સહુ થી નીચે અમદાવાદી જોક્સ ની વિડીયો જોવા મળશે
અમદાવાદી સુરતી ને કાઠીયાવાડી ની આગવી ઓળખ છે જુયો નમુના
સુરતી પાસે તમે બસ્સો રૂપિયા ઉછીના માગો એટલે પહેલાં તો ગાળ જ સાંભળવા મળે. ‘(ગાળ) પૈહા જ કાં ? લાવની કોઈની પાંહે ઓ’ય તો ? મને જ જોઈતા છે !’
પછી તમે કહો કે બસ્સો રૂપિયાની ખરેખર જરૂર છે, ત્યારે એ ખિસ્સા ફંફોળવા લાગશે, ‘જોમ…. ગજવામાં ઓ’ય તો….’ એક ખિસ્સામાંથી ચાર આની નીકળશે. બીજા ખિસ્સામાંથી બબ્બે રૂપિયાની બે ખખડધજ નોટો નીકળશે. તમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હો ત્યાં ત્રીજા ખિસ્સામાંથી પાંચસોની નોટ નીકળશે !
‘ડેહું… ડેહું પૈહા તો ડેહું ! પણ હારા આ તો પાન્સોની નોટ ડેહં ! તને તો બસ્સો જ જોઈતા છે નીં ? ચાલ કંઈ નીં, આ પાન્સોની નોટ જ લઈ જાની !’ એમ કહીને તમારા ખિસ્સામાં પાંચસોની નોટ ખોસી દેશે !
તમે કોઈ એવી ઑફિસમાં કામ કરતા હો જ્યાં મોટે ભાગે કાઠિયાવાડી સ્ટાફ હોય, ત્યાં તમે એકાદ ભાઈ પાસે બસ્સો રૂપિયાની માગણી કરો કે તરત ઉમળકાભર્યો જવાબ મળે : ‘ઓ હો હો ! તમને બસ્સો રૂપિયાની જરૂર પડી ? ના હોય ! પણ ચિંતા નો કરો. તમે માંગો ને મારાથી ના પડાય ? લ્યો એમ કરો, આવતા મહિને પગાર થાય તે દી બસ્સો રૂપિયા પહેલાં તમે લેજો, પછી હું મારો પગાર લઈશ !’ ટૂંકમાં આજે, અત્યારે પૈસા નહીં મળે.
તમે કોઈ બીજા ભાઈને વિનંતી કરો કે તરત જવાબ મળે :
‘આ હમણાં જ ઓલ્યા ગલ્લાવાળાને દઈ દીધા ! બાકી તમને ના પડાય ?’
તમે ત્રીજા, ચોથા, પાંચમા ભાઈ પાસે પૈસા માગો ત્યારે તમને પૈસાને બદલે જવાબની ભરપૂર વેરાઈટી મળી આવે :
‘બસ્સો ? મનુભાઈ તમને તો હજાર રૂપિયા દઈ દઉં, પણ હું કરું આજે પાકીટ જ ઘેર ભુલાઈ ગયું છે !’
‘
આ લે લે લે ! તમે બે મિનિટ મોડા પડ્યા મનુભાઈ, હમણાં જ ઓલા પટાવાળાને લાઈટબિલ ભરવા પૈસા દઈ દીધા !’
‘પૈસા ? આ લ્યો જુઓ મન્નુભાઈ, પૈસાથી આખું પાકીટ ફૂલ સે. પણ આ હંધીય નકલી નોટું સે ! મને કોક ભટકાડી ગ્યું સે ! હવે હું તમને દઉં ને કાંક તમારા પર પોલીસ કેસ થઈ જાય તો ? મારે તો ઑફિસમાં મોઢું બતાડવું ભારે પડે ને ? અ…ટલે…. બાકી તો…’ ટૂંકમાં તમને ખાતરી થઈ જાય કે ભાવના તો બધાયની બહુ સારી છે. પરંતુ તમારાં જ નસીબ વાંકાં હતા, નહીંતર આજે બસ્સો માગતાં બે હજારનો ઢગલો થઈ ગયો હોત !
કોઈ અમદાવાદી દોસ્ત પાસે બસ્સો રૂપિયા ઉછીના માગો કે તરત કહેશે :
‘આપી દઈએ બોસ ! ચલ ચા મંગાય !’
ચા આવે ત્યાં સુધીમાં એ તમને પૂછી લેશે કે પૈસા શેના માટે જોઈએ છે અને તમે ક્યારે પાછા આપશો. તમે કહો કે બે મહિનામાં આપી દેશો, એટલે ચા પીતાં પીતાં એ 18 ટકાના હિસાબે બે મહિનાનું વ્યાજ ગણી કાઢશે. અને પછી જ્યારે તમે ચાના પૈસા ચૂકવી દીધા છે તેની ખાતરી થઈ જાય ત્યારે તમને કહેશે, ‘જો બોસ, 18 ટકાના હિસાબે બસ્સો રૂપિયાનું છ રૂપિયા વ્યાજ થયું. હું વ્યાજ કાપીને આલું એટલે મારે તને આલવાના એકસો ને ચોરાણું. બરાબર ? હવે તું કાલે સાડા નવ પહેલાં ઘેર આઈ જજે. અને આવતાં પહેલાં ફોન કરવાનું ના ભુલાય બોસ !’ ટૂંકમાં અમદાવાદી પાસે બસ્સો ઉધાર લેવા હોય એમાં બે અડધીના ત્રણ, વ્યાજના છ અને ફોનના બે રૂપિયા મૂક્યા પછીયે પૈસા મળે તો મળે, નહીં તો ન પણ મળે બોસ !
બીજો એક જોરદાર વાંચો ત્રણેય નો
તમે સુરતમાં અજાણ્યા હો અને તમારા હાથમાં એડ્રેસની ચિઠ્ઠી હોય. ઠેકાણું તમને જડતું ન હોય અને કોક પાનને ગલ્લે પૂછો તો શું જવાબ મળે ?
‘આફા ઓહે, નીં તો તીફા ઓહે ! નીં મલે તો ટપાલીને પૂછનીં ?’
સૌરાષ્ટ્રના કોક શહેરમાં તમે આ જ ચિઠ્ઠી લઈને ફરતા હો અને કોક પાનને ગલ્લે પૂછ્યું એટલે પત્યું. સૌથી પહેલાં તો તમારા હાથમાંથી ચિઠ્ઠી છીનવાઈ જશે અને પછી ત્યાં ઊભેલા તમામ માણસોના હાથમાં વારાફરતી ફરવા માંડશે.
‘અલ્યા આ જેન્તીલાલ પાંચોટિયા કોણ ? ઓલ્યા મોટી ફાંદવાળા તો નંઈ, ઈની બાયડી ભાગી ગઈ સે ઈ ?’
‘એ ના… હવે ! આ તો ઓલ્યા આંય ખડકીમાં રયે સે. લાંચ લેતાં પકડાઈ ગ્યા તા ઈ !’
ત્યાં તો ત્રીજો તરત ભજિયું મૂકશે : ‘ઈ તો જેન્તીભાઈ જંબુસરવાળા ! આ તો પાંચોટિયા સે, આ ઓલ્યા ઈ તો નંઈ ? ઓલ્યા બોલે સે ત્યારે મોંમાંથી થૂંક ઉડે સે ?’ પછી પાનની પિચકારી મારીને તમને પૂછશે, ‘તમારો જન્તીભાઈ થૂંક ઉડાડે સે ?’ તમે કહો કે : ‘ના ભાઈ, આ તો જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે. એમના વાઈફનું નામ મણિબહેન છે.’
‘જી.આઈ.ડી.સી. ને ?’ એક ભાઈ તરત જોમમાં આવી જશે, ‘અલ્યા મનિયા ! જા તો ઓલ્યા મુકેસભાઈને બોલાવી લાવ તો ?’ પછી તમારી આગળ ફોડ પાડશે : ‘એ ભાઈ જી.આઈ.ડી.સી. આગળ સિંગચણાની લારી લઈને જાતા હોય છે કોક વાર !’
પણ ત્યાં તો મણિબહેનની હિન્ટ પકડીને બીજા ભાઈ ઝુકાવે : ‘મણિબેનને ? હા હોં, આ ઓલી પાછલી સોસાયટીમાં એક મણિબેન રયે સે ! એમને પૂછી જોજો, કદાચ એમના ઘણીનું નામ જેન્તીભાઈ હોય ?’ ટૂંકમાં, દસ જ મિનિટમાં લગભગ અડધા શહેરને ખબર પડી જાય કે તમે કોઈ જેન્તીભાઈ પાંચોટિયાનું ઘર શોધો છો !
કોઈ રસ્તે જતા અમદાવાદીને એડ્રેસ બતાવો પછી વળતા હુમલા માટે તૈયાર રહેવું, કારણ કે અમદાવાદી પહેલા તો એડ્રેસને બરાબર ધ્યાનથી બે વાર વાંચી જશે. પછી અચાનક તમારી તરફ ડોળા કાઢી તમને ખખડાવવા માંડશે.
‘આ કોણે લખી આલ્યું ? આ એડ્રેસ તમને કોણે લખી આલ્યું ?’
‘કેમ ? કેમ ?’
‘ખો….ટું છે બોસ ! આખું એડ્રેસ જ ખોટું છે !
‘હેં હેં ?’
‘આ જુઓ ! આ એરિયા તો અમદાવાદ-9નો છે ! ને બોસ, અહીં તો અમદાવાદ-15 લખ્યું છે ! હવે ના મલેને ? ને એં…. આ જુઓ જિજ્ઞાસા સોસાયટી લખ્યું છે ને ?’
‘હા. જિજ્ઞાસા જ છે.’
‘પણ કઈ ? કઈ જિજ્ઞાસા ? અંઈ તો આગડી તો તંઈણ જિજ્ઞાસા છે બોસ ! એમાંથી કઈ ? બેંકવાળી કે બે માળવાળી ? લો….ચા…. છે ને બોસ ?’
તમે સંપૂણપણે ગૂંચવાઈ જાઓ એટલે પેલો અમદાવાદી તમારા ખભે હાથ થાબડશે, ‘ચિંતા ન કરો બોસ. કાલે તમે મને આ જ ટાઈમે, અંઈ અગાડી જ મલો ! એડ્રેસ મલી જસે !’ એમ કહીને એડ્રેસની ચિઠ્ઠી ખિસ્સામાં મૂકીને ભાઈ ચાલવા માંડશે !
- મન્નુ શેખચલ્લી
નીચે વિડીયો ની નીચે જ લોડીંગ થાશે ને દેખાશે