એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે

આંત્રપુચ્છ એટલે કે એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે. દુખાવો અસહનીય હોય છે. તાવ પણ ચડી જાય છે, નાડી મંદ પડી જાય છે. ગભરામણ થાય છે.

આ રોગના પ્રારંભે એરંડીયુ આપવું. ભુલેચુકે દુખાવા ઉપર માલીશ કરવું નહીં. શેક કરવો નહીં. તરસ લાગે તો કાચા નાળીયેર (ત્રોફાનું) પાણી ગ્લુકોઝ નાખીને આપવું. થોડી હીંગ નાખેલ પાણીની બસ્તી-એનીમા અપાય તો ઉદરપીડા દુર થાય છે અને આ રોગમાં વેદના શમનાર્થે ખુરાસાની અજમાની ફાકી પા ચમચી આપવી.

(૧) એપેન્ડીક્સનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલીક ઑપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્સના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દીવસ સુધી નીરાહાર રહેવું. ચોથા દીવસે મગનું પાણી અડધી વાડકી, પાંચમા દીવસે એક વાડકી, છઠ્ઠા દીવસે પણ એક વાડકી અને સાતમા દીવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમા દીવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દીવસથી શાક-રોટલી ખાવી શરુ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્સ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહીં.

(૨) દરરોજ ત્રણ મીનીટ પાદપશ્ચીમોત્તાસન કરવાથી પણ થોડા જ દીવસોમાં એપેન્ડીસાઈટીસ મટી જાય છે.

(૩) જમવા પહેલાં આદુ, લીંબુ અને સીંધવ ખાવાથી આંત્રપુચ્છ પ્રવાહમાં લાભ થાય છે.

(૪) જો શરુઆત જ હોય તો દીવેલ આપવાથી અને ચાર-પાંચ દીવસ માત્ર પ્રવાહી ચીજ અથવા બની શકે તો ઉપવાસ કરવાથી સોજો ઉતરી જાય છે અને ઓપરેશનની જરુર રહેતી નથી.

(૫) ઓપરેશનની ખાસ ઉતાવળ ન હોય તો દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દીવેલ ચાટતા રહેવાથી અને ઉપરથી થોડું પાણી પીવાથી સારું થવાની શક્યતા રહે છે. ઉપાય દરરોજ નીયમીત કરવો જોઈએ.

– ગાંડા ભાઈ વલ્લભ

એક વીનંતી

અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય.

પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે. એટલે કે પોતાના આહાર-વીહારમાં કયા પરીવર્તનને લીધે મુશ્કેલી આવી છે તેનું નીરીક્ષણ કરવું જોઈએ.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પ્રત્યક્ષ પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. એક પ્રકારના શૈક્ષણીક હેતુસર આ રજુઆત કરવામાં આવી છે, પોતાની મેળે જ બધા ઉપચારો કરવાના આશયથી નહીં.

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય નહીં.