ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

મોટા નુકશાનથી બચવું હોય તો હંમેશા ATM માંથી પૈસા ઊપડતાં સમયે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, જાણો કઈ રીતે

બેંકના ફ્રોડથી બચવા માટેની ટિપ્સ : કાર્ડધારકે તેનો પિન દાખલ કરતી વખતે કેમેરાની નજરથી બચવું જોઈએ અથવા કીપેડને બીજા હાથથી ઢાંકી દેવું જોઈએ.

નવી દિલ્હી, પવન જાયસવાલ. તાજેતરમાં જ ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં આવેલી જાણીતી બેંકના એટીએમમાં કાર્ડ ક્લોનિંગની ઘટના સામે આવી છે. થયું એવું કે એક ડોક્ટર પૈસા ઉપાડવા માટે બેંકના એટીએમ ઉપર ગયા હતા. જ્યારે સમગ્ર ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા સફળતાપૂર્વક થયા પછી પણ એટીએમ મશીનમાંથી પૈસા ન નીકળ્યા, ત્યારે ડોક્ટરને શંકા ગઈ અને તેણે મશીનને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે પિન નંબર લખવાની જગ્યા ઉપર ટેપથી એક પ્લેટ ચોટાડી હતી. પ્લેટ કાઢ્યા બાદ ખબર પડી કે તેમાં કેમેરો, એક SD કાર્ડ અને બેટરી લાગેલી હતી.

ચાલાક ચોર આવા ઉપકરણ દ્વારા ગ્રાહકોના એટીએમ કાર્ડનું ક્લોન કરી લે છે અને પછી તેમનું એકાઉન્ટ ખાલી કરી દે છે. આવી છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સાયબર નિષ્ણાત પ્રિયા સાંખલાએ કાર્ડ ક્લોનીંગથી બચવા માટે ઘણી બધી ટીપ્સ જણાવી છે. આવો જાણીએ કઈ કઈ ટીપ્સ છે.

1. કાર્ડધારકે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડતી વખતે મશીનમાં કાર્ડ દાખલ કરવાની જગ્યા હંમેશા તપાસવી જોઈએ. ચોર તે જગ્યાએ ક્લોનીંગ ડિવાઇસ લગાવી દે છે અને તે વ્યક્તિનું એટીએમ કાર્ડ સ્કેન કરી લે છે.

2. કાર્ડધારકે પોતાનો પિન નંબર દાખલ કરતા પહેલા કીપેડની પણ ચકાસણી કરી લેવી જોઈએ.

3. કાર્ડધારકે તેનો પિન દાખલ કરતી વખતે આંગળીઓને કેમેરાની નજરથી બચાવીને રાખવી જોઈએ અથવા કીપેડને બીજા હાથથી ઢાંકી દેવું જોઈએ.

4. કાર્ડધારકે મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ઇએમવી ચિપ આધારિત કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. આથી જો કાર્ડ સ્કેન અથવા ક્લોન થશે, તો ચોરને એન્ક્રિપ્ટેડ માહિતી પ્રાપ્ત થશે, કારણ કે ઇએમવી કાર્ડ્સમાં માઇક્રોચિપ્સ હોય છે.

5. કાર્ડધારકે દુકાન, હોટલ અથવા રેસ્ટોરન્ટમાં પોતાનું કાર્ડ સ્વાઈપ કરતાં પહેલાં પીઓએસ મશીન(POS machine)ની ચકાસણી કરી લેવી જોઈએ. મશીન કઈ બેંકની છે તે તપાસો. મશીનનું બિલ જોઇને પણ પીઓએસ મશીનની કંપનીનું નામ શોધી શકાય છે. આ સિવાય સ્વાઇપ વિસ્તાર અને કીપેડની પણ ચકાસણી કરવી.

6. કાર્ડધારકે શક્ય હોય ત્યાં સુધી જાહેર સ્થળે આવેલા એટીએમ અથવા જ્યાં સિક્યોરીટી ગાર્ડ હાજર હોય, તેવા એટીએમનો જ ઉપયોગ કરવો જોઈએ.

છેતરપિંડી થાય તો કરો આ કામ

જો બેંક અથવા મશીન તરફથી ટ્રાન્ઝેક્શન સફળ થઈ ગયું છે અને તમને પૈસા મળી રહ્યા નથી, તો તમારે તરત જ બેંકને ફોન કરવો જોઈએ. જો કોઈ ટેકનીકલી ખામી હશે તો, પૈસા 24 થી 48 કલાકની અંદર બેંક દ્વારા ખાતામાં પાછા મોકલવામાં આવશે. પણ જો તકનીકી ખામી ન હોય, તો બેંક કર્મચારી અથવા પોલીસ સ્થળ ઉપર પહોંચીને નિરીક્ષણ કરશે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ બેંકના કર્મચારી અથવા પોલીસના આવવા સુધી ત્યાં જ રહેવું જોઈએ. બેંક દ્વારા પણ જણાવવામાં આવે છે કે મશીનમાંથી પૈસા કેમ નીકળી નથી રહ્યા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.