મિનિમમ બેલેન્સ ન હોવા પર તમારા ખાતામાંથી પૈસા કાપીને બેંકોએ કમાયા આટલા કરોડ રૂપિયા

સામાન્ય રીતે લોકો સામે જયારે પૈસા બચત કરવાની વાત સામે આવે છે ત્યારે તેઓ હંમેશા બેંક તરફ જવાનો આગ્રહ રાખે છે, કેમ કે બેંકમાં પોતાના પૈસા સુરક્ષિત રહે છે, અને તેની ઉપર બેંક દ્વારા વ્યાજ પણ આપવામાં આવે છે. આ બેંકો પોતાના નિયમોમાં અવાર નવાર સુધારા વધારા કરતી રહે છે, અને તેનો અમલ ખાતાધારકો દ્વારા કરવામાં આવતો હોય છે.

જેમાં ઘણી વખત ખાતાધારકોને નુકશાની પણ ભોગવવી પડે છે, અને ઘણી વખત લાભ પણ મળતો હોય છે. હમણાં થોડા સમયથી બેંકો દ્વારા નિયમોમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આવો જ એક સુધારો બેંક દ્વારા કરવામાં આવ્યો છે, જેનાથી બેંકને ઘણી મોટી આવક થઇ છે, જેના વિષે આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું.

બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ અને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ઉપર મીનીમમ બેલેન્સની અનિવાર્યતા લાગુ નથી પડતી.

સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ ગયા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાતામાં મીનીમમ બેલેન્સ ન રાખવા ઉપર પેનલ્ટી તરીકે ૧,૯૯૬ કરોડ રૂપિયા મેળવ્યા છે, આ જાણકારી રાજ્ય નાણાંમંત્રી અને હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં આપી.

શું છે બાબત – નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૮ સરકારી બેંકોને મીનીમમ બેલેન્સ પેનલ્ટી તરીકે 3,૩૬૮.૪૨ કરોડ રૂપિયા મળ્યા હતા. અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી બેંકોએ ખાતાધારકો પાસે ૭૯૦.૨૨ કરોડ રૂપિયા વસુલ કર્યા હતા.

એક લેખિત જવાબમાં રાજ્ય નાણાંમંત્રીએ લોકસભામાં જણાવ્યું કે સરકારી બેંકોને મળેલા મીનીમમ બેલેન્સ પેનલ્ટીમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો આવ્યો છે.

તેનું એક કારણ સ્ટેટ બેંક ઓફ ઇંડિયા દ્વારા બચત ખાતામાં મીનીમમ બેલેન્સ જાળવી ન રાખવા ઉપર ૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ થી પેનલ્ટી  ઓછી કરી દેવામાં આવેલી તે પણ છે. બેઝીક સેવિંગ બેંક ડીપોઝીટ ખાતા ઉપર  પેનલ્ટી નથી લાગતી, ઠાકુરે જણાવ્યું કે બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ ખાતામાં મીનીમમ મન્થલી બેલેન્સ ન રાખવા ઉપર બેંક કોઈ પેનલ્ટી નથી લેતી. તેમાં પ્રધાનમંત્રી જનઘન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાનો પણ સમાવેશ થાય છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.