મોટા પડદા પર ફરી દેખાશે દેઓલ પરિવારનો જાદુ, ધર્મેન્દ્રએ કરી સિક્વલ ‘અપને 2’ ની જાહેરાત.

પોતાના આખા પરિવાર સાથે ‘અપને 2’ ફિલ્મ લઈને આવશે ધર્મેન્દ્ર, કરણ દેઓલ દેખાડશે જલવો. દેઓલ પરિવારે ફેમિલી ડ્રામા ફિલ્મ ‘અપને’ ની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ એક ટ્વીટ દ્વારા તેની જાણકારી આપી હતી. ધર્મેન્દ્રએ ટ્વીટ કરી જાણકારી આપી કે, દરેક શુભચિંતકોના આશીર્વાદથી તેઓ દર્શકો માટે ‘અપને 2 ‘ લઈને આવી રહ્યાં છે. તેમણે ટ્વીટમાં કહ્યું – તેમની કૃપાથી… તમારી શુભેચ્છાઓથી અમે ‘અપને 2’ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ ટ્વીટ સાથે ધર્મેન્દ્રએ એક કલીપ પણ શેયર કરી છે. તે કલીપ ફિલ્મ ‘અપને’ ના એક ગીતની છે. અપને ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને તેમના દીકરા સની દેઓલ અને બોબી દેઓલ લીડ રોલમાં હતા. તે સિવાય ફિમેલ લીડ રોલમાં શિલ્પા શેટ્ટી, કેટરીના કેફ અને કિરણ ખેર હતા. ફિલ્મ અને તેના ગીત સુપરહિટ હતા.

આવી હતી ફિલ્મની સ્ટોરી : ફિલ્મની સ્ટોરી એક એવા પિતાની સ્ટોરી હતી જે ઇચ્છતા હતા કે તેમના દીકરા બોક્સિંગ ચેમ્પિયન બને. એક સપનું જે પૂરું થઈ શકતું ન હતું. તેમનો નાનો દીકરો બોક્સિંગ રિંગમાં ઘાયલ થઈ જાય છે અને મોટો દીકરો પોતાના પિતાના સપનાને પુરા કરવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મ સંપૂર્ણ રીતે એક ફેમિલી ડ્રામા હતી. તેની સાથે જ ફિલ્મમાં દેશભક્તિની ભાવના પણ દેખાડવામાં આવી છે.

વિદેશોમાં પણ કરી હતી સારી કમાણી : ‘અપને’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. એટલું જ નહિ આ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી કરી હતી. દેઓલ પરિવારની આ ફિલ્મ હિટ થયા પછી ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલે ‘યમલા પગલા દીવાના’ સિરીઝમાં સાથે કામ કર્યું. કોમેડીથી ભરપૂર આ સિરીઝની પહેલી ફિલ્મ સુપરહિટ થઈ હતી, પણ બીજી ફિલ્મને સારો પ્રતિભાવ મળ્યો ન હતો. હવે જોવાનું એ છે કે અપને 2 ને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે. તે પહેલી ફિલ્મની જેમ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહેશે કે પછી ધોવાઈ જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.