એક સમયે ઉઘાડા પગે જતી હતી સ્કૂલ, આજે અમેરિકામાં છે પોતાની કંપની, આ રીતે ચમક્યું નસીબ

અમેરિકામાં કંપની ચલાવનારી આ ભારતીય મહિલા એક સમયે ઉઘાડા પગે સ્કૂલ જતી હતી, જાણો તેમની સફળતાની સ્ટોરી

કહેવામાં આવે છે ને કે નસીબમાં જે લખ્યું હોય છે તે જરૂર મળે છે અને એવું જ કાંઈક જ્યોતિ રેડ્ડી નામની મહિલા સાથે થયું છે. જ્યોતિ રેડ્ડીનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ આજે તે અમેરિકામાં પોતાનો ધંધો કરી રહી છે અને ભવ્ય જીવન જીવી રહી છે.

જ્યોતિ રેડ્ડીએ તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. જ્યારે તે નવ વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેને અને તેની નાની બહેનને અનાથાશ્રમમાં મોકલી દીધી હતી. જ્યોતિ રેડ્ડીનો પરિવાર ઘણો મોટો હતો. જેના કારણે તેના પિતાએ આ પગલું ભર્યું હતું.

જ્યોતિનો જન્મ આંધ્રપ્રદેશના વારંગલ જિલ્લાના ગુડેમ ગામમાં થયો હતો અને તેના પરિવારમાં કુલ પાંચ ભાઈ-બહેન હતા. તેના પિતા એક નાના ખેડૂત હતા અને ખેતી કરીને જ તેમના પરિવારનો ઉછેર કરતા હતા. જ્યોતિ રેડ્ડી અને તેની બહેનને પેટ ભરીને ખાવાનું મળી શકે તેના માટે તેના પિતા વેંકટ રેડ્ડીએ તેમને અનાથાશ્રમમાં મોકલી દીધી.

પરંતુ જ્યાતિ રેડ્ડી તેની બહેન સાથે અનાથાશ્રમમાં ન રહી શકી અને પોતાના ઘરે પરત આવી ગઈ. જ્યોતિ રેડ્ડીના જણાવ્યા અનુસાર, તેને દરેક સમયે તેમના પિતા અને માતાની યાદ આવતી હતી. જેના કારણે તે પાછી તેના ઘરે આવી ગઈ.

ઘરે આવ્યા પછી, જ્યોતિ રેડ્ડીએ તેના અભ્યાસ ઉપર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. જ્યોતિ રેડ્ડીના જણાવ્યા અનુસાર, તે ઉઘાડા પગે ચાલીને શાળાએ જતી હતી અને તેની શાળા અઢી કિલોમીટર દૂર હતી. સ્કૂલમાં જ્યોતિ હંમેશાં પાછળની સીટ ઉપર બેસતી કારણ કે તેના કપડા ગંદા હોતા હતા.

પિતાને ઘર ચલાવવામાં મદદ થઇ શકે તેના માટે જ્યોતિ રેડ્ડીએ તેમના અભ્યાસ સાથે સાથે વ્યાવસાયિક તાલીમ પણ લીધી હતી. જેથી તે કપડા સીવીને પૈસા કમાઈ શકે. આટલું જ નહીં, તે પૈસા કમાવવા માટે અનાથાશ્રમના અધીક્ષકના ઘરે કામ પણ કરવા જતી હતી.

આ રીતે ચૂકવી ફી

જ્યોતિ રેડ્ડીના જણાવ્યા મુજબ, તેણીએ પોતાની ફી ભરવા માટે સુપરિન્ટેન્ડન્ટ પાસેથી 110 રૂપિયા ઉછીતા લીધા હતા અને આંધ્રા ગર્લ કોલેજમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયોમાં પ્રવેશ લીધો હતો. સ્નાતક કર્યા પછી જ્યોતિ રેડ્ડીને સરકારી શાળામાં નોકરી મળી ગઈ અને આ કામ માટે જ્યોતિને 400 રૂપિયા મળતા હતા.

તે દરમિયાન જ્યોતિ રેડ્ડીના પિતાએ તેના લગ્ન કરાવી દીધા. જે સમયે જ્યોતિ રેડ્ડીના લગ્ન થયા હતા તે સમયે તેની ઉંમર 16 વર્ષની હતી. લગ્નના ત્રણ વર્ષ પછી જ જ્યોતિ રેડ્ડીએ બે પુત્રીઓ બીના અને બિંદુને જન્મ આપ્યો.

બાળકોનો સારી રીતે ઉછેર થઇ શકે તેના માટે જ્યોતિ રેડ્ડી સ્કૂલમાં બાળકોને ભણાવવા ઉપરાંત પેટીકોટ પણ સીવતી રહેતી હતી. અને તે દરમિયાન જ્યોતિ રેડ્ડીને જન શિક્ષા નિલયમ વારંગલ ખાતે ગ્રંથપાલની નોકરી મળી ગઈ. નોકરી કરવા સાથે જ જ્યોતિ રેડ્ડીને ડૉ. ભીમ રાવ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બી.એ.નો અભ્યાસ પણ કર્યો અને બી.એ કર્યા બાદ જ્યોતિ રેડ્ડીએ 1997 માં કાકાતિયા યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પણ કરી અને કમ્પ્યુટર સાયન્સમાં પી.જી. ડિપ્લોમા પણ કર્યું.

વર્ષ 2000 માં બદલાઈ ગયું ભાગ્ય

જ્યોતિ રેડ્ડીનું નસીબ વર્ષ 2000 માં સંપૂર્ણપણે બદલાઈ ગયું. જ્યારે તેને અમેરિકા તરફથી નોકરીની ઓફર મળી. નોકરી કરવા માટે જ્યોતિ રેડ્ડીએ તેના પરિવારને છોડવું પડ્યું હતું અને જ્યોતિ રેડ્ડીએ તેની બંને પુત્રીને હોસ્ટેલમાં મોકલી દીધી. અમેરિકા જઇને જ્યોતિ રેડ્ડીએ ગેસ સ્ટેશનમાં નોકરી કરી અને બેબી સિટીંગ, વીડિયો શોપમાં પણ કામ કર્યું. દોઢ વર્ષ યુ.એસ.માં કામ કર્યા પછી જ્યોતિ રેડ્ડી ભારત આવી ગઈ.

ભારત આવ્યા પછી જ્યોતિ રેડ્ડી ફરીથી અમેરિકા ગઈ અને અમેરિકામાં જઈને પોતાની કંપની શરૂ કરી. જ્યોતિ રેડ્ડીએ વિઝા પ્રક્રિયા માટે કન્સલ્ટિંગ કંપની શરૂ કરી અને કંપનીને સોફ્ટવેર સોલ્યુશન નામ આપ્યું. ત્રણ વર્ષમાં જ જ્યોતિની કંપની સારી રીતે ચાલવા લાગી. જ્યોતિની આ કંપનીમાં આજે 100 થી વધુ લોકો કામ કરે છે અને આ કંપનીનું ટર્નઓવર 1.5 કરોડ ડોલરથી વધુ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.