ઓનલાઈન અને બેન્કિંગ ફ્રોડથી બચાવો પોતાની મહેનતની કમાણીને, વાંચો 6 સરળ ટિપ્સ

દેશની નાણાં મંત્રી નિર્મલા સીતારમને હાલમાં સંસદમાં જણાવ્યું કે, એપ્રિલ 2019 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે બેંકિંગ ફ્રોડથી 95 હજાર કરોડનું નુકશાન થયું છે. તો મિત્રો, આ આંકડા પરથી તમે અંદાજો લગાવી શકો છો, કે દેશમાં કેટલા બધા લોકો સાથે ફ્રોડ થાય છે. આવા ફ્રોડમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારા લોકોની સંખ્યા વધારે છે.

અમુક લોકો ખોટી ઓળખ આપીને સામાન્ય લોકો પાસેથી તેમના ઓટીપી, પિન વગેરે જાણી લઈને એમના ખાતામાંથી પૈસા પડાવી લે છે. એવામાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. તો આવો જાણીએ કે તમે પણ ઓનલાઈન થવા વાળા બેંકિંગ ફ્રોડથી પોતાને કેવી રીતે બચાવી શકો છો?

અસુરક્ષિત URL નો ઉપયોગ કરવો નહિ :

ઓનલાઈન શોપિંગ અથવા પેમેન્ટ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે, જે લિંક પર તમે છો, શું એનું યુઆરએલ(URL) સુરક્ષિત છે? શોપિંગ અથવા પેમેન્ટ પહેલા URL પર તાળાનું નિશાન અથવા સિક્યોર લખેલું જરૂર જુઓ.

પૉપ અપ વિંડો, જાહેરાત અને ચેતવણી પર ક્લિક કરવું નહિ :

કમ્પ્યુટર પર કામ કરતા દરમિયાન પૉપ અપ વિંડોમાં ખુલતી સાઈટો પર ક્યારેય પણ અંગત અથવા બેંક સાથે જોડાયેલી જાણકારી ન ભરો. આવી સાઈટ તમારી બેન્કિંગ ડીટેલ ચોરી શકે છે.

નકલી ફોન કોલથી સાવધાન :

બેંકિંગના નામ પર ઘણી વાર નકલી કોલ દ્વારા સામાન્ય લોકોને નિશાનો બનાવવામાં આવે છે. એટલા માટે કયારેય પણ કોઈ પણ વ્યક્તિને ફોન પર ઓટીપી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પિન અને અન્ય બેંકિંગ ડિટેલ્સ ન સોંપો.

અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજની અંદરની લિંકથી સાવધાન :

સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરવા વાળા ગુનેગારો મોબાઈલ પર આકર્ષક સ્કીમ અથવા સસ્તા સામાનના નામ પર મેસેજ કરે છે. લોકો આ મેસેજોની જાળમાં ફસાઈને અજાણી લિંક પર પોતાની જાણકારી દાખલ કરે છે, અને પછી છેતરપિંડીનો શિકાર બને છે.

ક્રાઉડ ફંડિંગના નામ પર છેતરપિંડી :

ક્રાઉડ ફંડિંગના નામ પર પણ લોકો હંમેશા સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરે છે. એટલા માટે ક્રાઉડ ફંડિંગના નામ પર ડોનેશન આપતા પહેલા એવા કેમપેઈનને ચલાવવા વાળા, અને તેને કયા કારણથી ચલાવવામાં આવી રહ્યું છે? આ વાતોને જાણી લેવું જરૂરી છે.

ગિફટ કાર્ડ લેતા પહેલા સાવધાન :

આજકાલ ગિફ્ટ કાર્ડના નામ પર પણ સામાન્ય લોકો સ્કેમનો શિકાર થઈ રહ્યા છે. ઈમેલ, ફોન અને મેસેજમાં મળતા ગિફ્ટ કાર્ડ પર ભરોસો ન કરો. તમે એમના ચક્કરમાં પોતાની જમા રકમ ગુમાવી શકો છો.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.