UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાયોની પાઠશાળા “અદમ્ય અદિતિ ગુરુકુળ”

બિહારના રહેવાસી ડો. મોતીર રહેમાને ત્રણ વિષયમાં અનુસ્નાતક અને ઇતિહાસમાં પીએચડી કર્યું છે. એના પપ્પા પોલીસ સબ ઇન્સપેક્ટર હતા એટલે રહેમાનને આઇપીએસ ઓફિસર બનવાની ઈચ્છા હતી. અભ્યાસ પૂરો કરીને આઇપીએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી પણ સફળતા ના મળી. રહેમાને બીજી નાની મોટી પરીક્ષાઓ પાસ કરી પણ આઇપીએસ બનવાનું સપનું અધૂરું રહી ગયું.

સપનું પૂરું ના થવાથી હતાશ થવાના બદલે રહેમાને બીજાના સપનાઓને સાકાર કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું. રહેમાને એક સાવ સામાન્ય મકાનમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે કોચિંગ કલાસ શરુ કર્યાં. એકદિવસ એક છોકરો આ કોચિંગ સેન્ટર પર આવ્યો. ખુબ ગરીબ પરિવારના આ છોકરાના પિતા પણ અવસાન પામ્યા હતા. છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હતી પણ કલાસની ફી ભરવા માટે કોઈ રકમ નહોતી. એની માં પારકા ઘરના કામ કરીને માંડ માંડ બે ટંક ખાવાની વ્યવસ્થા કરી શકતી એમાં છોકરાની કલાસની ફી કેમ ભરવી ?

ડો. રહેમાને જોયું કે છોકરો બહુ હોશિયાર છે અને મહેનત કરે તો યુપીએસસી પણ પાસ કરી શકે તેમ છે એટલે એમણે પેલા છોકરાને કહ્યું, “બેટા, હું તને મફતમાં તો નહિ ભણાવું. તારે ભણવું હોય તો ફી તો આપવી પડશે પણ તારા માટે આખા કોર્સની ફી હું માત્ર 11 રૂપિયા લઈશ જેમાં તને વાંચવા માટેનું બધું મટિરિયલ પણ મળી જશે.” છોકરો તો રાજીનો રેડ થઈ ગયો.

ડો.રહેમાને આ છોકરાને દિલથી ભણાવ્યો. પિતાની જેમ પ્રેમ પણ આપ્યો જેના પરિણામ રૂપે આ છોકરાએ દુનિયાની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ વિધવા માતાનો ગરીબ દીકરો અત્યારે ઓરિસ્સામાં કલેકટર છે.

આ ઘટના પછી ડો.રહેમાન અને એની પત્ની અનિતાએ નક્કી કર્યું કે જેને અધિકારી બનવાની ઈચ્છા હોય પણ ભણવા માટેના પૈસા ના હોય એવા વિદ્યાર્થીઓને માત્ર 11 રૂપિયાના ટોકન દરથી ભણાવવા. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોઈ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર જ પ્રવેશ આપવો. “અદમ્ય અદિતિ ગુરુકુળ ” નામની આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 5 આઈએએસ ઓફિસર અને 60 આઇપીએસ ઓફિસર તૈયાર થયા છે આ ઉપરાંત બીજા 3000 જેટલા વિદ્યાર્થીઓ સરકારની નાની-મોટી નોકરીમાં અધિકારી કે કર્મચારી તરીકે જોડાઈ ગયા છે.

આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે હવે તો બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, ઝારખંડ અને મધ્યપ્રદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. ભણવા માટે કેટલી ફી ભરવી એ વિદ્યાર્થીઓએ જાતે જ નક્કી કરવાનું હોય છે. ઓછામાં ઓછી રૂપિયા 11 અને વધુમાં વધુ વિદ્યાર્થીઓની જે ઈચ્છા હોય એટલી ફી ભરી શકે. સંસ્થા ચલાવવા માટે આ સંસ્થામાંથી ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓ પણ આર્થિક મદદ કરતા રહે છે.

ડો. રહેમાનને આજે લોકો ગુરુ રહેમાન તરીકે ઓળખે છે. અનેક બાળકોના અંધારિયા જીવનમાં પ્રકાશ પાથરનાર ડો. રહેમાન જેવી વ્યક્તિઓ જ ભારતની સાચી ઓળખ છે. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કહે છે કે એ માત્ર અમારા શિક્ષક જ નહિ અમારા પિતા પણ છે. પિતાની જેમ સતત પ્રેમ અને પ્રેરણા આપતા રહે છે એટલે અમારા માટે સફળતા સહેલી બની જાય છે.

ફોટામાં વચ્ચે હાથ જોડીને ઉભેલા આ મહાપુરુષને ભગવાને આઇપીએસ ઓફિસર ના બનાવીને એના દ્વારા ઘણા અધિકારીઓ તૈયાર કરાવ્યા. જીવનમાં બનતી ઘટનાઓને હકારાત્મક રીતે લેવી તો નિષ્ફળતા બીજા કોઈ સ્વરૂપે મોટી સફળતા પાછી આવશે.

– Shailesh Sagpariya