અમેરિકાની ચિંતા, ચેપ ફેલાયો તો કઈ રીતે લડશે ભારત, જાણો ગુપ્ત એજન્સીઓએ શું કહ્યું

અમેરિકી ગુપ્ત એજન્સીઓએ આ વાતને લઈને ચિંતા જણાવી છે કે, જો ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ભારત તેની સામે કેવી રીતે લડશે. એજન્સીઓએ ભારતની વધારે વસ્તીને મહામારી નિયંત્રણ માટે ગંભીર ચિંતાનો વિષય જણાવ્યો છે. ગુપ્ત એજન્સીઓ આખી દુનિયામાં સંક્રમણના ફેલાવા અને અલગ અલગ દેશો દ્વારા લેવામાં આવેલા પગલાંઓ પર પણ નિરીક્ષણ રાખી રહી છે.

ગુપ્ત મામલા સાથે જોડાયેલી અમેરિકી સંસદના નીચલા સદનની સમિતિને દેશની જાસૂસી એજન્સીઓ પાસેથી કોરોના વાયરસના સંક્રમણ પર એક રિપોર્ટ મળ્યો છે. તેના સિવાય સમિતિને દરરોજના આંકડા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, ગુપ્ત એજન્સીઓ આ મહામારીના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થવ્યવસ્થા સહીત વિભિન્ન દેશો દ્વારા ઉઠાવેલા પગલાંની દેખરેખ રાખી રહી છે.

સ્વાસ્થ્ય એજન્સીઓ આ વિષયમાં તેમની મદદ કરી રહી છે. ગુપ્ત એજન્સીઓના રડાર પર ઈરાન પણ છે, જ્યાં દેશના ઉપસ્વાસ્થ્ય મંત્રી પોતે તેની ઝપેટમાં છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોંપિયોએ પણ મંગળવારે કહ્યું હતું કે, ઈરાન દ્વારા મહામારીના આંકડા સંતાડવામાં આવવાથી અમેરિકા ચિંતિત છે. અમેરિકી સરકાર સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ઈરાન દ્વારા મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાં પ્રભાવી નથી. તેમની પાસે તેની સામે લડવા માટે પર્યાપ્ત સંસાધન નથી.

આ બધા વચ્ચે ભારતે જાપાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના વધતા મામલાને જોતા, બંને દેશોના નાગરિકો માટે વિઝા સેવાઓ એટલે કે વિઝા ઓન અરાઈવલને અસ્થાયી રૂપથી અટકાવી દીધી છે. હાલમાં જ ભારતે જાપાન તટ પર ઉભેલા કોરોના વાયરસથી પ્રભાવિત ક્રુઝ જહાજ ડાયમંડ પ્રિંસેસ પર સવાર 119 નાગરિકો અને 5 વિદેશોને બહાર કાઢ્યા છે. આ લોકોને ચિકિત્સા કેમ્પમાં મૂકીને તેમના સ્વાસ્થ્ય પર ઊંડી નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસથી આખી દુનિયામાં 83,000 થી વધારે લોકો સંક્રમિત મળી આવ્યા છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સંક્રામક બીમારીને કોવિડ-૧૯ (COVID-19) નામ આપ્યું છે. ચીનમાં કોરોના વાયરસના મૃત્યુનો સિલસિલો અટકી નથી રહ્યો. આ જીવલેણ વાયરસથી ચીનમાં બીજા 44 લોકોના મૃત્યુ થઈ ગયા છે, જેની સાથે મરવા વાળાના આંકડા 2,788 પર પહોંચી ગયા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.