ નહોર અને મજબુત દાંત હોય છે.

તેના દરેક પગમાં પાંચ મજબુત નખ હોય છે. જે ખાડો ખોદવા માટે કામ આવે છે. તે આગળના પગ દ્વારા ખાડો ખોદે છે અને પાછળના પગ દ્વારા માટી દુર ફેંકે છે. ઘોરખોદિયું આળસુ હોય છે અને ધીમી ગતિથી ચાલે છે. તે સર્વભક્ષી છે. ફળ, મધ, નાના પશુ, પક્ષી જીવડા વગેરે તેનો ખોરાક છે.

આશા રાખીએ છીએ કે, તમને આ માહિતી પસંદ આવી હશે. આને તમારા મિત્રો અને સબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહિ.