તમારા બાળકને ઘડીયા નથી આવડતા? તો હાઈસ્કૂલના આચાર્યની આ ટિપ્સથી તેમની સમસ્યા ઉકેલો.

આપણે જાણીએ છીએ કે બાળકોને ઘડિયા આવડવા જોઈએ અને ખૂબ સારી રીતે આવડવા જોઈએ. પરંતુ આપણા બધાની એક જ ફરિયાદ હોય છે કે બાળકો ઘડિયા તૈયાર કરતા નથી. આપણે ઘડિયા તૈયાર કરવાનું કહીએ છીએ ત્યારે બાળકો ખૂબ જ આળસ અને ચીડ કરે છે. ધીમે ધીમે ઘડિયા માટે નફરત કેળવી લે છે. ઘણાં બાળકો તો ઘડિયા કરવાનું છોડી દેતા હોય છે. પરંતુ મારી પાસે ઘડિયા તૈયાર કરવા માટે એક નમ્ર સુચન છે. જે હું આ સાથે રજુ કરું છું.

સૌથી પહેલા તો એક વાલી કે શિક્ષક તરીકે આપણી પોતાની ભૂલ છે કે આપણે બાળકને ઘડિયા તૈયાર કરવાની ફરજ પાડીયે છીએ. હકીકતમાં આ બાબત જ ખોટી છે. જ્યારે પણ બાળકને ઘડિયા તૈયાર કરાવવા હોય ત્યારે ઘડિયાની ચોપડીમાંથી ઘડિયા કાઢીને બાળકને આપી દેવાના અને કહેવાનું કે આમાંથી જોઈને તું બોલ.

હવે બાળકને ઘડિયા જોઈને બોલવામાં કોઈ વાંધો નથી હોતો. કારણકે જોઈને બોલવા તે તૈયાર જ હોય છે. આવું તમે સળંગ એક મહિનો કરાવો એટલે બાળકને આપોઆપ ઘડિયા આવડી જશે. આના બદલે આપણે શું કરીએ છીએ કે તું પાંચનો ઘડીયો મને દસ વખત લખીને બતાવ. સાતનો ઘડિયો દસ વખત લખીને બતાવ. આવું કરવા જઈએ એટલે બાળક ઘડિયાથી અને સાથે સાથે આપણાથી નફરત કરતું થઇ જાય છે. એટલે બાળકને આ રીતે કદાપિ ઘડિયા તૈયાર ન કરાવવા.

એને ઘડિયાની ચોપડી આપી દઈને, જોઈને વાંચવાનું કહેવું. આ રીતે મેં ઘણાં બાળકો ઉપર પ્રયોગ કર્યો છે. આ રીતે બાળકોને બહુ જ સહજતાથી ઘડિયા આવડી જાય છે. વળી, બાળકની સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષણ દરમિયાન ઘડિયા બોલાવવાનું ચાલુ રાખવાનું છે. નહિતર બાળક ઘડિયા ભૂલી જશે. અને સાવધાન વાલી મિત્રો, આ કામ વાલી એ જ કરવાનું છે.

આ પદ્ધતિની ખાસ વાત તો એ છે કે બાળકને ઘડિયા તૈયાર કરવાનું કોઈ ટેન્શન રહેતું નથી. સાથે સાથે ઘડિયા આવડવા ફરજિયાત છે. કારણ કે જો બાળકને ઘડિયા નહી આવડે તો ગુણાકાર નહી આવડે અને ગુણાકાર નહી આવડે તો ગણિત નહી આવડે એ બહુ સ્વાભાવિક છે.

એટલે એક ગણિત શિક્ષક તરીકે (M.Sc., M.Ed. Mathematics હા હા હા ) આપ સૌને આગ્રહભરી વિનંતી કરું છું કે તમારા બાળકને ઘડિયા શીખવાડો અને અહીં સમજાવી છે એ પદ્ધતિ પ્રમાણે શીખવાડો. જરૂર આવડશે. અનુભવસિદ્ધ પ્રયોગ છે. આવા બીજા એક બે નુસખા બીજા એક બે લેખમાં લખીશું. ગમશેને?

કર્દમ ર. મોદી, આચાર્ય, પીપી હાઈસ્કુલ, ચાણસ્મા. (અમર કથાઓ ગ્રુપ)

82380 58094

You tube channel – kardam modi