આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

એક ખુબજ આળસુ માણસ હતો, તે હંમેશા પોતાનું ભરણ પોષણ કરવાના સહેલા રસ્તા શોધ્યા કરતો. એક દિવસ ખાવાની શોધમાં તે એક ફળોની વાડીમાં પહોંચી ગયો. ઘણા બધા ફળોને જોઈને તેણે ફટાફટ થોડા ફળો ચોરી લેવાનું નક્કી કર્યુ, આથી તેણે આમ તેમ નજર ફેરવી જોઈ લીધું કે તેને કોઈ જોતું તો નથી ને!!.

પછી તો એ આળસુ માણસ ફટાફટ એક ઝાડ પર ચડવા લાગ્યો… ને જેવો ફળ તોડવા ગયો, એવો જ વાડીના માલિકે તેને જોઈ લીધો. અને તેને પકડવા દોડ્યો. પેલો આળસુ તો સાવ ગભરાઈ ગયો અને બાજુના જંગલમાં દોડીને બચવા માટે છુપાઈ ગયો.

થોડા સમય પછી તે જંગલ માંથી બહાર નીકળવા જતો હતો. ત્યાં જ તેને એક દૃશ્ય જોયું. ત્યાં એક શિયાળ હતું. તે શિયાળને ખાલી બે જ પગ હતા છતાં તે ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું. આળસુ માણસે વિચાયું બે જ પગ છે, છતાં શિયાળ કેવી રીતે જીવતું છે? તે કેવી રીતે શિકાર કરતું હશે ને કેવી રીતે જીવતું રહ્યું હશે? આ શિયાળ બીજા હિંસક પ્રાણીઓથી બચવા કેવી રીતે દોડતું હશે?

અચાનક જ તેણે એક સિંહ જોયો તે સિંહના મોઢામાં માસ હતું. અને પછી તેણે જોયું કે તે સિંહ પેલા અપંગ શિયાળ તરફ જઈ રહ્યું છે. બધા જ પ્રાણીઓ સિંહથી બચવા દોડવા લાગ્યા. આળસુ માણસ પણ સિંહ થી બચવા ઝાડ પર ચડી ગયો. માત્ર એક જ પ્રાણી દોડ્યું નહિ. અને તે હતું પેલું અપંગ શિયાળ. પછી તો પેલા માણસે એક અચરજ જોયું. કે સિંહ તેના મોઢામાં જે માસ હતું તે પેલા શિયાળને ખાવા માટે આપી ગયો.

આ જોઈને તો આળસુ માણસ એકદમ રાજીનો રેડ થઈ ગયો. તેણે વિચાર્યું કે ભગવાન જે બધાનો સર્જનહાર છે, તેણે હંમેશા બધા માટે કોઈક પ્લાન તો બનાવીને જ રાખ્યો હોય છે, તેણે વિચાર્યું કે ભગવાને પણ તેના માટે કંઈક વિચારીને જ રાખ્યું હશે.

પછી તે માણસ જંગલ માંથી બહાર નીકળી ગયો અને એક જગ્યાએ જઈને બેસી ગયો કે મને પણ કોઈક સિંહ જેવું આવશે અને ખાવાનું આપી જશે. જેમ જેમ સમય જતો ગયો, તે રસ્તા પર ફાંફા મારવા લાગ્યો કે કોઈક તેના માટે ભોજન લઈને આવે છેલ્લે તે ભૂખથી રહી શક્યો નહિ અને કંટાળી ગયો અને રસ્તા પર નીકળી પડ્યો.

રસ્તામાં તે એક વૃદ્ધ સમજુ માણસને મળ્યો. તેણે બધી જ વાત તે વૃદ્ધને જણાવી. વૃદ્ધે બધી વાત સાંભળી અને તેને પહેલા ભોજન અને પાણી આપ્યું. ભર પેટે જમ્યા પછી આળસુ માણસે વૃદ્ધને પૂછ્યું કે ભગવાને પેલા શિયાળ સાથે કેવું સારું કર્યું અને મારી સાથે કેમ આવું કર્યું. ભગવાન મારી સામે કેમ આટલા ક્રુર છે?

પેલા વૃદ્ધ સમજુ માણસે હસતા હસતા જવાબ આપ્યો. “એ વાત સાચી છે કે ભગવાને બધા માટે કંઈક સારું નક્કી કરી રાખ્યું હોય છે. તારા માટે પણ ભગવાને કંઈક પ્લાન બનાવી રાખ્યો છે. પણ તું ખોટી દિશામાં વિચારી રહ્યો છે. ભગવાન તને સિંહ જેવો બનાવવા માંગે છે.”

બોધ :- ઘણી વખત આપણે ભગવાનના સંકેત ને બરાબર રીતે સમજી શકતા નથી. ભગવાને આપણને બધાને તાકાત અને શક્તિ આપી છે. આપણે હંમેશા હકારાત્મક વિચારવું જોઈએ અને આપણી જાતને એવી મજબૂત માનવી જોઈએ જે બીજાને મદદ કરી શકે. હંમેશા સરળ રસ્તો શોધવા કરતા સાચો રસ્તો શોધો.