ઘરમાં ફળો જેટલાં વધારે વપરાશે તેટલી વિટામિનની ગોળીઓ ઓછી લાવવી પડશે, વિસ્તારથી સમજો આ વાત.

આપણો સમાજ, રુગ્ણતાનો ચાહક

આ સાથે મુકેલા ચિત્રમાં આપને શું દેખાઈ રહ્યું છે? કદાચ આજકાલનાં બાળકોને તો ખ્યાલ જ નહીં આવે કે આ શું છે. પરંતુ મોટી ઉંમરના લોકો સમજી શકશે કે આ લીલા શેતૂર છે. જેના વૃક્ષ ઉપર રેશમ બને છે વગેરે વગેરે. પરંતુ આ ચિત્ર શા માટે મૂકવામાં આવ્યું છે. એની વાત અત્યારે માંડવી છે.

ઉનાળાના ધોમધખતા તાપમાં એક માણસ રોડની બાજુમાં લારી લઈને ઊભો રહ્યો હતો. ત્યારે એની લારીમાં લગભગ બે ત્રણ કિલો લીલા શેતુર હતા. જેની વચ્ચે એક નાનકડો બરફનો ટુકડો મુકેલો હતો. જેની મદદથી શેતુર ઠંડા રહી શકે. આ માણસ ઘણે દૂરથી ખૂબ જ મહેનત અને રખડપટ્ટી કરીને આ ફળ વીણી લાવ્યો હતો. અને શહેરમાં કોઈ લેશે એ આશાએ તડકામાં ઉભેલો હતો. એટલે સ્વભાવિક મને ઈચ્છા થઇ કે આ એક નવું ફળ પણ છે. એટલે લઇ લઇએ. બીજું કે શેતુર રોજ મળતા નથી. એટલે જ્યારે મળે ત્યારે એને ખાઈ લેવામાં મજા છે. એવી ભાવનાથી મેં શેતુર લીધા.

પરંતુ સાથે સાથે મને વિચાર આવ્યો કે થોડા શેતુર લઇને ઉભેલો આ માણસ સવારથી સાંજ સુધી ઉભો રહેશે ત્યારે માંડ તેના શેતુર વેચાશે. આજુબાજુથી હજારો લોકો પસાર થઇ રહ્યા છે પરંતુ ઝડપથી કેમ વેચાતા નથી. એનું કારણ શું છે? કારણ કે આપણે શેતુર વેચવાવાળા માણસ કરતા દવા વેચવાવાળા માણસને વધારે મહત્વ આપીએ છીએ.

જરા વિચારવું જોઈએ કે ફળો વેચવા વાળા માણસો તડકામાં ઊભા રહીને ફળો નથી વેચતા. સીધેસીધુ આરોગ્ય વેચે છે. જો તમે વારંવાર ફળો ખાશો તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. આ વાત કોણ સમજતું નથી. છતાં પણ ફળોની લારીવાળા બીચારા બાપડા થઈને તડકામાં ઊભાં હોય છે. ફાટેલા કપડામાં ઉભેલા હોય છે. તમે કદી દવાવાળાને તડકામાં ઊભા રહીને દવા વેચતા જોયા? ના, કારણકે આપણો સમાજ રુગ્ણતાનો ચાહક છે.

સારાંશ એ છે કે આપણે બિસ્કીટો, ચોકલેટો કે પાઉંને અગ્રિમતા આપવાના બદલે ફળોને અગ્રીમતા આપવાનું ઓછું જાણીએ છીએ. આપણા ઘરના દિવાન ખંડમાં કે રસોડામાં હંમેશા એક ટોપલી ફળોથી ભરેલી હોવી જોઈએ. આ ફળો ખાવા માટે કોઈ જાતનો રોકટોક ન હોવી જોઈએ. બાળકો ઘરમાં હરતાં ફરતાં ફળો ખાઈ શકે એવું વાતાવરણ હોવું જોઈએ. ફળો એટલે સીધો આરોગ્યનો પર્યાય.

ઘરમાં ફળો જેટલાં વધારે વપરાશે તેટલી વિટામિનની ગોળીઓ ઓછી લાવવી પડશે એ વાત નિશ્ચિત છે. આપણે ફળોનો મહિમા વધારવો જોઈએ અને નાના બાળકો ફળો વધુમાં વધુ ખાય તેવી કોશિશ કરવી જોઈએ. (પછી કિન્ડર જોય પણ ભૂલાઈ જશે,મેગી પણ) રસ્તા ઉપર ઉભેલા ફળવાળા જ્યાં સુધી બિચારા બાપડા થઈને ફળો વેચશે ત્યાં સુધી ડૉક્ટરોના દવાખાના ભરેલા જ રહેવાના છે. એ વાત યાદ રાખવી.

HOMEWORK : ફળો વિશેનો તમારો અભિગમ કૉમેન્ટ બોકસમાં લખો.

– કર્દમ ર. મોદી, આચાર્ય, પીપી પટેલ હાઈસ્કૂલ, ચાણસ્મા. M.Sc, M.Ed.