ખીણમાં પડ્યું મદનીયું, ફોરેસ્ટ ગાર્ડે ખભા પર ઉપાડીને માં સુધી પહોંચાડ્યું, ફોટો થયો વાયરલ

ફોરેસ્ટ ગાર્ડે ખીણમાં પડેલા મદનીયાને ખભા પર ઉપાડી બહાર કાઢ્યું, સુરક્ષિત રીતે માં સુધી પહોચાડ્યું, જુઓ વાયરલ ફોટો

ઇન્ટરનેટ પર જંગલનો એક ફોટો ઘણો વાયરલ થઈ રહયો છે. આ ફોટામાં દેખાઈ રહ્યું છે કે એક ફોરેસ્ટ ગાર્ડ પોતાના ખભા પર હાથીના બચ્ચાને ઉપાડીને લઇ જઈ રહયો છે. આ ઘટના ડિસેમ્બર 2017 ની છે. પણ આ ફોટો હમણાં વાયરલ થઈ રહ્યો છે. આને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ) ની ઓફિસર દીપિકા બાજપેઈએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે.

હકીકતમાં આ ઘટના ડિસેમ્બર 2017 માં તમિલનાડુના જંગલોમાં બની હતી. તમિલનાડુના જંગલોમાં હાથીનું એક બચ્ચું(મદનીયું) ખીણમાં પડી ગયું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ગાર્ડ પલાનીચામી શરદકુમારે તેને ત્યાંથી પોતાના ખભા પર ઉપાડીને બહાર કાઢ્યું હતું અને તેને બચાવ્યું હતું. આ ઘટનાના 2 વર્ષ પછી આઈએફએસ અધિકારી દીપિકાએ આ ફોટાને શેયર કર્યો છે. ત્યારબાદ ઘણા લોકોએ તે ફોરેસ્ટ ગાર્ડનો આભાર માન્યો.

એનડીટીવીમાં પ્રકાશિત સમાચાર અનુસાર 2017 માં ફોરેસ્ટ ગાર્ડ શરદકુમાર તમિલનાડુના મેટૂપલાયમમાં ફરજ બજાવતા હતા. 12 ડિસેમ્બર, 2017 ના રોજ તેમની ફોરેસ્ટ ટીમને સૂચના મળી હતી કે એક માદા હાથીએ રસ્તો જામ કરી દીધો છે. ત્યારબાદ તેમની ટીમે તરત ત્યાં પહોંચીને ફટાકડાની મદદથી માદા હાથીને ત્યાંથી ભગાડી દીધી હતી. સાથે જ તે વિસ્તારમાં અન્ય હાથીઓની શોધ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન તેમને એક ખીણમાં હાથીનું બચ્ચું ફસાયેલું દેખાયું હતું. આ હાથીના બચ્ચાને ફોરેસ્ટ ગાર્ડે પોતાના ખભા પર ઉપાડીને બચાવ્યું હતું. જોકે તે હાથીનું વજન તેમના કરતા વધારે હતું.

શરદકુમાર અનુસાર, ‘હાથીનું બચ્ચું ખીણમાં ફસાયેલું હતું. તે ઘણું નબળું અને મૂંઝવણમાં હતું. તેની માં પણ આસપાસ ન હતી. પહેલા અમે ચાર લોકોએ તેને ઉપાડીને રસ્તાની બીજી તરફ તેની માં પાસે છોડવાની યોજના બનાવી હતી. પણ વધારે સંખ્યા હોવાને કારણે અમારા પર હુમલો થવાનો ભય હતો.’

ત્યારબાદ શરદકુમારે એકલા જ હાથીના બચ્ચાંને ઉપાડીને રસ્તાની બીજી તરફ પહોંચાડ્યું. શરદકુમારે બચ્ચાને ખભા પર ઉપાડીને લગભગ 50 મીટરની સફર પુરી કરી હતી. તેનું વજન 100 કિલોગ્રામથી વધારે હતું. તેમની મદદ પછી તે પોતાની માં ને મળી શક્યું હતું.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.